નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
રાજપીપળા ટાઉન પોલીસે દોઢ વર્ષથી ઘરથી નીકળેલા યુવાનનું પરિવાર સાથે મિલન કરાવતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં મળતી વિગતો અનુસાર રાજપીપળા પોલીસ મથકના પીઆઈ આર.જી.ચૌધરી તેમની ટીમ સાથે રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતા. ત્યારે વડીયા જકાત નાકા વિસ્તારમાંથી માનસિક રીતે અસ્થિર જણાતો એક યુવાન મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા કંઈ ખાસ જાણવા મળ્યું નહોતું. તેને પોલીસ સ્ટેશન લાવી ભોજન કરાવી પૂછપરછ કરતાં પણ ખાસ જાણકરી મળી નહોતી. ત્યારબાદ પોલીસ સ્ટાફના એક જવાન એ ગામ તરફના હોવાથી આ યુવાનના પરિવારનો સંપર્ક કરાતા ત્રણ દિવસ બાદ તેની માતા ગામના એક વ્યક્તિ સાથે રાજપીપળા પોલીસ મથકે આવ્યા હતા. ત્યારે આ યુવાનનું નામ રમેશ રાવળ છે અને તે ભાલદ, વિસનગર રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ મથકે આવેલા માતાના જણાવ્યા મુજબ તેમના પુત્ર રમેશના પિતા ગુજરી ગયા છે. રમેશ તેમની સાથે રહે છે પરંતુ દોઢ વર્ષ પહેલાં કંઈ કહ્યા વિના ક્યાંક ચાલ્યો ગયો હતો. રમેશની ઘણી તપાસ કરી છતાં ક્યાંય ભાળ ના મળતાં પુત્ર મૃત્યુ પામ્યો હશે તેમ માની લીધું હતું. પુત્ર મરી ગયો તેમ માની લીધા બાદ રાજપીપળા પોલીસ સ્ટેશનની સારી કામગીરીના કારણે દોઢ વર્ષ બાદ મને મારો પુત્ર જીવિત મળ્યો છે. સાહેબે મારા રખડતા પુત્રને પોલીસ મથકે લાવી ત્રણ દિવસ સુધી ચા, નાસ્તો, ભોજન પણ કરાવ્યું. આજે દાઢી વાળ કપાવી, સ્નાન કરાવડાવી નવા કપડાં પહેરાવી મારા દીકરાને અમારા ગામ લઈ જવા માટે તૈયાર કરાવ્યો છે. આ માટે હું રાજપીપળા પોલીસનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.