RCC દીવાલ સાથે બનેવીનું મોત, સાળાને ઈજા; પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે ફરિયાદ; પૈસા કમાવવાની લાલચ ભારે પડી | Banivi dies with RCC wall, brother-in-law injured; Complaint against usurer for extortion; The temptation to earn money became heavy | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બનેવીનું મોત, સાળાને ઈજા…
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વકતાપુર નજીક સાઈ મંદિર પાસે બે દિવસ પહેલા રાત્રીના સમયે વેગેનાર રોડ સાઈડમાં બનાવેલા ગરનાળાની RCC દીવાલ સાથે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બનેવીનું મોત થયું હતું, તો સાળાને શરીરે ઈજાઓ થતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, 23 માર્ચના રોજ ચૈત્ર માસના પ્રથમ નોરતે સવારે અમદાવાદના હંસપુરાના નરોડા-દહેગામ રોડ પર સત્વ-4 બંગ્લોઝની પાસે આવેલા પાશ્વ રેસીડેન્સીમાં મકાન નં. 8માં રહેતા દિલીપ ગુપ્તા તેમના બનેવી રાકેશ ગુપ્તા બંને જણા વેગેનાર લઈને અંબાજી દર્શન કરવા ગયા હતા. જ્યાંથી દર્શન કરી પરત આવતા સમયે હિંમતનગરના વકતાપુર નજીક સાઈ મંદિર પાસે રાત્રે 10 વાગેના સમયે વેગેનાર ચલાવતા દિલીપે અચાનક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં બનાવેલા ગરનાળાની RCC દીવાલ સાથે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બનેવી રાકેશ ગુપ્તાનું ઘટનાસ્થળે ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક દિલીપને શરીરે ઈજાઓ થતા 108માં હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઇ…
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવલપુર ગામના ખેડૂતે પોતાના દીકરાને એન્જીનીયર બનાવવા માટે કોલેજમાં ફી ભરવા માટે રૂ. 3 લાખની જરૂરિયાત હોવાને લઈને ત્રણ જણા પાસેથી વ્યાજે નાણા લીધા હતા. જે રકમ ચૂકવી દીધા પછી પણ વ્યાજખોરો બાકી રકમ માટે પઠાણી ઉઘરાણી કરતા ત્રણ વ્યાજખોરો સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના નવલપુર ગામના ઈમરાન બલોચપુરાએ તેમના દીકરાને ગાંધીનગર એન્જીનીયરીંગના અભ્યાસ માટે કોલેજમાં રૂ. 3 લાખની ફી ભરવાની હતી. જેને લઈને હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં હર્ષ ઉર્ફે અક્કુ દેસાઈ પાસેથી ઊંચા વ્યાજદરે લીધેલા રૂ. 50,000ના ઊંચા વ્યાજ દર સાથે કુલ રૂ. 90,400 સમયસર ચૂકવી દીધેલા હોવા છતાં રૂ. 50,000 બાકી છે.

ઉપરાંત મહેતાપુરાના મૌલિક જેમની મેક્ષી નામની ફાઈનાન્સ વાળા પાસેથી ઊંચા વ્યાજદરે લીધેલા રૂ. 50,000ના ઊંચા વ્યાજ દરના કુલ રૂ. 10,000 ચૂકવેલા અને રૂ. 90,000 બાકી છે તેમ કહ્યું હતું. તો મહેસાણાના ગનુ પાસેથી ઊંચા વ્યાજદરે લીધેલા રૂ. 70,000ના ઊંચા વ્યાજદર સાથે રૂ. 84,000 હજાર ચૂકવેલા છતાં, રૂ. 90,000 બાકી છે. તેમ કહી ત્રણેય વ્યાજખોરોએ વર્ષ 2020થી વર્ષ 2023માં આજદિન સુધી ફોન ઉપર ગાળોબોલી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, પઠાણી ઉઘરાણી કરી, તેમજ અક્કુ ઉર્ફે હર્ષ દેસાઈ અને ગનુ બંને અલગ અલગ સમયે ઈમરાનના ઘરે જઈને બાકી નીકળતા પૈસા આપી દે અને નહિ આપે તો જીવતો રહેવા દેશું નહિ. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પૈસાની પઠાણી ઉઘરાણી, ઉંચો વ્યજદર વસુલ કરતા ત્રણ સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઈમરાન બલોચપુરાએ ફરિયાદ નોંધાવી છે.

બાઈક ચોરી થતા ફરિયાદ…
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં રેલવે સ્ટેશન નજીક ભાઈના ઘર આગળ ખુલ્લી જગ્યામાં બાઈક પાર્ક કરી હતી. જે ચોરી થઇ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, ઇડરમાં હનુમાનજી મંદિરની સામે રેલ્વે સ્ટેશન રોડ પર ભાઈના ઘરની આગળ ખુલ્લી જગ્યામાં 24 માર્ચની રાત્રે બનાસકાંઠાના દાંતા મહેશ ચૌધરીએ પોતાની બાઈક પાર્ક કરી હતી. જે રાત્રી દરમિયાન અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં રૂ. 10 હજારની બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે.

યુવક સાથે છેતરપિંડી…
સાબરકાંઠા જિલ્લાના ઇડરના યુવકે ઈન્સ્ટાગ્રામ પર ઘરે બેઠા પેન્સિલ બોક્સ પેક કરી પૈસા કમાવવાની જાહેરાત જોયા બાદ લાલચમાં યુવક સાથે એક જ દિવસમાં અલગ અલગ રકમ ફોન પે પર ટ્રાન્સફર કરાવી ઓનલાઈન રૂ. 98 હજારની છેતરપીંડી થતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, ઈડરના આનંદનગર વિસ્તારમાં શિવમ સોસાયટીમાં રહેતા કૃણાલ પ્રજાપતિના 21 માર્ચના બપોરના સમયે ઘરે પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ જોતા સમયે નટરાજ પેન્સિલ બોક્ષમાં પેક કરવાનો ગૃહ ઉદ્યોગની જાહેરાત જોઈ હતી. જેમાં મોબાઈલ નંબર આપેલો હતો. જેથી મારા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ દ્વારા હાય લખતા એક ઓડીઓ ક્લીપ મોકલેલી જે સાંભળતા હિન્દીમાં એક માણસનો અવાજ હતો. મને કહેલું કે તુમ પેસે ભેજો મેં માલ ભેજ દેતા હું એમ કહેલું અને થોડીવાર પછી મને વોટ્સએપ કોલ કર્યો હતો. કહ્યું હતું કે, તમારું આઇકાર્ડ બનાવવું પડશે તમે રૂ. 620 મો.નં. પર ટ્રાન્સફર કરો જેથી ફોન પે એપ દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

બીજા દિવસે 22 માર્ચના રોજ કૃણાલ દુકાને હતો. ત્યારે મો.નં પરથી વોટે્સએપ કોલ કરી કહેલું કે, વેપાર માટે કાચો માલ ક્યારે મળશે તેમ કહેતા તેણે મને કહેલું કે, ગઈકાલે જે નંબર પર ફોન પે કર્યા તે નંબર ઉપર રૂ. 3 હજાર ફોન પે કરો અને સાંજ સુધીમાં તમને પેકિંગ માટેનો માલ સામાન મળી જશે. જેથી કૃણાલે રૂ. 3 હજાર ટ્રાન્સફર કરતા અજાણ્યા ભાઈનો વોટ્સએપ કોલ આવ્યો હતો અને કહ્યું પહેલા રૂ. 2000 અને ત્યારબાદ રૂ. 999 ટ્રાન્સફર કરો જે પ્રમાણે ટ્રાન્સફર કરીને એક કલાક બાદ કોલ કરીને માલની ડીલીવરી ક્યારે કરવાના છો તે જેથી તે ભાઈએ માલની ડીલીવરી પેટે ડીપોઝીટ પેટે બે વખત મળી રૂ. 13,998 ટ્રાન્સફર કર્યા હતા.

થોડીવાર પછી કોલ આવ્યો અને કહ્યું કે નટરાજ પેન્સિલનો કાચો માલ તમારો રવાના થયો છે. તમારે GST પેટે રૂ. 24,998 અને ત્યારબાદ ફરીથી રૂ. 51,998 ટ્રાન્સફર કરવા પડશે. આમ એક જ દિવસમાં અલગ રકમ ફોન પે કરી અજાણ્યો માણસ નટરાજ પેન્સિલનો કાચો માલ આપવાની લાલચ આપીને કૃણાલ પાસેથી ફોન પે પર રૂ. 98,613 ટ્રાન્સફર કરાવીને ઓનલાઈન છેતરપીંડી કરી હતી. જેથી કૃણાલ પ્રજાપતિએ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો…
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા જિલ્લાના લાઘંણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઇડર નજીકથી ઝડપી લઇને જેલ હવાલે કર્યો હતો.

આ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઇડર વિસ્તારમાં ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન એ.એસ.આઇ. ચાંપાભાઇ તથા પો.કો. હિમાંશુને ખાનગી બાતમી મળી હતી. કે લાઘંણજ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા ચારેક વર્ષથી નાસતો ફરતો આરોપી ઠાકોર સતીષ જવાનજી (રહે.પઢારીયા, જિ.મહેસાણા) ઇડરના સવગઢ ગામ નજીક આવેલ નવી વસાહતના છાપરામાં રહે છે. જે બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી તેને ઝડપી ઇડર પોલીસ સ્ટેશને હવાલે કરવામાં આવ્યો હતો. આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોક્સોના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

પાર્ક કરેલી બે બાઇકોની ચોરી…
તલોદ તાલુકાના સલાટપુર ગામમાં એક જ રાતમાં ઘર આગળ પાર્ક કરેલી બે બાઇકોની ચોરીના બનાવ અંગે તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. એક જ રાતમાં બે બાઇકોની ચોરી થતા ગ્રામજનોમાં ભય જોવા મળ્યો છે.

આ અંગે તલોદ તાલુકાના સલાટપુર ગામના રહિશ ખોડસિંહ રંગુસિંહ તેમજ મંગા માલાજીના ઘર પાસે પાર્ક કરેલી બે બાઇકોની કોઇ ચોર ઇસમ ચોરી કરીને નાસી ગયો હતો. ખોડસિંહ રંગુસિંહના ઘર આગળ પાર્ક કરેલી બાઈક કોઈ અજાણ્યા ચોરો ઇસમ ચોરી કરીને લઇ ગયો હતો. સવારે પોતાના ઘર આગળ પાર્ક કરેલી બાઇક જોવા ન મળતા બાઇકની ચોરી થઇ હોવાની આશંકા ગઇ હતી અને આસપાસ તપાસ કરવા છતા પણ બાઇકનો કોઇ પત્તો ન મળતા ખોડસિંહ રંગુસિંહે બાઇક ચોરીના બનાવ અંગે તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત સલાટપુર ગામના મંગા માલાજીના ઘર આગળ પાર્ક કરેલી હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ બાઇક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગયો હતો. ચોરીની બાઇકના ગુના અંગે મંગા માલાજીએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…