- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Religious Atmosphere In The District; Executive General Board Held Tomorrow; The Atmosphere In Khambhaldi Changed; Organization Of Blood Donation Camp
દ્વારકા ખંભાળિયા2 કલાક પહેલા
જુદા જુદા મંદિરોમાં વિશિષ્ટ દર્શનનું આયોજન…
આદ્યશક્તિની ઉપાસનાના પર્વ એવા ચૈત્રી નવરાત્રીનો આજથી મંગલ પ્રારંભ થયો છે. ત્યારે ખંભાળિયા સહિત સમગ્ર હાલાર પંથકમાં આવેલા વિવિધ માતાજીના મંદિરોમાં આજે પ્રથમ નોરતે વિશિષ્ટ દર્શન સહિતના આયોજનો થયા હતા.

અનુષ્ઠાનના ઐતિહાસિક અને શાસ્ત્રોક મહાત્મા સાથેના આ પર્વ એવા ચૈત્રી નવરાત્રી પ્રસંગે ખંભાળિયા શહેરમાં આવેલા ઝીલણીયા વાડી નજીકના શ્રી ગાયત્રી માતાજીના મંદિર, આજ વિસ્તારમાં આવેલા આશાપુરા મંદિર, ખંભાળિયામાં જલારામ ચોક નજીક આવેલા સુવિખ્યાત સિંધવી સિકોતર માતાજીના મંદિર, પુષ્કરર્ણા બ્રહ્મપુરી ખાતેના ગાયત્રી મંદિર, ઉપરાંત ઐતિહાસિક યાત્રાધામ એવા હર્ષદ માતાજી (ગાંધવી) મંદિર, વેરાડ ખાતે હિંગળાજ માતાજી, ભાણવડના ઘુમલી વિસ્તારમાં આવેલા આશાપુરા માતાજી તથા સામુદ્રી માતાજી, જોગવડ ગામ પાસે આવેલા આશાપુરા માતાજી સહિતના અનેકવિધ મંદિરોમાં આજે પૂજન અર્ચન સાથે મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડ્યા હતા.

નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં જોગવડ, હર્ષદ, ઘુમલી, હડીયાણા, વગેરે ગામોમાં આવેલા પ્રાચીન અને પ્રખ્યાત એવા મંદિરોમાં નોંધપાત્ર સંખ્યામાં માતાજીના ભક્તોની ભીડ જોવા મળે છે.

કારોબારી તથા જનરલ બોર્ડ આવતીકાલે યોજાશે…
ખંભાળિયા નગરપાલિકાની એજન્ડા નંબર 9 મુજબની બજેટ બેઠક પૂર્વેની કારોબારી કમિટીની એક મીટીંગ આવતીકાલે ગુરુવારે સવારે 10 વાગ્યે અત્રે જડેશ્વર રોડ ઉપર આવેલા નવનિર્મિત શેલ્ટર હોમ ખાતે કારોબારી ચેરમેન હીના આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી છે. જેમાં એકાઉન્ટ વિભાગના વર્ષ 2023-24ના વાર્ષિક બજેટને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવશે.

ત્યારબાદ આજ સ્થળે સવારે સવાદસ વાગ્યે નગરપાલિકાની એજન્ડા નંબર 11 મુજબની સામાન્ય સભા નગરપાલિકાના પ્રમુખ ભાવના પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. આ બેઠકનો મુખ્ય એજન્ડા વર્ષ 2023-24નું બજેટ રહેશે. આ ઉપરાંત આવતીકાલે ગુરુવારે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનો જન્મદિવસ હોય, આ પ્રસંગે શેલ્ટર હોમમાં ભિક્ષુકોને પ્રવેશ તથા ગરીબોને ભોજન સહિતના સેવા કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ભગતસિંહના નિર્વાણ દિન નિમિત્તે રક્તદાન કેમ્પ…
ભારતના સપૂત વીર ભગતસિંહના નિર્વાણ દિન નિમિત્તે આવતીકાલ તા. 23 માર્ચના રોજ ઉજવાતા શહીદ દિન નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપવાના આશય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેયના વડપણ હેઠળ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આવતીકાલે ગુરુવારે સવારે 9:30 વાગ્યાથી અહીંના પોરબંદર રોડ ઉપર આવેલા ટાઉનહોલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ સેવા કાર્યમાં સહભાગી થવા તથા રક્તદાન કરવા જિલ્લાના રક્તદાતાઓને પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ખંભાળિયામાં વાતાવરણ પલટાયું…
ખંભાળિયા પંથકમાં આજરોજ સવારે ઉઘાડ ભર્યા માહોલ બાદ એકાએક વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજે બદલાયેલા વાતાવરણ વચ્ચે સવારે આશરે 11:30 વાગ્યે વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું હતું અને તેજ ગતિથી ફૂંકાયેલા પવન વચ્ચે વરસાદનું જોરદાર ઝાપટું વરસતા માર્ગો ભીંજાઈ ગયા હતા. ધૂળની ડમરી અને વાજડી સાથેના આ ઝાપટાથી વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું અને થોડા ઘણા અંશે જનજીવન પ્રભાવિત થયું હતું.

