વલસાડએક કલાક પહેલા
વલસાડ સહિત ગુજરાત અને દેશની તમામ પોસ્ટ ઓફિસની પિનાકલ સિસ્ટમમાં ખામી સર્જાતા છેલ્લા બે દિવસથી સેવિંગ બેંકની કામગીરી ઠપ્પ થઈ છે. જેના કારણે ખાતેદારો પોતાના ખાતમાં પૈસા ઉપાડી અને જમા કરાવી શકતા નથી. કેટલાક ખાતેદારોના ઘરમાં તો લગ્નપ્રસંગ હોવાના કારણે ચિંતામાં મુકાયા છે.
પોસ્ટમાં બે દિવસથી સેવિંગ બેંકની કામગીરી ઠપ્પ
પોસ્ટ ઓફિસની પિનાકલ સિસ્ટમમાં ખામી સર્જાવાના કારણે છેલ્લા બે દિવસથી પોસ્ટ ઓફિસોમાંથી સેવિંગ બેંકની કામગીરી સંપૂર્ણ ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે સિનિયર સિટિઝન સહિતના ખાતેદારો પરેશાન થઈ રહ્યા છે. હાલ લગ્નગાળો ચાલી રહ્યો હોઇ અનેક ખાતેદારો એવા પણ છે કે, જેને પ્રસંગ માટે રૂપિયાની જરૂર છે. પરંતુ, પોસ્ટમાંથી હાલ રૂપિયા ઊપડી શકે તેમ ન હોય ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે.
શું કહી રહ્યા છે પોસ્ટ વિભાગના અધિકારી?
વલસાડના સિનિયર પોસ્ટ માસ્તર કે.એમ.ચૌહાણે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી કોઈપણ ટેક્નિકલ કારણોસર સર્વરનો પ્રશ્ન છે. બધી જ પોસ્ટ ઓફિસમાં બંધ છે. તેનો અમારી ટેક્નિકલ ટીમ મૈસુરથી ખામી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. વહેલીતકે દૂર થાય તેવું લાગી રહ્યું છે. અમે ખાતેદારો પાસેથી ફોન નંબર લઈ રહ્યા છીએ. જેવું સર્વર ચાલુ થશે અમે ખાતેદારોને ફોન દ્વારા જાણ કરી આપશું. પિનાકલ સિસ્ટમમાં ખામી હોવાના કારણે સેવિંગ બેંકની કામગીરી ઠપ્પ છે. તે સિવાયની પોસ્ટ ઓફિસની તમામ કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે.
શું કહી રહ્યા છે ખાતેદાર?
પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતા એક ખાતાધારકે આજે કહ્યું હતું કે, હું બે દિવસથી ધક્કા ખાઈ રહ્યો છું પણ સર્વર બંધ હોવાના કારણે પૈસા ઊપડી રહ્યા નથી. જો હું કોઈ પાર્ટીને ચેક આપું તો સર્વર બંધ હોવાના કારણે ચેક પણ ક્લિયર થઈ શકે તેમ નથી. તો એક પોસ્ટ એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, લગ્નપ્રસંગ હોવાના કારણે ખાતેદારોને પૈસાની જરૂરિયાત છે. આ ઉપરાંત માર્ચ મહિનો હોવાના કારણે PPFમાં પણ પૈસા જમા કરાવવાના હોય છે. જે હાલ થઈ શકતા નથી.