7 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાત કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ બેઠી થવા પ્રયાસ કરી છે. રવિવારે રાજ્યભરમાં રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. તો છેલ્લા 3 દિવસથી ગુજરાત વિધાનસભા પ્રાંગણમાં કોંગ્રેસના ધારાસભ્યો વિવિધ મુદ્દે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં જોશ ફૂંકાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દરમિયાન ગઈકાલે ગાંધીનગરમાં એક ફાર્મહાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓ મળ્યાં હતાં. વિધાનસભાની ચૂંટણીમાં મળેલી ભૂંડી હાર બાદ કોંગી નેતાઓએ ડિનર ડિપ્લોમસી કરી હતી.
પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ સહિત નેતાઓ હાજર
ગાંધીનગરની ભાગોળે આવેલા એક ફાર્મ હાઉસ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી સહિત ગુજરાત કોંગ્રેસના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ પહેલીવાર કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો તેમાં હાજર રહ્યા હતા.
જૂથવાદ કોરાણે મૂકી એકજૂથ થવા નિર્ધાર
ગાંધીનગરના ફાર્મ હાઉસમાં મળેલી કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓએ ચૂંટણીમાં હાર બાદ પહેલીવાર એકસાથે મળ્યા હતા. અહીં બધા નેતાઓએ જૂથવાદ ભૂલીને એકજૂથ થઇને લડવાનો સંકલ્પ કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતનું સંગઠન મજબૂત કરવા હાઇકમાન્ડે સૂચના આપી દીધી છે. પ્રભારી, સહપ્રભારીને એક મહિનો ગુજરાત ન છોડવા હાઇકમાન્ડે સૂચના આપી છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીમાં મળેલી હારમાંથી બોધપાઠ લઈને ગુજરાત કોંગ્રેસ નવી રણનીતિ પણ ઘડશે.