વડોદરા41 મિનિટ પહેલા
- કૉપી લિંક
આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતાં એકાએક પથ્થરમારો શરૂ થયો હતો, લોકોની દોડધામ મચી ગઈ હતી. એ સાથે તોફાની ટોળા દ્વારા રોડ ઉપરની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. કોમી ભડકાથી રોડ ઉપરનાં બજારો ટપોટપ બંધ થઇ ગયાં હતાં. જોકે કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ફતેપુરા વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થતી જોવા મળી રહી છે.
વીએચપી-બજરંગ દળ દ્વારા યાત્રાનું આયોજન
વડોદરામાં આજે રામનવમીની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી હતી. શહેરના સુપ્રસિદ્ધ રામજી મંદિરો સહિત નાનાં-મોટાં રામજી મંદિરોમાં વિવિધ કાર્યક્રમો સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી, બીજી બાજુ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાઇકોમાં તોડફોડ.
શાંતિ સમિતિની બેઠળ મળી હતી
હાલમા મુસ્લિમ સમાજના રમઝાન માસની પણ ઉજવણી થઇ રહી છે અને રામનવમી નિમિત્તે વ્હિપ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતાં પોલીસતંત્ર દ્વારા બંને સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એ સાથે પૂર્વ રાત્રે પોલીસતંત્ર દ્વારા ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.
લારીઓની તોડફોડ
પોલીસ-બંદોબસ્ત વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રા વાજતે-ગાજતે ફતેપુરા રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. એ દરમિયાન પાંજરીગર મહોલ્લા પાસે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફેતપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ ઉપરની સંખ્યાબંધ લારીઓની તોડફોડ કરવામાં આવી હતી.
શોભાયાત્રામાં ટોળાએ પથ્થરમારો કર્યો.
અટકાયત કરવાની કાર્યવાહી
ફેતપુરા પાંજરીગર મહોલ્લા પાસે રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં પોલીસકાફલો ઊતરી આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં તોફાની ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસે રોડ પર ઊંધી પાડી દેવામાં આવેલી લારીઓ પણ સીધી કરી દીધી હતી. એ સાથે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં તોફાનીઓની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
પોલીસકાફલો ઘટનાસ્થળે.
સમગ્ર શહેરમાં ચકચાર
વિશ્વ હિંદુ પરિષદના અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે શોભાયાત્રા શાંતિપૂર્ણ પસાર થઈ રહી હતી. એ સમયે પાંજરીગર મહોલ્લામાંથી પથ્થરમારો શરૂ થયો હતો. જો વીએચપીના કાર્યકરોની આ બનાવમાં ધરપકડ કરવામાં આવશે તો વડોદરા ભડકે બળશે એવી ચીમકી ઉચ્ચારી હતી. ફતેપુરામાં રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હોવાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી.