અંકલેશ્વર22 મિનિટ પહેલા
- કૉપી લિંક

અંકલેશ્વરના સરફુદ્દીન ગામના મહિલા સરપંચ સામે ખાસ સભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાઈ છે. પંચાયતમાં અન્ય સભ્યો સાથે ગેરવર્તન અને પતિ દ્વારા કરવામાં આવતો વહીવટ અને ગ્રાન્ટ અંગે યોગ્ય પ્રતિઉત્તરના આપતા 6 સભ્યો દરખાસ્ત મૂકી હતી. ટી.ડી.ઓ.ની તાકીદ બાદ પણ 20 દિવસમાં સભાના બોલાવતા અંતે ટી.ડી.ઓ કચેરીથી નીમેલા પ્રતિનિધિની અધ્યક્ષતામાં અવિશ્વાસનો ઠરાવ પસાર કર્યો હતો. સરપંચ અને અન્ય બે સભ્યો ગેરહાજર રહેતા ઠરાવ બહુમતે પસાર કરાયો હતો.

સરપંચના પતિએ.વારંવાર અપમાનિત કર્યા હતા
અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામ ખાતે પંચાયતમાં મહિલા સરપંચ કૈલાસ ભરતભાઈ વસાવા સામે 6 સભ્યોએ જંગ છેડી અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જે અંગે તાલુકા પંચાયત કચેરી ખાતે પણ જાણ કરાઈ હતી. પંચાયતના અન્ય સભ્યો દ્વારા સરપંચના પતિની પંચાયતમાં દખલગીરી તેમજ સરપંચ દ્વારા અન્ય સભ્યોને વારંવાર અપમાનિત કરતા હતા. તેમજ સરકારમાંથી આવતી ગ્રાન્ટ અંગે યોગ્ય પ્રતિઉત્તર નહિં આપતા એક વર્ષના કાર્યકાળમાં જ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી.

પંચાયતના 6 સભ્યોની બહુમતે દરખાસ્ત પાસ કરાઈ
જેમાં તાલુકા વિકાસ અધિકારીએ દ્વારા સભા બોલાવવા તાકીદ કરી હતી. જેના 20 દિવસ વીતી જવા છતાં સરપંચ દ્વારા સભા નહિ બોલાવામાં આવતા અંતે 13 માર્ચના રોજ 6 સભ્યો દ્વારા ટી.ડી.ઓ ને લેખિત દરખાસ્ત આપતા પંચાયત અધિનિયમ હેઠળ 20 માર્ચના રોજ 12 કલાકે ખાસ સભા ટી.ડી.ઓના પ્રતિનિધિની અધ્યક્ષતામાં બોલાવી હતી. આ ખાસ ગ્રામ સભામાં પણ સરપંચ અને અન્ય 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા. જ્યાં નિયમ અનુસાર 1 કલાક સુધી રાહ જોયા બાદ પણ સરપંચ અને અન્ય સભ્યો નહિ આવતા અંતે દરખાસ્ત પર મતદાન લેવામાં આવ્યું હતું. જેમાં 6 મતે એટલે બહુમતે દરખાસ્ત મંજુર કરાઇ હતી. ત્યારબાદ સરપંચને સરપંચ પદ પરથી દૂર કરવાનો ઠરાવ મંજૂર કરાયો હતો. જેમાં ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
