બનાસકાંઠા અને કચ્છમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ, થરાદમાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા | Torrential rain with strong winds in Banaskantha and Kutch, knee-deep water in Tharad | Times Of Ahmedabad

પાલનપુર35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદની આફત જાણે અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 29થી 29થી 31 તારીખ દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી આપી છે. ત્યારે આજે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કરા અને ભારે પવન સાથે વરસાદ વરસવાના કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

બનાસકાંઠામાં મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ
આજે બનાસકાંઠાના ઈકબાલગઢ વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. તો થરાદમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં તો ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

ડીસામાં કરા સાથે વરસાદ વરસ્યો
બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને અંબાજી પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ડીસામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. ભરઉનાળે કરા સાથે વરસાદ પડતા ટેટી, તરબૂચ, શાકભાજીના પાકો સહિત ઉનાળુ પાકોને ભયંકર નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હજુ પણ કમોસમી વરસાદ અટકવાનું નામ લેતો નથી.

કચ્છમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો
કચ્છમાં પણ આજે વરસાદી માહોલ છવાયો છે. કચ્છના લખપત તાલુકાના ફુલરા, પાંધ્રો અને વર્માનગરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં પણ માવઠું થયું છે. ભચાઉ તાલુકાના કણખોઈ અને રાપર તાલુકાના ખેંગારપરમાં જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. જેમાં કણખોઈ ગામે ભાવે પવનના કારણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. તો માવઠું થતા ગ્રામ્ય માર્ગો પર પાણીના ધોધ વહી નીકળ્યા હતા.માવઠાંથી આ વિસ્તારના ખેડૂતોને ઘઉં, એરંડા અને ઇશબગુલ સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

અમરેલી જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા
કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે અમરેલી જિલ્લામાં વધુ એક માવઠું જોવા મળ્યું હતું. સાવરકુંડલાના ભમર અને મેરિયાણા પંથકમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post