અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમદાવાદના બે ધારાસભ્યોના કાર્યાલયના ઉદ્ઘાટન અમિત શાહ દ્વારા કરવામાં આવનાર છે. જેમાં શનિવારે રાત્રે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલના કાર્યાલયનું અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે આજે રવિવારે સાંજે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરના કાર્યાલયનું ઉદ્ઘાટન અમિત શાહ દ્વારા કરવામાં આવશે. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ અમિત શાહ વેજલપુર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન ચાવડાના ઘરે ભોજન કરશે.
મહિલા કોર્પોરેટરના ઘરે સાદુ ભોજન લેશે
વેજલપુર વોર્ડના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન ચાવડાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમારા ઘરે જમવા આવશે. તેમના માટે તેઓ લીલા ચણાનું શાક, ભીંડાનું શાક અને મિક્સ શાક એમ ત્રણ જાતના શાક, ભાખરી, બાજરાનો રોટલો તેમજ રોટલી અને કઢી-પુલાવ બનાવશે. અમિત શાહની સાથે ધારાસભ્ય અમિત ઠાકર સહિતના અન્ય નેતાઓ પણ તેમના ઘરે ભોજન કરશે.
લોકો પોતાના પ્રશ્નો કાર્યાલય પર રજૂ કરી શકશે
ઉલ્લેખનીય છે કે, શનિવારે રાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. સાબરમતી વિધાનસભાના નાગરિકો હવે તેમના કોઈપણ પ્રશ્ન કે ફરિયાદ હોય તો હર્ષદ પટેલના કાર્યાલય પર રજૂઆત કરી શકશે અને રૂબરૂ મળી શકશે. કાર્યાલયના ઉદઘાટનમાં શહેરના તમામ ધારાસભ્યો, સાબરમતી વિધાનસભા વોર્ડના કોર્પોરેટરો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.