UPI પેમેન્ટ ચાર્જેબલ થવાને લઈને NPCIએ શું સ્પષ્ટતા કરી? 8 રાજ્યોના CM આવશે ગુજરાત. જુઓ સાત મોટા સમાચાર | What did NPCI clarify about UPI payment being chargeable? CM of 8 states will come to Gujarat. See seven big news | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • What Did NPCI Clarify About UPI Payment Being Chargeable? CM Of 8 States Will Come To Gujarat. See Seven Big News

30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

NPCIની સ્પષ્ટતા

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI દ્વારા કરવામાં આવેલા વ્યવહારો પર 1 એપ્રિલ, 2023થી વસૂલવામાં આવનાર ટ્રાન્ઝેક્શન શુલ્ક અંગે સ્પષ્ટતા જારી કરી છે. NPCI એ UPI પેમેન્ટ્સ પર ચાર્જ વસૂલવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. NPCIએ જણાવ્યું હતું કે, UPI દ્વારા બેંક ખાતામાંથી અન્ય બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શન કરવા માટે ગ્રાહકોને કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. NCPIએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં મહત્તમ 99.9 ટકા યુપીઆઈ વ્યવહારો ફક્ત બેંક ખાતા દ્વારા જ થાય છે. NPCIએ કહ્યું કે UPI પેમેન્ટ માટે બેંક કે ગ્રાહકે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ઉપરાંત, જો UPI ટ્રાન્ઝેક્શન એક બેંકથી બીજી બેંકમાં કરવામાં આવે તો પણ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. NPCIએ જણાવ્યું હતું કે નિયમનકારી માર્ગદર્શિકા મુજબ, પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI Wallets) હવે ઇન્ટર ઓપરેબલ UPI ઇકોસિસ્ટમનો ભાગ છે. આને ધ્યાનમાં રાખીને, NPCIએ PPI વોલેટ્સને ઇન્ટર ઓપરેબલ UPI ઇકોસિસ્ટમનો ભાગ બનવાની મંજૂરી આપી છે. ઇન્ટરચેન્જ ચાર્જ ફક્ત PPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન્સ (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન્સ) પર જ લાગુ થશે. અને આ માટે ગ્રાહકે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

કેદીઓની સુરક્ષા જરૂરીઃ હર્ષ સંઘવી

જેલોની સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, જેલોમાં નવા 5G ટેક્નોલોજીના જામર લગાવવામાં આવશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જેલોમાં 16 હજારથી વધુ કેદીઓની સુરક્ષા જળવાઈ રહે તે જરૂરી છે. કેદીઓના ચહેરા પર ડર જોઈ શકાય છે. આગામી દિવસોમાં જેલમાં દરોડા પાડવામાં આવશે. ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે 24 માર્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્ત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના ગૃહ સચિવ, રાજ્યના પોલીસ વડા તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ અચાનક જ મોડી રાતે રાજ્યની 17 જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો બોડી વોર્ન કેમેરા સાથે 17 જેલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા પહોંચ્યો હતો. જેનું સીધું પ્રસારણ કંટ્રોલરૂમમાં થઈ રહ્યું હતું. આ આખા ઓપરેશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમ ડેશ બોર્ડથી લાઈવ જોઈ રહ્યા હતા, જ્યારે ગૃહરાજ્યમંત્રી કમાન્ડ કંટ્રોલ રૂમથી ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આ ગુપ્ત ઓપરેશનને જોઈને ઘણા મોટા અધિકારીઓનો પણ પરસેવો છૂટી ગયો હતો. ગુજરાત સરકારના ‘ઓપરેશન જેલ’ અંગે આજે ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી.

હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુ.કમિશનર એક્શનમાં

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બ્રિજની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીને તપાસ કરી 15 એપ્રિલ સુધીમાં રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ બ્રિજ તોડવો કે નહીં તે અંગેનો નિર્ણય લેવાશે. હાટકેશ્વર બ્રિજની તપાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બનાવવામાં આવેલી કમિટીમાં બ્રિજ એક્સપર્ટ, સ્ટ્રેન્ધન એક્સપર્ટ અને રૂડકીના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા હાટકેશ્વર બ્રિજની તપાસ કરવામાં આવશે. આ અધિકારીઓ દ્વારા સમગ્ર બ્રિજ મામલે તપાસ કરી અને આગામી 15 એપ્રિલ સુધીમાં રિપોર્ટ આપવામાં આવશે. હાટકેશ્વર બ્રિજના ટેસ્ટ અને રિપોર્ટના આધારે AMC કમિશનર કાર્યવાહી કરશે. કમિટીના રિપોર્ટ બાદ કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાશે.

અતિકને લઈ યુપી પોલીસનો કાફલો રવાના

ઉમેશ પાલના અપહરણના 17 વર્ષ જૂના કેસમાં પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે ત્રણેયને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પછી હવે અતીક અહેમદને લઈને સાબરમતી જેલ અમદાવાદ તરફ નીકળવા કાફલો રવાના થઈ ગયો છે. પ્રયાગરાજથી અમદાવાદ સુધી સઘન સુરક્ષા વચ્ચે અતીક અહેમદને અહીં ગુજરાતના અમદાવાદ શહેરની સાબરમતી જેલમાં લાવવામાં આવશે. ઉમેશ પાલ 2005ના રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. કોર્ટના આ નિર્ણયને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે 24 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રયાગરાજમાં ઉમેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પણ અતીક, તેના ભાઈ અશરફ, પુત્ર અસદ સહિત 9 લોકો આરોપી છે. આ પહેલાં સોમવારે અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેમના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય એક આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો.

કૂતરું કરડવાથી યુવકનું મોત?
સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત્ છે. રખડતા શ્વાનના હુમલા બાદ શહેરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા યુવકનું મોત થયું છે. મહત્ત્વનું છે કે, 28 વર્ષીય યુવકને રખડતા શ્વાને એક મહિનામાં બે વખત બચકાં ભર્યાં હતાં. મળતી માહિતી મુજબ, સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલ લક્ષ્મી નગર ખાતે રહેતા 28 વર્ષના રાજન નામના યુવકને શ્વાને બચકાં ભર્યાં હતાં. રાજનને શ્વાને એક મહિનામાં બે વાર બચકાં ભર્યાં હતાં. યુવકને પ્રથમ વખત ફેબ્રુઆરી મહિનામાં અને બીજી વખત 21 માર્ચે શ્વાને બચકું ભર્યું હતું. શ્વાનના બચકા ભર્યા બાદ યુવક સતત બીમાર રહેતો હતો. જેથી તેની સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. આ પહેલાં પણ સુરતમાંથી હાથના રુવાંડાં ઊભાં કરી નાખે એવો બનાવ સામે આવ્યો હતો. શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઘરના આંગણે રમી રહેલા 6 વર્ષના બાળકને શ્વાને 25 બચકાં ભર્યાં હતાં. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બાળકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

રાષ્ટ્રીયકક્ષાના ભવ્ય મેળાનું આયોજન

આગામી 30 માર્ચથી પાંચ દિવસ સુધી માધવપુર ગામે રાષ્ટ્રીયકક્ષાના મેળાનું આયોજન ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મેળો ભગવાન માધવરાયજી અને રુકમણીજીનાં લગ્ન દરમિયાન યોજાય છે. હવે આ મેળો રાષ્ટ્રીયકક્ષાનો હોવાથી ઉત્તર-પૂર્વના સિક્કિમ, મેઘાલય, આસામ સહિતનાં 8 રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો આવનાર છે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. માધવપુરમાં 12 હજાર લોકો એકસાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી શકે તેટલી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ એકસાથે પાંચ હેલિકોપ્ટર ઉતરાણ કરી શકે તેવાં પાંચ હેલિપેડ બનાવવામાં આવ્યાં છે. 5 દિવસ દરમિયાન ગુજરાત ઉપરાંત 8 રાજ્યોના ખ્યાતનામ કલાકારો દ્વારા વિવિધ કલાકૃતિઓ પ્રસ્તુત કરાશે. જેમાં ગુજરાતના જાણીતા કલાકાર સાંઈરામ દવે, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, આદિત્ય ગઢવી સહિતના કલાકારો પરફોર્મ કરશે. આ ઉપરાંત લોકો માટે આકરી ગરમીમાં એરકંડિશનર ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. આ વર્ષે માધવપુર ખાતે રમત-ગમત વિભાગ દ્વારા બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ મેળામાં રાષ્ટ્રીયકક્ષાના મહાનુભાવો આવનાર હોવાથી વહીવટી તંત્ર એલર્ટ છે. અહીં 5 હેલિપેડ બનાવાયાં છે. ડોમ બેઠક વ્યવસ્થાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ મેળામાં આવતા લોકો માટે આરોગ્ય અને પીવાના પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથોસાથ 100 જેટલા વિવિધ હસ્તકલાના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે.

ચૈત્રી આઠમે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

મા દુર્ગાની ઉપાસના કરવાનો પવિત્ર અવસર એટલે નવરાત્રી. આ દિવસોમાં માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમાં પણ ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે. નવરાત્રીએ ઊર્જાનું પ્રતીક છે, સકારાત્મક ઊર્જાનો સંચાર છે. આજે નોરતાની આઠમ હોવાથી માઇ મંદિરોમાં દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આઠમ નિમિત્તે માઇ મંદિરોમાં નવચંડી સહિત યજ્ઞ અને ભજન-ડાયરાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીની આઠમ હોવાથી માઈ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યાં છે. આઠમ નિમિત્તે નવચંડી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મંદિરોમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મોડીરાતથી અંબાજી મંદિરમાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. બોલમારી અંબે જય જય અંબેના નાદથી મંદિર ગુંજી રહ્યું છે. આજે સવારની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા અને મા અંબાજીના આશીર્વાદ લીધા હતા. ચૈત્રી નવરાત્રીની આઠમનું વિશેષ મહત્ત્વ છે. હિન્દુ પંચાગ અનુસાર, આ વર્ષે ચૈત્ર નવરાત્રીની દુર્ગા અષ્ટમી 29 માર્ચ એટલે કે આજે છે. આ દિવસે મા દુર્ગાના આઠમા અવતાર માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે હવન-પૂજન અને કન્યા પૂજન કરે છે. આ વખતે દુર્ગા અષ્ટમીના દિવસે રવિ યોગ અને શોભન યોગ બન્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post