Monday, March 6, 2023

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો, અમરેલીમાં ભર ઉનાળે નદીઓમાં પૂર, અનેક શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો | Weather changed for the third consecutive day in Gujarat, some unseasonal rains with hail and some strong winds | Times Of Ahmedabad

અમરેલી33 મિનિટ પહેલા

ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે આજે સૌરાષ્ટ્ર, દક્ષિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા અષાઢ મહિના જેવો માહોલ જોવા મળ્યો હતો. માવઠાના કારણે કેરી અને રવી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમરેલીમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદી કહેર
અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે ધારી, સાવરકુંડલા, દામનગર, લાઠી અને અમરેલીમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટાના કારણે કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમરેલીમાં ભરઉનાળે નદી બે કાંઠે વહેતી થઈ
અમરેલીના ધારી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. મીઠાપુર, દલખાણીયા, કુબડા કોટડા, પાણીયા, ચાંચઈ, ગીગાસણ, ગોવિંદપુર, ફાચરીયા, સરસીયા, જીરાખીસરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધારીના ચાચઈ ગામે ભારે પવન સાથે વરસાદ પડતા ખેતીના પાકને ભારે નુકસાનીના દૃશ્યો જોવા મળ્યા હતા.

પાટણના શંખેશ્વરમાં કરા સાથે વરસાદ
ગુજરાતમાં એક તરફ આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ પાટણના શંખેશ્વરમાં આજે બપોરના સમયે કરા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

અમરેલીની નદીમાં પાણી વહેતા થયા

અમરેલીની નદીમાં પાણી વહેતા થયા

બનાસકાંઠામાં ધરતીપુ6ોની ચિંતા વધી
બનાસકાંઠાના ધાનેરામાં આજે બપોરના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધાનેરાના બોર્ડર વિસ્તારના બાપલા, વાછોલ, કુંડી સહિતના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાના કારણે રાયડો, ઘઉં, બટાટા અને રાજગરા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

દમણમાં હોળીના છાણા-લાકડા ઢાંકવા પડ્યા
આજે હોળી હોવાના કારણે મોટાભાગના વિસ્તારમાં હોળી દહનની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં પણ કમોસમી વરસાદ વરસતા લોકોએ હોળીના લાકડા અને છાણા ઢાંકવા પડ્યા હતા. સંઘપ્રદેશ દમણ ઉપરાંત વલસાડ અને ઉમરગામમમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં આજે નવસારીના ચીખલી તાલુકામાં, સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં અને કચ્છના આહીર પટ્ટીના ગામોમાં પણ માવઠું થયું છે. આ જિલ્લામાં ક્યાંક ભારે પવન સાથે અને ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે એલર્ટ કરાતા ખુલ્લામાં પડેલા અનાજનું નુકસાન તો ટાળી શકાયું છે. પરંતુ, ખેતરોમાં ઉભા પાકને માઠી અસર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે. જેના કારણએ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

અંકલેશ્વરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી

અંકલેશ્વરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી

અંકલેશ્વરમાં મિનિ વાવાઝોડા જેવા દૃશ્યો સર્જાયા
અંકલેશ્વર પંથકમાં હોળીના દિવસે વાતાવરણમાં પલટા વચ્ચે વાવાઝોડા સાથે પવન ફુંકાતા ઠેર-ઠેર વંટોળીયા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. મહત્તમ તાપમાન નીચે સરકતા ગરમીમાં આંશિક રાહત વચ્ચે ચાલીસથી પચાસ કિ.મિ.ની ઝડપે પવન ફુંકાયો હતો. શહેરમાં ફુંકાયેલા વાવાઝોડાની સાથે આકાશમાં વાદળો સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. તેમજ ઠેર-ઠેર પાંદડા, કચરા વગેરેની ડમરી ઉડી હતી. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો ઉપરાંત દુકાનદારોએ પણ હાલાકી અનુભવી હતી. ભારે પવનની સાથે અમુક વિસ્તારમાં વરસાદ પણ વરસતા મહત્તમ તાપમાન પણ ઘટતા લોકોએ ગરમીથી આંશિક રાહતનો અહેસાસ કર્યો હતો.જ્યારે ભારે પવનના કારણેવીજ પુરવઠો પણ ખોરવાયો હતો.જયારે કેટલાય સ્થળોએ સંચાલકો દ્વારા તૈયાર કરેલી હોળી સાચવવા માટે દોડધામ મચી ગઇ હતી.

અમરેલીમાં ભારે પવનથી ખેતી પાકને નુકસાન

અમરેલીમાં ભારે પવનથી ખેતી પાકને નુકસાન

નડિયાદમાં ભારે પવન ફૂંકાયો
પલટાયેલા વાતાવરણના કારણે નડિયાદમાં સોમવારની સાંજે ભારે પવન ફૂંકાયો હતો.જેના કારણે રોડ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. ખાસ કરીને એક બાજુ હોળીની તૈયારીઓ ચાલતી હતી આ વેળાએ જ ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. આથી હોળીનું આયોજન કરનારને થોડા સમય માટે વિક્ષેપ પડ્યો હતો. ભારે પવન ફૂંકાતા વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડી હતી. નોંધનીય છે કે ગતરાત્રે જ ગાજવીજ કડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આવા વાતાવરણથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.

રાજકોટમાં ગઈકાલે કરા સાથે વરસાદ વરસતા કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો
રાજકોટમાં રવિવારની સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બાદમાં અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. લોધિકા, ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ તથા કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટ-કોટડાસાંગાણી હાઈવે પર કરાના થર જામતાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો. હાઈવે પર બરફના થર જામતાં અદભુત દૃશ્યો જોવા મળ્યાં હતાં. જસદણમાં રવિવારની રાત્રે કરા સાથે ધોધમાર વરસાદ પડતાં જસદણ માર્કેટિંગ યાર્ડમાં ધાણા, જીરુ, રાયડો, ચણા સહિતના પાકના ઢગલા પાણીમાં તણાઈ ગયા હતા. જસદણ પંથકના ખેડૂતો જણસીનો પાક વેચાણ માટે લાવ્યા હતા. અનેક ખેડૂતોનો હાથમાં આવેલો કોળિયો કમોસમી વરસાદે છીનવી લીધો હતો, જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: