ગાંધીનગર13 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગાંધીનગરના પેથાપુરનાં કૈલાસધામ નજીક ગઈકાલે વરસતાં કમોસમી વરસાદ દરમ્યાન અજાણ્યા બાઇક ચાલક પોતાનું બાઇક પૂરપાટ ઝડપે હંકારીને રાહદારી પરિણીતાને ટક્કર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ પરિણીતાનું ઘટનાસ્થળે મોત થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પેથાપુર કૈલાસ ધામની બાજુના સી.કે. પટેલ ફાર્મના ખેતરમાં રહેતાં શૈલીબેન મચ્છાર પેથાપુરના ખેતરોમાં ઘઉંની કાપણી કરી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના ત્રણ સંતાનો પૈકી પંકજે રાજસ્થાનની વતની રિન્કલ સાથે સાતેક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. ગઈકાલે બપોરના સમયે બંને દીકરાઓ વતન દાહોદ ખાતે ગયા હતા.
જ્યારે શૈલીબેન તેમની બંને પુત્રવધૂ કમળાબેન તથા રિન્કલ સહિત અન્ય મજુરો ફતેપુરા પલભાઇ ઠાકોરના ખેતરમાં ઘઉં કાઢવા માટે ગયા હતા. ત્યારે સાંજના આશરે સાડા ચારેક વાગે અચાનક વરસાદ પડતાં બધા મજુરો ખેતરમાંથી નિકળી પોતાના પથારા તરફ ગયા હતા. જો કે વરસાદ વધુ પડતો હોવાથી કૈલાસ ધામ પાસે આવેલ મહાકાળી પાન પાર્લર પાસે બેસીને સવારના પડેલા રોટલા ખાઈ રહ્યા હતા.
એ દરમ્યાન રિન્કલ ખેતરમાં પડેલા ગોદડાં લેવા ગઈ હતી. અને ગોદડાંનો થેલો ભરીને રોડ ક્રોસ કરી રહી હતી. ત્યારે અચાનક એક બાઈકના ચાલક પૂરપાટ ઝડપે રિન્કલને ટક્કર મારીને નાસી ગયો હતો. જેનાં કારણે તે રોડ ઉપર પટકાઈ હતી. આ જોઈને બધા મજૂરો તેની પાસે દોડી ગયા હતા.
આ અકસ્માતના કારણે રિન્કલને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તે બેભાન થઈ ગઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવતા ડોક્ટરે તપાસીને રિન્કલને મૃત જાહેર કરી હતી. અને કોઈએ બાઈકનો ફોટો પાડી લીધેલ હોવાથી GJ-09-DE-4420 બાઇકનો ચાલક ટક્કર મારીને નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.