પંચમહાલ (ગોધરા)22 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગોધરા ભિલોડિયા પ્લોટ વિસ્તારમાં આવેલ આદમ મસ્જિદ પાસે રહેતા હનીફાબેન સમોલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગત 23 તારીખે સાંજના સુમારે તેઓના પૂર્વ પતિ મોહમ્મદ શફી, અલ્તાફ એહમદ, જુનેદ અલ્તાફ અને સારા ખાતુન હથિયાર સાથે તેઓના ઘરે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘તું અમારું મકાન ખાલી કરીને અહીંથી જતી રહે’, જેને લઈ હનિફાબેને જણાવ્યું હતું કે, હું ઘર ખાલી નહીં કરું ત્યારે ચારેય ઈસમો ઉશ્કેરાઈ ગયા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. ત્યારે મોહમ્મદ અબ્દુલ સલામે હનિફાબેનને પકડીને ગડદા પાટુનો માર માર્યો હતો. બીજી તરફ તેઓના બેન આવી ગયા હતા. ચારેય ઈસમોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યા હતા. ત્યારે સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરામાં જુગાર રમતો એક ઈસમ ઝડપાયો…
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર બી ડિવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ગોધરા શહેરના ડોડપા તળાવની ધસમાં પીપળાના ઝાડ નીચે બેસીને કેટલાક ઈસમો ભેગા થઈને પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે ગત 24 તારીખે બપોરના સમયે બાતમી મુજબની જગ્યાએ છાપો માર્યો હતો. જેમાં જેઠાનંદ બિશ્વાણી નામનો ઈસમ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે પકડાયેલા ઈસમ પાસેથી રૂ. 1110 તેમજ દાવ પરના 1600 મળીને કુલ રૂ. 2710 રોકડ કબ્જે કર્યા હતા. પોલીસની રેડ દરમિયાન પ્રવીણ નીનામા નામનો ઈસમ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સમગ્ર મામલે બે ઈસમો સામે ગોધરા શહેર બી ડિવીઝન પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
નીલગાય વચ્ચે આવી જતા નિવૃત્ત કર્મચારી ઘાયલ…
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના સુવિધાનગર સોસાયટીમાં રહેતા નિરંજનદાસ પારેખે ગોધરા શહેર બી ડિવીઝન પોલીસમથકે જાણવાજોગ અરજી નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, નવેમ્બર માસની 26 તારીખે રાતના સમયે તેઓ દિલ્હી મુંબઈ એકસપ્રેસ ઓવરબ્રિજ પાસેથી ગોધરા તરફ મોપેડ વાહન લઇને આવી રહ્યા હતા, તે વેળાએ તેઓની મોપેડ આડે નીલગાય આવી જતા નિરંજનભાઈએ વાહન પરથી સંતુલન ગુમાવ્યું હતું. જેને લઈને તેઓને રોડ પર ફેંકાઈ જતાં ડાબા પગના ઢીંચણે ઈજાઓ થઈ હતી. તેમજ ડાબા પગે ઢીંચણથી નીચેના ભાગે નળીના ભાગે ફ્રેકચર થયું હતું.