વડોદરા2 મિનિટ પહેલા
- કૉપી લિંક
યુવાનનો આપઘાતનો પ્રયાસ કર્યો.
વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલમાં માનસિક અસ્થિર જેવા દેખાતા યુવાને ગળેફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ હતી. આસપાસના લોકો તાત્કાલિક દોડી જતાં યુવાનને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો અને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
લોકોએ યુવાનને બચાવ્યો
વડોદરા પાસે આવેલા પોર ગામના કોઠીવાળા ફળીયામાં રહેતો માનસિક અસ્થિર જેવો દેખાતો યુવાન અર્જુન શનાભાઈ રાઠોડિયા મજુરી કામ માટે વડોદરા આવ્યો હતો. આજે બપોરે દિવાળીપુરા વિસ્તારમાં આવેલા કોર્ટ સંકુલમાં પાસે તે આવ્યો હતો. તે કોર્ટ પાસે ગુટખા લેવા માટે ગયો હતો અને આ સમયે કોઇક વ્યક્તિ સાથે અથડાયો હતો અને ગુસ્સામાં આવીને ઝાડ પર ચડી ગયો હતો અને પેન્ટ બાંધવાની દોરી વડે ગળેફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને ઝાડ સાથે લટકતો જોઈને આસપાસના લોકો દોડી ગયા હતા અને તુરંત જ નીચે ઉતાર્યો હતો અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી અને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
તબીબોએ કાઉન્સેલિંગ કર્યું
ગોત્રી હોસ્પિટલના માનસિક રોગ વિભાગના તબીબો દ્વારા પણ યુવાનનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવાનના પરિવારમાં કોઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
મેં તેમને દોડાવીને દોડાવીને થકાવી દીધા હતા
અર્જુન શનાભાઈ રાઠોડિયાએ જણાવ્યું હતું કે, હું કામની શોધમાં અહીં આવ્યો હતો. એક ભાઇએ મને 10 રૂપિયા આપ્યા હતા. જેથી વિમલ લેવા માટે ગયો હતો. આ સમયે હું એક ભાઇ સાથે અથડાયો હતો. જેથી તે ભાઇએ મને કહ્યું હતું કે, તમારે અહીં નહીં આવવાનું. અહીં તો માર પડશે. પછી હું નીચે ઉતરી ગયો હતો. પછી 40થી 50 લોકો તલવારો લઈને આવ્યા હતા. મેં તેમને દોડાવીને દોડાવીને થકાવી દીધા હતા.