- Gujarati News
- Dvb original
- Parrots Worth 1 Crore, Dogs Worth One And A Half Lakh, Cats Worth Thousands, People Started Spending Lakhs Of Rupees On Pets, Due To Which The Trend Increased.
અમદાવાદએક કલાક પહેલાલેખક: ચેતન પુરોહિત
- કૉપી લિંક
એક કરોડ રૂપિયાના પોપટ, હજારો રૂપિયાની એક બિલાડી, દોઢ લાખ રૂપિયાની કિંમતના શ્વાન. આ યાદી ઘણી લાંબી થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા શહેરોમાં ઘરમાં જ પક્ષી-પ્રાણીઓ પાળવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પ્રાણી અને માણસો વચ્ચેની જુગલબંધીનો ઇતિહાસ તો હજારો વર્ષો જૂનો છે. પરંતુ દિવ્ય ભાસ્કરે કેટલાક એવા લોકો સાથે વાત કરી હતી, જેમના જીવનનો ધ્યેય જ હજારો-લાખો રૂપિયાના પાલતુ પ્રાણીઓની સાથે રહેવાનો, તેમની સેવા કરવાનો બની ચુક્યો છે. આટલું જ નહીં, પોતાના જીવન બાદ આ પાલતું પ્રાણીઓનું શું થશે, તેનું આયોજન પણ આ લોકો કરવા લાગ્યા છે.
પેટ્સ પાળવાના વધતા ટ્રેન્ડ પાછળનું એક કારણ તો સ્ટેટસ હોઈ શકે છે. પરંતુ કોરોનાના કપરા કાળ બાદ ઘણા લોકો પોતાની એકલતા દૂર કરવા, માનસિક તણાવથી કંટાળીને પેટ્સને ઘરમાં રાખવા લાગ્યા છે. આ જ કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો રૂપિયાનું એક આખું માર્કેટ ઊભું થયું છે. ઘણા લોકો પેટ્સ મારફતે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં હોવાની પણ વિગતો સામે આવી.
દિવ્ય ભાસ્કરે અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં પેટ્સ લવર લોકો વિશે તપાસ કરતા જાણવા મળ્યું કે કેટલાક યુવક-યુવતીઓ તેમજ વડીલોએ પોતાની એકલતાની છૂટકારો મેળવવાના ઈરાદે પાલતુ પેટ્સ રાખવાની શરૂઆત કરી હતી. પરંતુ આજના સમયમાં એવા ઘણા લોકો છે, જેમના ઘરમાં અંદાજે કરોડો રૂપિયાના 100થી વધુ પાલતુ પશુ-પક્ષીઓ છે. આ પશુ-પક્ષીઓ પોતાની વૃત્તિ મુજબ હિંસક કે નરમ સ્વભાવના હોવા છતાં એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર જ વર્ષોથી એકસાથે પ્રેમથી રહે છે.
એક કરોડ કરતા વધુની કિંમતના 30થી વધુ પોપટ
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રાજ પટેલનું ઘર એકદમ પોશ કોલોનીમાં આવેલું છે. જ્યાં રાજ પટેલ પેટ્સ સાથે રહે છે. તેમની પાસે વિશ્વના અલગ-અલગ દેશના પક્ષીઓનું મોટું કલેક્શન છે. જેમાં મકાઉ, આફ્રિકન ગ્રે, ગાલા કકટુ તેમજ એમેઝોન પ્રજાતિના અંદાજો દોઢ લાખથી લઈને ત્રણ લાખના 30થી પણ વધુ પોપટ છે. જેની અંદાજિત કિંમત એક કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. આ પક્ષીઓ રાજ પટેલના ઈશારાથી જ ઘણી બધી વાતો સમજી જાય છે. આ ઉપરાંત તેમની પાસે વિવિધ બ્રિડના શ્વાન છે. સામાન્ય રીતે આ શ્વાનનો ખોરાક માસ-મટન હોય છે. પરંતુ અત્યાર સુધીમાં એક પણ પક્ષીને આ શ્વાને નુકસાન પહોંચાડ્યું નથી. આટલું જ નહીં, જો કોઈ અન્ય પશુ-પક્ષી કે વ્યક્તિ રાજ પટેલના અન્ય પાલતુ પક્ષીને પરેશાન કરવાનો પ્રયાસ કરે તો આ શ્વાન તેના પર પણ હુમલો કરી દે છે.
રાજ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ‘ડોગ્સને નાના પેટ્સની રક્ષા કરતા જોઈને એક અનેરો આનંદ આવે છે. એક ખાસ બાબત એ પણ છે કે પાલતુ પશુ-પક્ષીઓ સાથે રહેતા લોકોને ક્યારેય એકલતાનો અહેસાસ થેવા નથી દેતા. પાલતુ પ્રાણીઓ રાખનારા લોકો ડિપ્રેશનનો શિકાર બનતા નથી.’
‘મારા ગયા પછી પેટ્સનું શું થશે, એ પણ વિચારી રાખ્યું છે’
રાજ પટેલે કહ્યું, ‘મને નાનપણથી જ પશુ-પક્ષીઓને લઈને આકર્ષણ હતું. મારી આ જ લાગણીના કારણે કેટલાક વર્ષો પહેલાં મેં પશુ-પક્ષી પાળવના શરૂ કર્યા અને ધીરે-ધીરે પ્રાણીઓ સાથે મજા આવવા લાગી. સમય જતાં મેં ઘરે જ બ્રિડ કરેલાનું શરૂ કર્યું. એટલે જ આટલી મોટી સંખ્યામાં મારી પાસે પોપટ છે. હું મકાઉ પ્રજાતિના પોપટનો સફળ બ્રિડર છું. મેં અત્યાર સુધીમાં પંદરેક પોપટના બચ્ચા મોટા કર્યા છે. મારી પાસે કુલ 19 મકાઉ પ્રજાતિના પોપટ છે, આફ્રિકન ગ્રેની સંખ્યા આઠેક છે. મકાઉ તેમજ આફ્રિકન પ્રજાતિના પોપટનું આયુષ્ય લગભગ 70 વર્ષનું હોય છે. મારી પાસે આ બે પ્રજાતિના પોપટ છે, એમાં મોટાભાગના મારે ત્યાં જ જન્મેલા છે. મારી ઉંમર અત્યારે 55 વર્ષની આસપાસની છે. એટલે મેં આગળની પરિસ્થિતિની ચિંતા કરીને અમદાવાદ મહાનગરપાલિકા સાથે ચર્ચા શરૂ કરી છે. મારો ઈરાદો એક બર્ડ પાર્ક બનાવવાનો છે, જે માત્ર પોપટ માટેનો જ હોય. જ્યાં હું આ બધા પોપટને સ્થાયી કરી દઈશ. એ જગ્યાએ પોપટનો રખરખાવ સારી રીતે થાય એવી વ્યવસ્થા કરી દઈશ. એટલે મારા પછી તેમને સાચવવા માટે હું અત્યારથી પ્લાનિંગ કરી રહ્યો છું.’
અમદાવાદના આ પેટ્સ લવરની ટ્રમ્પની સિક્યોરિટી ટીમને પણ જરૂર પડી!
અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે બનેલી એક ઘટના રાજ પટેલ ક્યારેય ભૂલી શકે એમ નથી. તેમણે કહ્યું, ‘જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હતા ત્યારે તેમના સિક્યુરિટી જવાનો પહેલાથી જ આવી ગયા હતા. તેમને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાની ચકાસણી કરી તો ત્યાં વાનરોનો ત્રાસ હોવાનું સામે આવ્યું હતું. આ કારણે અમેરિકન રાષ્ટ્રપતિનું વિમાન એરફોર્સ વન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવું મુશ્કેલ લાગતું હતું. આ સમગ્ર બાબતોની જાણ કેન્દ્ર સરકારને પણ કરવામાં આવી હતી. જ્યાંથી રાજ્ય સરકાર તરફથી આ સમસ્યાના નિવારણ માટે મને કામ સોંપવામાં આવ્યું હતું. અમે 50થી વધુ વાનરોને પકડીને સલામત સ્થળે ખસેડી દીધા હતા. ત્યાર બાદ યુએસ સિક્યોરિટીએ ટ્રમ્પના વિમાનના લેન્ડિંગ માટે સ્થિતિ બરાબર હોવાની માહિતી મોકલી અને એરફોર્સ વન અમદાવાદ એરપોર્ટ પર સલામતીથી લેન્ડ થયું. મારી આ કામગીરી બદલ મને પ્રશંસાપત્ર પણ મળ્યું હતું.’
પોતાના ઘરમાં જ 100થી વધુ પક્ષીઓ
રાજ પટેલની જેમ જ અમદાવાદમાં રહેતા દીપ બારોટે પણ ઘણા વર્ષોનો સમય પેટ્સ સાથે પસાર કર્યો છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા દીપ બારોટે જણાવ્યું, ‘હું છેલ્લા 10 વર્ષથી વન વિભાગમાં અમદાવાદમાં નોકરી કરું છું. રાતની ડ્યુટીમાં હું અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં રેસ્ક્યૂનું કામ કરું છું. થલતેજમાં મારા ઘરે અલગ-અલગ 8 બ્રિડના 100 જેટલા પક્ષીઓ છે અને 2 સ્ટ્રીટ ડોગ છે. મને નાનપણથી પેટ્સનો શોખ છે. મેં મારા ઘરના કમ્પાઉન્ડમાં જ પેટ્સ રાખ્યા છે. 13 વર્ષ અગાઉ હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે GMDC ગ્રાઉન્ડમાં પંદરેક દિવસનું ગલુડિયું ઈજાગ્રસ્ત હાલતમાં મને મળ્યું હતું. તેને જ્યારે હું સારવાર માટે લઈ ગયો ત્યારે ડૉક્ટરે કહ્યું કે, બચ્ચું ખૂબ જ નાનું છે, તેને કાળજીપૂર્વક રાખવું પડશે. ત્યારથી સ્ટ્રીટ ડોગને મેં મારા ઘરે જ ઘરના સભ્યોની જેમ રાખ્યું હતું. આ ઉપરાંત સાત વર્ષનું એક સ્ટ્રીટ ડોગ છે. બન્ને ડોગ અને 100થી વધુ પક્ષીઓ એકબીજાને નડતરરૂપ થયા વગર જ રહે છે.’
પેટ્સના શોખથી કમાણી શરૂ થઈ
દીપ બારોટ માટે પેટ્સનો શોખ હવે રૂપિયા કમાવવા માટેની નવી તક પણ ઉભી કરી છે. તેમણે કહ્યું, ‘મારા 2 વર્ષ અગાઉ જ લગ્ન થયા છે. ભવિષ્યમાં ફેમિલી પ્લાનિંગ કરતા પહેલાં મારા બર્ડ્સ અને મારા ભવિષ્ય માટે પૈસા ભેગા કરવાના છે. હું અત્યારે જોબની સાથે પાલતુ પક્ષીઓ માટે રમકડાં બનાવવાનું પણ કામ કરું છું. આ ઉપરાંત પેટ્સના ફૂડ માટેની એક કંપનીની ડીલરશીપ પણ મારી પાસે છે. હું જીવનમાં ગમે ત્યાં હોઈશ મારા પેટ્સને ક્યારેય નહીં ભૂલું. મેં તેમને પરિવારની જેમ રાખ્યા છે અને પરિવારની જેમ જ મારી સાથે રહેશે.’
પેટ્સની જુગલબંધીનો અદ્દભુત કિસ્સો
કોઈપણ પેટ્સના ઘરે રાખવા પાછળનું કારણ માત્ર શોખ નહીં પરંતુ એકલતા દૂર કરવા માટે પણ લોકો રાખતા હોય છે. આ જ મુદ્દે અમદાવાદમાં રહેતા બિઝનેસ વુમન ખ્યાતિ પુરોહિતે જણાવ્યું કે, ‘મારે કામકાજના કારણે ઘણી વખત આઉટડોર રહેવું પડે છે. મારી દીકરી શિવન્યા નાની હતી, ત્યારથી જ તેને ઘરે એકલા રહેવું પડતું હતું. પરંતુ અમારા ઘરમાં ડોગ લાવ્યા હતા અને ત્યારથી જ દીકરીનું એટેચમેન્ટ તેની સાથે વધતું ગયું. હું ક્યારેક બહાર હોઉં ત્યારે પણ મારી દીકરી ડોગ સાથે હોય એટલે તેની એકલતા અને માનસિક તણાવ દૂર કરવામાં ખૂબ જ મદદ રૂપ બન્યું છે.
‘અત્યારે શિવન્યા હાયર સેકન્ડરીમાં ભણે છે. હજી પણ મારા ઘરમાં પેટ્સ છે જેનું નામ ‘એના’ છે. ‘એના’ને અમે અમારા ઘરની સૌથી નાની સભ્ય ગણીએ છીએ. મારી દીકરી વર્ષોથી આ પેટ્સ સાથે રહે છે અને હવે પેટ્સ વગર અમાને ઘર સુનું-સુનું લાગે છે. તમે ઘરે આવો એટલે બાળકની જેમ જ તે તમારી સાથે વહાલ કરે છે. કલાકોની મુસાફરીનો થાક, કામનું ભારણ અને સ્ટ્રેસ પાલતું પેટ્સના કારણે હળવા થઈ જાય છે અને તમે તેમાં જ ઓત-પ્રોત થઈ જાઓ છો.’
નવા ટ્રેન્ડ્સ મુજબ બિલાડીની પણ ડિમાન્ડ વધી
લોકો માત્ર વિવિધ પક્ષી અને શ્વાનને જ નથી પાળતા. પરંતુ નવા ટ્રેન્ડ્સ મુજબ આજકાલ બિલાડી પાળવાનો શોખ પણ વધતો જઈ રહ્યો છે. અમદાવાદમાં ટેટૂ સ્ટુડિયો ચલાવતા ધવલ ડોડિયાએ એકલતાથી કંટાળીને બિલાડી પાળી. ધવલે કહ્યું, ટેટૂ સ્ટુડિયો શરૂ કર્યા બાદ જ્યારે ક્યારેક એકલું બેસી રહેવાનું આવે, ત્યારે રસ્તા પર રખડતા કૂતરા સાથે રમતો હતો. આ દરમિયાન પોતાનું જ પેટ્સ રાખવાનો વિચાર આવ્યો તો એકાદ વર્ષ અગાઉ એક બિલાડી લઈ આવ્યો હતો.’ સામાન્ય રીતે બધા બિલાડીથી દૂર રહે અને ડરતા હોય છે. જ્યારે ધવલ સવારથી ઉઠે ત્યારથી રાતે સુતા સમય સુધી બિલાડી સાથે જ રહે છે. ધવલે જણાવ્યું હતું કે, ‘બિલાડી લાવ્યા બાદ એક દિવસ પણ તેને એકલી નથી મૂકી. હું સવારે ઘરે ઊઠું ત્યારથી બિલાડી મારી સાથે હોય. હું મારી શોપ પર જાઉં ત્યારે તે મારી સાથે હોય. શોપ પર મારા કસ્ટમર આવે તો કેટલાક ડરે પણ મેં બિલાડીને ટ્રેઈન કરી છે, તો તે તેની જગ્યાએ ઉભી પણ થતી નથી. હું ફ્રી હોઉં તો એક મિત્રની જેમ સાથે રમીએ. મારે ક્યાંય જવાનું આવે તો હું તેને સ્ટુડિઓમાં જ મૂકીને જાંઉ છું. સાંજે ઘરે જતાં હું મારા ટુવ્હિલર પર તેને સાથે લઈને જ જાઉં છું. મારા ઘરે અમે સાથે જ જમીએ છીએ. તે એક બાળકની જેમ જ હંમેશા મારી સાથે રહે છે.’
‘કેન્ડી’નું ફેસબુક એકાઉન્ટ સતત અપડેટ રહે છે!
જાણીતા આર્કિટેક અને પોલિટિશિયન સ્નેહલ જોશીએ પોતાના પેટ્સ વિશે જણાવ્યું હતું કે, ‘કેન્ડી’ અમારી સાથે એટલી હળીમળીને રહે છે, કે જાણે એમ જ લાગે કે અમારા ઘરનું સભ્ય હોય. પરિવારમાં ‘કેન્ડી’ને લાવ્યા ત્યારથી તેને દરેક લોકો ખૂબ ચાહે છે. મારો દીકરો હરિત સિંગલ ચાઈલ્ડ છે. તે ‘કેન્ડી’ વગર જરા પણ રહી શકતો નથી. પરિવારનો કોઈ પણ સભ્ય કેન્ડી વગર અધુરો જ હોય એવું લાગે છે. તેનું અમે ફેસબુક પેજ પણ બનાવ્યું છે. જેના પર અમે તેના અલગ-અલગ મુવમેન્ટસ અપલોડ કરીએ છીએ.’
‘મારા પરિવારમાં ‘કેન્ડી’ હોવાથી ક્યારેય હરિતને એકલવાયું લાગ્યું નથી અને હું પણ માનું છું કે ઘરમાં એક પેટ્સ હોય તો તમારા તમામ સ્ટ્રેસ દૂર થઈ જાય છે. તે તમને તમારા બાળક જેટલું જ ચાહે અને તમને પણ તેના વગર ચાલશે નહીં. ‘કેન્ડી’ ઘરમાં બીમાર હોય જાણે ઘરનું સદસ્ય બીમાર હોય તેવું જ દરેકને લાગે છે. મારો દીકરો હરિત ઘરે આવે એટલે ‘કેન્ડી’ તેને વળગી પડે છે.’
પ્રાણી-પક્ષી પાળવાના વધતા શોખ અંગે મનોચિકિત્સકનો મત શું?
વિવિધ પ્રાણીઓને ઘરે પાળવાનો અને તેની ગણના પરિવારના સભ્ય તરીકે કરવા પાછળ લોકોના કેવા ઈમોશન કારણભૂત છે, તે જાણવા દિવ્ય ભાસ્કરે જાણીતા મનોચિકિત્સક પ્રશાંત ભિમાણીનો સંપર્ક કર્યો. તેમણે પેટ્સના નવા ટ્રેડ્સ મુદ્દે જણાવ્યું કે, ‘પેટ્સ કારણે બાળકોમાં સંવેદનશિલતા વધે છે. પૉઝિટિવ ઈમોશન વધે છે. પેટ્સથી લોકોમાં અન કન્ડિશનલ લવ વધે છે. પેટ્સ તેમના ઘરનું સભ્ય બની જાય છે એટલે તેમની સાથે એક લાઈવ ઈમોશન કનેક્ટ થઈ જાય છે. ઘરમાં એક વ્યક્તિ હાજર હોય તેવી અનુભૂતિ થાય છે છતાં પણ એ એવી વ્યક્તિ હોય છે જેની કોઈ માગ હોતી નથી. હાલ માતા-પિતા એવું માને છે કે એક જ બાળક હોય અને બીજા બાળક પાછળ ખર્ચ કરવો તેના કરતાં ઘરમાં એક પેટ્સ રાખવું વધારે યોગ્ય છે. બાળકને ઈમોશનલી સેફ્ટીનો અનુભવ થાય છે. પેટ સાથે બાળક વાતો કરતા હોય છે, એટલે તેની સાથે લાઇવ કનેક્ટ હોય છે. એક રિસર્ચ એવું કહે છે કે પેટ્સ સાથે રહેતાં બાળકો ભવિષ્યમાં કરૂણાભાવ વધે છે.
‘પેટ્સ પાછળ લોકો મહિને હજારો રૂપિયા ખર્ચે છે’
પેટ શોપના સંચાલક રિદ્ધિ ત્રિવેદીએ જણાવ્યું હતું કે લોકો જે રીતે પેટ્સ રાખે તેવો ખર્ચ આવે છે. નાના પક્ષીઓ હોય તો 500 રૂપિયાથી શરૂ થઈ મહિને 10 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જ્યારે પ્રાણીઓમાં 2 હજારથી ખર્ચ શરૂ થાય તો 10 હજાર રૂપિયા સુધીનો એક મહિનાનો ખર્ચ થાય છે. આ ઉપરાંત અલગ-અલગ ફૂડ પ્રોડક્ટ્સ, શૅમ્પૂ, જેલ, તેલ સહિતની ખાસ વસ્તુઓ પણ પેટ્સ માટે આવે છે. લોકો જરૂર મુજબ તેનો ઉપયોગ કરે છે.
પેટ્સ માટે ખાવા-પીવા સહિત અલગ-અલગ રમકડાં આવે છે. જેની કિંમત 10 રૂપિયાથી લઈને હજારો રૂપિયા સુધીની હોય છે. પશુ-પક્ષીઓ માટેના હિંચકા, બોલ સહિતના વિવિધ રમકડાં, એક્સરસાઈઝ કરી શકે એવા ઈક્વિપમેન્ટ, વિવિધ પ્રકારના દોરડા તેમજ બેલ્ટ બજારમાં મળતા હોય છે.