ચૈતર વસાવાએ કહ્યું- ભીલીસ્તાન માટે નકશો તૈયાર છે, પરંતુ અલગ રાજ્ય માટે હજુ 10થી 15 વર્ષ લડત આપવી પડશે | Chaitar Vasava said - the map is ready for Bhilistan, but we have to fight for another 10 to 15 years for a separate state. | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આદિવાસી નેતા ચૈતર વસાવાએ અલગ ભીલીસ્તાનની માંગણી કરી છે. તેમજ આ માટે ભવિષ્યમાં ગુજરાતના પડોશી રાજ્યોના આદિવાસી જિલ્લાઓના નેતાઓ સમક્ષ પણ આ વિચાર રજૂ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

પડોશી રાજ્યોના નેતાઓનો સંપર્ક કરીશું
ડેડિયાપાડાથી જંગી બહુમતી સાથે ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું છે કે, પેઢીઓની પેઢીઓથી શોષણ અને અન્યાયનો ભોગ બનેલા ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટાના લાખો આદિવાસીઓ-ભીલો તો ખરા જ, પરંતુ પાડોશી રાજ્યોના પણ આદિવાસીઓ-ભીલોને સન્માન અને હક્ક અપાવવા જરૂર પડ્યે અલગ ભીલીસ્તાનની અમારી માંગને ફરીથી બુલંદ અવાજે ઉઠાવવામાં આવશે. આ માટે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી અગ્રણીઓનો સંપર્ક કરી આ વિચાર વહેતો મૂકવાનો હું પોતે પ્રયત્ન કરીશ.

ભૂતકાળમાં પણ માંગ ઉઠી હતી
આદિવાસી નેતા છોટુ વસાવા સહિતના તમામ રાજકીય પક્ષના આદિવાસી અગ્રણી રાજકારણીઓએ ભૂતકાળમાં આ અંગે પોતાના વિચારો વ્યક્ત કરી અલગ ભીલીસ્તાનની માંગણી મૂકી હતી. જો કે, એ પૈકીના અનેક રાજકારણી નેતાઓ-અગ્રણીઓ વયોવૃદ્ધ થવાને કારણે અથવા તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જવાને કારણે હાલ આદિવાસીઓના મસીહા તરીકે સક્રિય નથી. આ સંજોગોમાં આદિવાસી નેતાગીરીમાં સર્જાયેલા ભયંકર શૂન્યાવકાશમાં હાલ ઉમરગામથી અંબાજી સુધીના ગુજરાતના સમગ્ર આદિવાસી વિસ્તારમાં શિક્ષિત અને લડાયક મનાતા ચૈતર વસાવા એકમાત્ર બાહુબલી આદિવાસી નેતા તરીકે ઉપસી આવ્યા છે.

હજુ 10થી 15 વર્ષ લડત આપવી પડશે
ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી-ભીલોના અગ્રણીઓ નેતાઓ સાથે હું સીધા સંપર્કમાં છું. તેમની સમક્ષ વિચાર મૂકી હું અલગ ‘ભીલીસ્તાન’ અથવા અલગ ‘ભીલપ્રદેશ’ની નિષ્ક્રિય થયેલી માંગણીને ફરીથી સતેજ કરવાનો પ્રયત્ન કરીશ. અલબત્ત, આ તરત થઈ શકે એવું નથી અને ઓછામાં ઓછા 10 -15 વર્ષ સતત સંઘર્ષ-લડતના અંતે અને જો ચારે-ચાર રાજ્યના આદિવાસી નેતાઓ-રાજકારણીઓ પક્ષાપક્ષીથી પર ઊઠી માંગને માત્ર આદિવાસીઓ-ભીલોના એક માત્ર ઉદ્દેશ સાથે એકઠા થાય તો જ એ શક્ય બને એ હું સમજું છું.

સમાજના પીઢ નેતાઓનો સહકાર જરુરી
એક પ્રશ્નના જવાબમાં ચૈતર વસાવાએ જણાવ્યું કે, જે આદિવાસી-ભીલ કોમના પીઢ અને અનુભવી રાજકીય અગ્રણીઓ-નેતાઓ છે તે તમામના માર્ગદર્શન અને સલાહ-સૂચનો અને ખાસ તો રાજકીય વિચારસરણી ભલે અલગ અલગ હોય પરંતુ કોમના હિત-હક્ક-અધિકાર માટે તેમનો સક્રિય સાથ-સહકાર-ટેકો લીધા વગર આવી માંગણી થઈ શકે નહીં. આ તમામ પીઢ નેતાઓ અગાઉ અલગ ‘ભિલીસ્તાન’ અંગે તેમના વિચારો વ્યક્ત કરી ચૂકયા હોવાથી આ મુદ્દે તેઓ એક છત્ર તળે આવવા રાજી થાય એવી મને સંપૂર્ણ આશા છે.

અલગ નકશો પણ બન્યો હતો
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અલગ ‘ભીલીસ્તાન’નો વિચાર જ્યારે વહેતો થયો હતો ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી ક્ષેત્રોના આદિવાસી જિલ્લાઓના એક સમૂહને સાંકળી લેતો એક ‘ભીલીસ્તાન’નો નકશો પણ તે સમયે તૈયાર થયો હતો. તેમજ તત્કાલીન આદિવાસી નેતાઓના સર્વસંમતિથી તે આદિવાસીઓમાં સર્વસ્વીકૃત પણ બન્યો હતો. એ નકશો હજી પણ અસ્તિત્વમાં છે અને જો ‘ભીલીસ્તાન’ની માંગ સંતોષાય તો આદિવાસીઓના એક વિશિષ્ટ રાજ્ય તરીકે એ પ્રદેશ એ નકશા મુજબનો હશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم