વડોદરા2 કલાક પહેલા
- કૉપી લિંક
વડોદરા કોર્ટની ફાઈલ તસવીર.
વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ,પોક્સો અને એટ્રોસીટી એક્ટના ગુનામાં કોર્ટે દોષિત કિરીટસિંહ પર્વતસિંહ રાઠોડને 10 વર્ષની સખ્ત કેદ અને 5 હજારના દંડની સજા ફટકારી છે અને દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદનો હુકમ પણ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને કંમ્પેન્શશન સ્કીમ જોગવાઈ પ્રમાણે વળતર પેટે 50 હજાર ચુકવવાનો હુકમ કર્યો છે.
દુષ્કર્મના ઇરાદે લઈ ગયો હતો
વડોદરા તાલુકાના કોયલી-સિંધરોટ રોડ પર આવેલી અવધ વિહાર સોસાયટીમાં રહેતા કિરીટસિંહ પર્વતસિંહ રાઠોડ(ઉ.24) 24 ફેબ્રુઆરી-2018ના રોજ સવારે 10.25 વાગ્યાના સુમારે સગીરાને લગ્ન કરવાના ઇરાદે અથવા દુષ્કર્મ કરવાના ઇરાદે પટાવી ફોસલાવીને ભગાડીને લઈ ગયો હતો અને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં અપહરણ, પોસ્કો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી અને જવાહરનગર પોલીસે આરોપી કિરીટસિંહ પર્વતસિંહ રાઠોડ સામે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ભોગ બનનાર સગીરાનું 164 મુજબ નિવેદન લેવાયું હતું.
કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી
આ દરમિયાન પોલીસે ભોગ બનનાર સગીરા અને આરોપીના કપડા કબ્જે કર્યાં હતા અને ગુનાવાળી જગ્યાનું પંચનામુ કર્યું હતું. આ ઉપરાંત નિવેદન લઈને મોબાઇલ અને બાઇક પણ કબ્જે કર્યું હતું. પોલીસે સગીરાનું મેડિકલ કરીને તેના નમૂના FSLમાં તપાસ માટે મોકલ્યા હતા અને આરોપી કિરીટસિંહ રાઠોડની ધરપકડ કરીને તેની સામે પુરાવાઓ એકત્ર કરીને પુરાવા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
દોષિતને 10 વર્ષની સખ્ત કેદની સજા
અધિક સેસન્સ જજ એમ.એમ. સૈયદની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષના વકીલે ધારદાર દલીલો કરી હતી. કોર્ટે આ કેસમાં આરોપી કિરીટસિંહ રાઠોડને દોષિત જાહેર કર્યો હતો અને દુષ્કર્મ અને પોક્સોના કેસમાં દોષિત ઠેરવીને કિરીટસિંહ પર્વતસિંહ રાઠોડને 10 વર્ષની સખ્ત કેદ અને 5 હજારના દંડની સજા ફટકારી છે અને દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદનો હુકમ પણ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને કંમ્પેન્શશન સ્કીમ જોગવાઈ પ્રમાણે વળતર પેટે 50 હજાર ચુકવવાનો હુકમ કર્યો છે.