પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક

પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં આવેલ આવાસ યોજનામાં પીવાનું પાણી નીયમિત નહીં મળતા કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્થાનિકોને સાથે રાખીને પોરબંદર છાંયા નગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો. પાણીની સમસ્યાને લઈને કોંગ્રેસના આગેવાનો રામદેવ મોઢવાડીયા, વિજય બાપોદરા અને દાનુ ઓડેદરા સહિતના આગેવાનોએ પાલિકાના ચીફઓફીસરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગત પાલિકા દ્વારા ડીસેમ્બર મહિનાથી પાણી વિતરણમાં ભેદભાવ ભરી નિતી અપનાવી રહેલ છે. જેમા બોખીરા વિસ્તારમાં આવેલ આવાસ યોજના, કે.કે નગર નજીકના રબારી કેડા વિસ્તાર, રીલાયન્સ પમ્પની પાછળનો વિસ્તાર, જનકપુરી એરીયા, મિથિલા સોસાયટી, વોર્ડ નં. 6, 7, 8ના ભોંયવાડા સહિતના એરીયા, ઝુંડાળામાં ખાડી કાંઠે બાવાના સ્મશાનની આજુબાજુના એરીયામાં એવરેજ મહિનામાં માંડ બેથી ત્રણ દિવસ પાણી મળે છે. વોર્ડ નંબર 6, 7 અને 8 તથા 4-5ના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણી મીક્ષ થઈ જાય છે. જેથી મહિનામાં 2-3 વખત લોકો ગટર વાળું, ફીણવાળું, દુર્ગંધયુક્ત પાણી પીવા મજબુર બને છે. જેના કારણે આ વિસ્તારના લોકો જીવલેણ બિમારીનો ભોગ બની રહ્યાં છે.

ભાજપના નેતાઓના ઘરે પાણીની હેવી લાઈન?
કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નગરપાલીકા પ્રમુખના રાવલીયા પ્લોટના નિવાસ સ્થાન સહિત સતાધારી ભાજપ પક્ષના આગેવાનોના ઘરે મોટા ડાયામીટરની હેવી પાઈપલાઈન ગેરકાયદેસર રીતે નાંખેલ છે. જેઓને 24 કલાક પાણી મળે છે. તો કેટલાક આગેવાનોના ઘરે ગેરકાયદેસર રીતે બે-બે પાણીની લાઈનો નાખવામાં આવેલ છે. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં લોકોને 10 દિવસે 1 વખત પીવાનું પાણી મળે છે.
પાલિકાની જરૂરીયાત કરતા વધારે પાણી આપવામાં આવે છે: પાણી પૂરવઠા વિભાગ
બીજી બાજુ પાણી પુરવઠા બોર્ડ લોકલ સોર્સમાંથી દરરોજ નગરપાલિકાને 30થી 35 એમ.એલ.ડી પાણી આપે છે અને નર્મદાના સોર્સમાંથી 5 એમ.એલ.ડી પાણી આપે છે. પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરના જણાવ્યા મુજબ નર્મદાની પાઈપલાઈન ડેમેજ હોય ત્યારે પણ 30થી 35 એમ.એલ.ડી પાણી પોરબંદર નગરપાલીકાને અપાય છે. નર્મદાનો સોર્સ ચાલુ હોય ત્યારે તો જરૂરીયાત કરતાં પણ વધારે 35થી 40 એમ.એલ.ડી પાણી આપવામાં આવે છે.
બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો વાપરે છે પાલિકાનું પાણી?
કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોરબંદર શહેરના બાગ બગીચાના કોન્ટ્રાક્ટરો અને કેટલાક ચોક્કસ બિલ્ડરોને બાંધકામ માટે વપરાંતુ પાણી ગેરકાયદેસર રીતે પોરબંદર નગરપાલીકાના અધિકારીઓ અને પદાધિકારીઓ આપી રહ્યાં છે. ચોક્કસ વિસ્તારોમાં જરૂરીયાત કરતાં વધારે પાણીનો જથ્થો આપવામાં આવે છે. જ્યારે બીજી બાજુ જે લોકો પાસે ઢોલ વગાડીને વેરો ઉઘરાવે છે તે લોકો પાણી માટે ટળવળે છે.
કોંગ્રેસની ચીમકી
નગરપાલીકાના રોજમદાર વાલ્વ ખોલનારા કર્મચારીઓ છે, તે પાણી વિભાગના એન્જીનયરો કે ચીફ ઓફિસરના કંટ્રોલમાં નથી તે મન ફાવે ત્યારે વાલ્વ ચોક્કસ એરીયા માટે ખોલી નાંખે છે અને ચોક્કસ એરીયા માટે બંધ કરી દે છે. જેથી તાત્કાલીક ધોરણે પાણી પુરવઠો નિયમીત કરવામાં આવે અને લોકોને પીવા માટે શુધ્ધ પાણી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. સાથે જ કોંગ્રેસ દ્વારા ચીફઓફીસરને જણાવ્યું હતું કે, 10 દિવસનો સમય આપીએ, જો કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો હજારો લોકોને સાથે લઈને પાલિકા કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી.