કોઠારીયા રોડ પરના મંદિરમાંથી દાનપેટીની ચોરી, 10 હજારની રોકડ લઈને ચોર ફરાર | Theft of a donation box from a temple on Kotharia road, the thief absconded with 10 thousand in cash | Times Of Ahmedabad
રાજકોટ8 કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટ શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. જેમાં ઘર કે દૂકાન નહિ પણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિરની સામે આવેલા શ્રી બાગેશ્વર બાલાજી સરકાર મંદિરમાંથી તસ્કર દાનપેટી ચોરી ગયો હતો. જો કે આ ચોરને ગણતરીની કલાકોમાં ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો છે. ગઇકાલે બુધવારે સવારે 7.19 વાગ્યે તે દર્શનાર્થીના સ્વાંગમાં ટૂર બેગ લઇને આવ્યો હતો અને બાદમાં દર્શન કરવાનો ડહોળ કરી દર્શનાર્થીઓ ઓછા થતાં જ થેલામાં દાનપેટી નાંખી ચાલતો થઇ ગયો હતો. આ તમામ ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
સવા સાત વાગ્યે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ રાખ્યું
આજીડેમ પોલીસે કોઠારીયા ચોકડી તિરૂપતી સોસાયટી-4 માં રહેતાં રમેશભારથી ચમનભારથી ગોસ્વામી (ઉ.વ.70)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. રમેશભારથીએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને કોઠારીયા રોડ રણુજા મંદિર સામે ક્રિષ્ના ડેરીની બાજુમાં ખુલ્લી જગ્યામાં આવેલા શ્રી બાગેશ્વર બાલાજી મદિરમાં એકાદ અઠવાડીયાથી સેવાપુજા કરુ છું. બુધવારે સવારે સાતેક વાગ્યે હું મંદિરે ગયો ત્યારે દરવાજો ખોલી સેવા પુજા કર્યા હતાં. સવા સાતેક વાગ્યે પુજા કર્યા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ રાખ્યું હતું. ત્યાંથી હું સોમનાથ સોસાયટીમાં આવેલા શ્રી જોડીયા હનુમાનજીના મંદિરે પુજા કરવા ગયો હતો.
દાનપેટીમાં આશરે 10,500 રોકડ હતી
દસેક વાગ્યે પરત શ્રી બાગેશ્વર બાલાજી સરકાર મંદિરે આવ્યો ત્યારે મંદિરમાં રાખેલી દુધીયા રંગની દાનપેટી કોઇ ચોરી ગયાની ખબર પડી હતી. એ દાનપેટીમાં આશરે રૂ. 10,500 રોકડા હતાં. આ વખતે એક દર્શનાર્થી જયમલભાઇ પ્રભાતભાઇ કોઠીવાર ત્યાં હોઇ મેં તેને દાનપેટી અંગે પુછતાં તેણે સંજય નાજાભાઇ કાનગડને વાત કરી હતી અને બધાએ સાથે મળી દાનપેટીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ દાનપેટી મળી ન હોઇ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. જો કે, પોલીસ ફરિયાદ થાય એ પહેલા જ ક્રાઇમ બ્રાંચની ટીમ શકમંદ ચોરને પકડીને મંદિરે આવી હતી.
શકમંદ ચોરની ધરપકડ કરી
આ શખ્સ સવારે 7.19 વાગ્યે મંદિરમાં આવે છે, તેની પીઠ પાછળ ટૂર બેગ-થેલો લટકાવેલો દેખાય છે. તે મંદિરમાં અંદર પલાઠી વાળીને બેસે છે અને હાથ જોડી દર્શન કરે છે, કોઇ બાળક આવે છે પછી તે બહાર નીકળવાનો ઢોંગ કરે છે. બાળક જતું રહે છે પછી ફરી તે અંદર આવી બેસી જાય છે અને જમણી સાઇડમાં રાખેલી દુધીયા રંગની દાનપેટી ઉઠાવી બે હાથે ખખડાવીને અંદર કેટલાક પૈસા છે તેનો અંદાજો લગાવે છે. ત્યારબાદ વળી કોઇ દર્શનાર્થી આવતાં તે દાનપેટીને ફરી જ્યાં હતી ત્યાં મુકી દે છે. આ દર્શનાર્થીના ગયા પછી તે થેલામાંથી પાણની બોટલ કાઢે છે અને ખાનુ ખાલી કરે છે. આ રીતે સમય પસાર કર્યા પછી છેલ્લે 7.33 વાગ્યે તે બહાર નીકળી જાય છે. ત્યારે તેના થેલામાં દાનપેટી થોડી બહાર રહી ગયેલી જોવા મળે છે.
Post a Comment