વડોદરા12 મિનિટ પહેલા
- કૉપી લિંક

આત્મવિલોપનનો પ્રયાસ કરનાર બુટલેગરની ફાઈલ તસવીર.
વડોદરા જિલ્લાના સાવલીમાં બુટલેગર આકાશ માળીએ સાવલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જ પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આકાશને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસની હેરાનગતિથી બુટલેગરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. સાવલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અનિરુદ્ધ કામળીયાએ જણાવ્યું હતું કે, આકાશ બુટલેગર છે, જેથી એની ગાડીઓ ચેક કરીએ છીએ, જેથી પોલીસ સામે ખોટા આક્ષેપ કર્યાં છે અને દબાવવાનો પ્રયાસ કરે છે. આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નવઘણ અને બુટલેગર આકાશની ઓડિયો ક્લિપ વાઇરલ
વચેટીયા નવઘણે આકાશ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તું મને મળ, તારું કામ છે. ભાઇને વાત કરી છે. 10થી 11 પેટીની હું જવાબદારી લઉં છું, ભાઇબંધીમાં તારું સેટિંગ કરી આપુ છું. અમારી ટીમની જવાબદારી છે. આકાશે જણાવ્યું હતું કે, એક-બે પેટી ઘરાકી સાચવવા માટે મારા પપ્પા એક-બે પેટી લાવે છે. બિયર લાવે છે. નવઘણે જણાવ્યું હતું કે, હું અંડર ગ્રાઉન્ડ 8થી 10 પેટીની પરમિશન અપાવું છું. એટલી પુરતી જવાબદારી છે. છેલ્લામાં છેલ્લે 11 પેટી સુધી તને કોઈ હેરાન નહીં કરે.
પોલીસ પર આક્ષેપ
આત્મવિલોપનનો પ્રયાસ કરનાર બુટલેગર આકાશની કાકી રાધીબેન માળીએ જણાવ્યું હતું કે, હું પોલીસથી કંટાળી ગયો છું અને આત્મહત્યા કરવા જઉં છું. તેમ કહીને આકાશ ઘરેથી ગાડી લઈને નીકળ્યો હતો. પોલીસે તેની ગાડી ચેક કરી હતી અને વાંરવાર ગાડીઓ ચેક કરીને હેરાન કરતા હતા અને તું ધંધો કરે છે, પૈસા આપ તો હેરાન નહીં કરીએ. જેથી પોલીસે હેરાન કરતા તે કહેતો હતો કે, હું મરી જઈશ. તે મરી જશે તો કોણ જવાબદારી લેશે. લોકો ખુલ્લેઆમ વેચે છે, તો કોઈ પોલીસવાળા હેરાન કરે છે અને મારો ભત્રીજો નથી વેચતો તો પણ પોલીસવાળા ઘરે આવીને હેરાન કરે છે અને પૈસા માંગે છે. દારૂની ગાડીઓ ખુલ્લામાં વેચાય છે, તો પણ પોલીસ કંઇ કરતી નથી અને મારા ભત્રીજાને હેરાન કરે છે. ક્યારેય તેની પાસેથી માલ પકડાયો પણ નથી.
વારંવાર ગાડીઓ ચેક કરે છે
આકાશના સાથીદાર અંકિત સિસોદીયાએ જણાવ્યું હતું કે, પોલીસે બે વાર ગાડી ચેક કરી હતી, પણ કશું મળ્યું નહોતું. પોલીસવાળાથી આકાશ હેરાન થઈ ગયો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં જઈને પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. દારૂ બાબતે ગાડી ચેક કરીને પોલીસ એક મહિનાથી હેરાન કરતી હતી.