મહેસાણા36 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લાવવું એ કોઈ અઘરો વિષય નથી તેના માટે જરૂર છે માત્ર ઈચ્છા શક્તિની. બસ આજ બાબતને શંખલપુર ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના સભ્યો અને શંખલપુર પૂર્વ સરપંચે સાર્થક કરી બતાવ્યું. ભારત સહિત ગુજરાતમાં એક એવો વર્ગ પણ છે કે જે પોતાની અને પોતાના બાળકોની ઈચ્છા આર્થિક પરિસ્થિતિના હોવાના કારણે પુરી કરી શકતા નથી. અને એટલે જ આવા પરિવારો અન્ય પરિવારોની ખુશીમાં સામેલ થવા ઉપસ્થિત તો થાય છે પણ તે ક્ષણને માત્ર જોઈ શકે પણ અનુભવી શકતા નથી.
ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લાવવું એ અઘરું નથી
બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે સૌપ્રથમવાર ભરાયેલા ચૈત્રી પૂનમના મેળાની મોજથી ગામનાં ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકો વંચિત ન રહી જાય તે માટે ટોડા બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્વ સરપંચ પરેશ પટેલ અને શંખલપુર ટોડા બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટના સહયોગથી ગામની પ્રાથમિક શાળાના 550થી વધુ બાળકો તેમ જ ગામના અન્ય મળી 1100થી વધુ બાળકોને સોમવારે ચકડોળ સહિતની તમામ રાઇડોમાં વિનામૂલ્યે બેસાડવામાં આવ્યા સાથે બાળકોને કેન્ડી ખવડાવી અને પાણીની બોટલ ભેટ આપતાં બાળકોના ચહેરા ખુશીથી મલકાઇ ઊઠ્યા હતા. આ પ્રસંગે ટોડા ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ, ટ્રસ્ટી મોહનભાઈ દેસાઈ, પૂર્વ સરપંચ પરેશભાઈ પટેલ, શાળાના આચાર્ય જીજ્ઞેશભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા.
શંખલપુર ટોડા બહુચરાજી મંદિર ટ્રસ્ટ અને પૂર્વ સરપંચ આવ્યા આગળ
ગુજરાતમાં દરેક ધાર્મિક સ્થળ પર વર્ષમાં એક દિવસ મેળાનું આયોજન આપણા માટે નવું નથી. આવા ધાર્મિક સ્થળો પર મેળામાં મનોરંજનના ઉપકરણો અહીં આવતા લોકો માટે એક આકર્ષણ હોય છે. અત્યારે વધતી મોંઘવારીમાં આવા મેળાઓમાં ગરીબ પરિવાર માટે આવા મનોરંજનના ઉપકરણોમાં પોતાના બાળકોને બેસાડવું મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે શંખલપુર મંદિર ટ્રસ્ટ તેમજ પૂર્વ સરપંચ પરેશ પટેલ દ્વારા ગરીબ પરિવારના બાળકો સાથે શંખલપુર શાળાના 1100 જેટલા બાળકો આવા મેળાથી રહી ના જાય તે માટે એક સુંદર પહેલ કરી છે. સ્કૂલના તમામ બાળકો ને મફતમાં ચકડોળ , ટોરા ટોરા સહિત તમામ મનોરંજનના સાધનોમાં બેસાડવાની નિર્ણય કરતા નાના ભૂલકાઓમાં હરખ સમાતો નહોતો.