પાટણ19 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાટણ જિલ્લામાં ટેકાના ભાવે દેશી ચણા અને રાઈ ની ખરીદી કરવા માટે ખોલવામાં આવેલ સેન્ટરો ખાતે ખેડૂતો તેમનો માલ વેચીને પોષણયુક્ત ભાવ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને તેમના વિવિધ ખેત પેદાશોના પોષણયુક્ત ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવ નક્કી કરી તે પ્રમાણે ખેડૂતોનો માલ ખરીદવા વિવિધ જિલ્લામાં ખરીદ કેન્દ્રો શરૂકરવામાં આવ્યા છે, જેમાં પાટણ જિલ્લામાં ચણા અને રાઈના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા જિલ્લાના પાંચ તાલુકામાં 10 માર્ચથી 90 દિવસ માટે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલ છે.
પાટણ જિલ્લામાં ચણા ની ટેકાના ભાવે ખરીદી માટે ચાર સેન્ટર ખોલવામાં આવ્યા છે જ્યારે જિલ્લામાં વાવેતર વિસ્તાર મુજબ કુલ 13 ખરીદ કેન્દ્રો ખોલાયા છે, જેમાં સમીમાં 6, શંખેશ્વરમાં 4, હારીજ, રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં એક એક કેન્દ્રનો સમાવેશ થાય છે.
ચણાના 20 કિલોના ટેકાના ભાવ રૂ. 1067 નક્કી કરવામાં આવેલ છે. જિલ્લામાં 3384 જેટલા ખેડૂતોના 5600 ટન ચણા ટેકાના ભાવે ખરીદાયા છે. આ ઉપરાંત રાઈના ટેકાના ભાવ મણે રૂ. 1090 નક્કી કરાયેલ છે. જિલ્લામાં 208 જેટલા ખેડૂતોના 500 ટન રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાઈ હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશ પ્રજાપતિ દ્વારા જાણવા મળ્યું હતું. 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી માટે શરૂ કરાયેલ કેન્દ્રો 90 દિવસ સુધી ચાલુ રહેશે એમ જાણવા મળ્યું હતું.