'મૈં સુખા હૂં' એટલું બોલતા જ પોલીસે દબોચી લીધો, આ સાથે જ ખુલ્યો મિત્રની 13 વર્ષ જૂની હત્યાનો ભેદ | Ahmedabad crime branch detect 13 year old murder case | Times Of Ahmedabad

અમદાવાદ36 મિનિટ પહેલાલેખક: આનંદ મોદી

  • કૉપી લિંક

વડોદરામાં રહેતી પત્ની સંગીતા તેમના બે બાળકો સાથે પતિ આજે આવશે, કાલે આવશે. જો કે, તેર તેર વર્ષ થઈ ગયા છતાં તેમના પતિ આવતા નથી. માત્ર એટલું જ નહીં, સંગીતાએ પતિને શોધવા પોલીસ સ્ટેશનના પગથિયાં પણ ઘસી નાંખ્યા, અનેક બાધા-આખડીઓ રાખી, પરંતુ તે ક્યાંય મળતા નહોતા. વર્ષો વીતતા ગયા અને પરિવાર જેમ તેમ કરી ગુજરાન ચલાવી રહ્યો છે.

તેર તેર વર્ષથી સંગીતા અને તેના બાળકો કેમ પતિની રાહ જોઇ રહી છે? શું સંગીતાનો પતિ ઘરેથી ભાગી ગયો છે? શું તે થઈ ગયો છે? કે પછી કોઈએ તેની હત્યા કરી દીધી છે? આ રહસ્ય પરથી અમે પડદો ઉંચકી રહ્યા છીએ અને આ રહસ્ય અંગે જાણવા માટે દિવ્ય ભાસ્કરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાતચીત કરી હતી.

‘સાહેબ હું કોણ છું તે તમે જાણવાનો પ્રયાસ ના કરતા’
માર્ચ 2023માં વડોદરાથી 100 કિલોમીટર દૂર આવેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં બેઠેલા પી.આઈ. નિકુંજ સોલંકીને એક ફોન આવે છે અને તે કહે છે કે, ‘સાહેબ હું કોણ છું તે તમે જાણવાનો પ્રયાસ ના કરતા પણ દસ વર્ષથી વધુ સમય પહેલા વડોદરાના એક યુવકની હત્યા થઈ હતી, તેની મારી પાસે માહિતી છે’ અજાણ્યા શખ્સે કોલ કરી આટલી માહિતી આપી દીધી. પરંતુ માત્ર હત્યા થઈ હતી એટલા જ ક્લૂમાં આખો કેસ ઉકેલવો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માટે એક મોટી ચેલેન્જ હતી. જો કે આ પડકાર ક્રાઇમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલે ઉપાડી લીધો. બન્ને પોલીસ કોન્સ્ટેબલે પી.આઈ. નિકુંજ સોલંકી સાથે મળીને કેસને લગતી એક એક કડી જોડી આપી અને હત્યારાઓ સુધી પોલીસ પહોંચી ગઈ હતી. હાલના સમયમાં ટેકનિકલ ઇનપુટના આધારે ગમે તેવા શાતિ દિમાગના અપરાધીએ કરેલા ગુનાઓ પણ સરળતાથી ઉકેલાઈ જાય છે. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 વર્ષ જૂનો ગુનો મેન્યુઅલ ઇન્ફોર્મેશનની એકમાત્ર લિંકથી ઉકેલી બતાવ્યો છે. આ ડિટેક્શન પર સિનિયર અધિકારીઓએ પણ બન્ને કોન્સ્ટેબલની પીઠ થાબડી હતી.

હવે ક્રાઇમ બ્રાન્ચ માટે સૌથી પહેલો અને મોટો સવાલ એ હતો કે, હત્યા કોની થઈ હતી? તેમાં પણ આ કેસમાં તો આરોપી હત્યા કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવે છે કે તે તેને હમણાં જ મળ્યો હતો એટલે સમગ્ર વર્ષોથી દબાયેલો હતો અને કોઈને તેના પર શંકા પણ ગઈ નહોતી.

‘સાહેબ વર્ષો અગાઉ વરસાદી મૌસમમાં લાશ ફેંકી હતી’
હવે અજાણ્યા શખ્સે પી.આઈ. નિકુંજ સોલંકીને કરેલા કોલમાં બન્નેની વાતચીત આગળ વધારીએ. હત્યાની માહિતી આપનારો શખ્સ કહે છે કે, ‘સાહેબ વર્ષો અગાઉ વટામણથી વાસદ સુધીના રોડ પર ગળું કાપીને વરસાદની સીઝન(2010, જુલાઈ)માં હત્યા કરી લાશ ફેંકવામાં આવી હતી’. 80 કિ.મી.ના પટ્ટા પર વર્ષો અગાઉ થયેલી હત્યાનો ગુનો ડિટેકટ કરવો ક્રાઈમ બ્રાન્ચ માટે લોઢાના ચણા ચાવવા સમાન હતો. આમ છતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના બે હેડ કોન્સ્ટેબલ ઈમ્તિયાઝ અલી ઉમરાવ અલી અને ભરતભાઈ જીવણભાઈને બાતમી મળી હતી કે, વટામણથી વાસદ સુધીના રોડ પર વર્ષ 2008, 2009 કે 2010માં એક વ્યક્તિની ગળું કાપીને હત્યા કરી લાશને ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી. બંને હેડ કોન્સ્ટેબલ માહિતી મળતા તેમના પી.આઈ. એન.જી સોલંકી પાસે ગયા. પી.આઈ.એ પણ આટલી વિગત મળતા કામ કરવાની સૂચના આપી પોતે કામે લાગી ગયા.

ઝાડીઓમાં ફેંકી દીધેલી લાશ.

ઝાડીઓમાં ફેંકી દીધેલી લાશ.

પોલીસને એટલી જ ખબર હતી કે 80 કિ.મી.ના અંતર વચ્ચે હત્યા થઈ હતી
આ કેસ 13 વર્ષ જૂનો હોવાથી ટેક્નિકલ સર્વેલન્સ તો કામે લાગે તેમ જ નહોતું, જેને કારણે આ કેસમાં હ્યુમન ઇન્ટેલિજન્સ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાનું હતું. પી.આઈ. એન.જી સોલંકી ક્રાઈમ બ્રાન્ચથી સુપરવિઝન કરતા હતા. જ્યારે હેડ કોન્સ્ટેબલ ઈમ્તિયાઝઅલી અને ભરતભાઈ ફિલ્ડમાં ટીમ સાથે કામે લાગી ગયા. 80 કિલો મીટરના અંતરમાં હત્યા થઈ હોવાની જાણ હતી. પરંતુ જગ્યા ખબર નહોતી જેથી ટીમ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તપાસ કરવામાં આવી.

10થી વધુ પોલીસ સ્ટેશનના ડેટા ફંફોસ્યા, ત્રણ વર્ષના રેકોર્ડ તપાસ્યા
વટામણથી વાસદ રોડ પર આવેલા તમામ પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. ધોળકા, બગોદરા, કોઠ, વટામણ, પેટલાદ, આણંદ રૂરલ સહિતના 10થી વધુ પોલીસ સ્ટેશનના ડેટા ફેંદવામાં આવ્યા. હત્યાના ચોક્કસ વર્ષની પણ ખબર ન હોવાથી 2008 થી લઈને 2010 સુધીના એમ ત્રણ ત્રણ વર્ષના રેકોર્ડના પાનાઓ ઉથલાવ્યા. આ દરમિયાન થયેલી હત્યાની વિગતો મળી. પરંતુ તેમાં અલગ અલગ જગ્યાએ છરી મારી હોય અથવા અન્ય રીતે થયેલી હત્યાની જાણ થતી હતી. આ ઉપરાંત વરસાદના સમયમાં હત્યા થઈ હોય તેવા કેસ પણ તપાસવાના હતા.

2010ની ફાઇલ નંબર 56/10ના પાના ઉથલાવ્યા
પોલીસ કોન્સ્ટેબલ ઈમ્તિયાઝ અલી અને ભરતભાઈ રોજ સવારે ઘરેથી નીકળી જતા અને મોડી સાંજ સુધી રુટ પર ફરતા તથા પોલીસ સ્ટેશનમાં તપાસ કરી રહ્યા હતા ત્યારે કોઠ પોલીસ સ્ટેશનની હદમાં થયેલી હત્યાનો એક કેસ મળ્યો. જે હજુ સુધી અનડિટેકટ હતો. આ હત્યામાં મૃતકને માથામાં તથા છાતીમાં છરીના ઘા મારીને હત્યા કરી લાશ ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી. જે લાશની ઓળખ પણ થઈ નહોતી. ક્રાઈમ બ્રાન્ચે કોઠ પોલીસ સ્ટેશનના 2010ની ફાઇલ નંબર 56/10ના કાગળ તપાસવાનું શરૂ કર્યું.

‘સાહેબ આ જ જગ્યા છે’ કહ્યું ને પોલીસ મલકાઈ
આ ફરિયાદના કાગળ આટલા વર્ષ થયાં હોવાથી કોર્ટમાં જમા થઈ ચૂક્યા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ કોર્ટમાં ગઈ અને કાગળ મેળવ્યા. 5 જુલાઈ 2010ના રોજ હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં અલગ અલગ જગ્યાએ છરીના 14 ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ મંગાવ્યો. જે જગ્યાએ હત્યા થઈ હતી ત્યાં બાતમીદારને પણ લઈ જવામાં આવ્યો તો તુરંત જ બાતમીદારે પણ કહ્યું કે, ‘આ જ જગ્યા છે’. આટલું સાંભળતા જ બન્ને કોન્સ્ટેબલ અને પી.આઈ.ને આ કેસનો ઉકેલ હાથવેંત જ છેટો લાગ્યો. પરંતુ તેઓ સારી રીતે જાણતા હતા કે હજુ એક પડાવ પાર કરવાનો છે.

2010માં થયેલી હત્યા સમયની તસવીર.

2010માં થયેલી હત્યા સમયની તસવીર.

મૃતક કોણ હતો? શું કોઈ મિસિંગ હતું?
માત્ર ગુનાની વિગત મળવી જ જરૂરી નહોતી મૃતક કોણ હતો? તે પણ સૌથી મોટો સવાલ હતો. પોલીસે બાતમી આપનાર વ્યક્તિને વિશ્વાસમાં લીધો ત્યારે પોલીસને જાણ થઈ કે મૃતક વ્યક્તિ વડોદરાનો હતો. હવે વડોદરામાં 2010માં ગુમ થયા હોય તેવા વ્યક્તિઓની પોલીસે શોધખોળ શરૂ કરી. વડોદરા મિસિંગ સેલમાં તપાસ શરૂ કરી. થોડી મહેનત બાદ વડોદરાના મકરપુરામાં હત્યાના દિવસ આસપાસ એક વ્યક્તિ ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું. જેનું નામ હતું બ્રિજેશ કાંતાપ્રસાદ. આ વ્યક્તિની પત્નીએ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.

તે સમયે 6 અને 8 વર્ષના બે સંતાનો 19 અને 21 વર્ષના થયા પણ પિતા ના આવ્યા
પોલીસ ફરિયાદમાં લખ્યું હતું કે, ગુમ થનાર બ્રિજેશ છેલ્લે સુખદેવસિંગ ઉર્ફે સુખા સોહલ સાથે જોવા મળ્યો હતો. જે તે સમયે સ્થાનિક પોલીસે સુખદેવસિંગની પણ પૂછપરછ કરી હતી, ત્યારે સુખદેવસિંગે પોલીસને જણાવ્યું હતું કે, ‘હું બ્રિજેશને મળ્યો હતો’. પરંતુ બાદમાં બ્રિજેશ ત્યાંથી જતો રહ્યો હતો. પરિવાર હજુ બ્રિજેશને ગુમ થયો હોવાનું માનીને તેની રાહ જોઇ રહ્યો હતો. પરિવારને હજુ આશા હતી કે બ્રિજેશ ક્યારેક તો પરત આવશે. બ્રિજેશના ઘરમાં પત્ની સંગીતા અને 6 તથા 8 વર્ષના બે બાળક હતા. જે બાળકો આજે તો 19 અને 21 વર્ષના થઈ ગયા છે.

મૃતક બ્રિજેશ કાંતાપ્રસાદ.

મૃતક બ્રિજેશ કાંતાપ્રસાદ.

શંકાસ્પદ ગેરેજ મળ્યું ને પોલીસ સાદા ડ્રેસમાં પહોંચી
હવે ગુમ થયેલા વ્યક્તિની હત્યા કોણે કરી તે સવાલ હતો. આ તપાસ દરમિયાન પોલીસને બાતમીદાર પાસેથી એક નક્કર જાણકારી મળી કે સુખદેવસિંગ ઉર્ફે સુખા, મોહમંદ ઉંમર ઉર્ફે ડોક્ટર, ફિરોઝ શેખ અને અબ્દુલ ગફરે સાથે મળીને બ્રિજેશની હત્યા કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એન.જી સોલંકી ટીમ સાથે વડોદરા પહોંચ્યા અને સુખદેવસિંગની શોધખોળ કરી ત્યારે જાણકારી મળી કે, સુખદેવસિંગ રણોલી GIDCમાં ગેરેજ ધરાવે છે. આટલી મોટી GIDCમાં તેને શોધવો મુશ્કેલ હતો છતાં પોલીસે તપાસ શરૂ કરી. આ તપાસ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ ગેરેજ મળી આવ્યું અને પોલીસ સાદા ડ્રેસમાં ત્યાં પહોંચી. ગેરેજનો દરવાજો બંધ હતો, જેથી પોલીસે દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી સવાલ આવ્યો કોણ, પોલીસે જવાબ આપ્યો સુખે કા કામ હૈ, સુખો દરવાજો ખોલીને બહાર આવ્યો અને કહેવા લાગ્યો કે ‘મેં સુખા હું’ તો પોલીસ તુરંત જ તેને પકડી લીધો.

આરોપી ભાંગી પડ્યો ને ત્રણ સાથીઓના નામ આપ્યા
પોલીસ સુખદેવસિંગની ધરપકડ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા બાદ સુખદેવસિંગને પૂછપરછ કરી તો તેણે શરૂઆતમાં કોઈ જવાબ ના આપ્યો. ત્યારબાદ પોલીસે નામ સાથે પૂછપરછ કરી ત્યારે સુખદેવસિંગે કબૂલાત કરી અને જણાવ્યું હતું કે તેણે જ હત્યા કરી હતી. આ તરફ હત્યામાં સામેલ અન્ય 3 આરોપીઓ મોહમંદ ઉંમર ઉર્ફે ડોક્ટર, ફિરોઝ શેખ અને અબ્દુલ ગફરની એક સાથે ધરપકડ કરી લીધી. ત્યાર બાદ પકડાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી અને તેમાં પોલીસના તમામ સવાલોના જવાબ મળવા લાગ્યા.

ત્રણ વર્ષ ઘરમાં રહ્યો અને કન્યા શોધી મિત્રને પરણાવ્યો
સુખદેવસિંગ અને મૃતક બ્રિજેશ બંને મિત્રો હતા. મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી એવા બ્રિજેશની સ્થિતિ ખરાબ હોવાથી તે 3 વર્ષ સુધી વડોદરા સ્થિત સુખદેવસિંગના રૂમમાં પરિવાર સાથે રહેતો હતો. થોડા સમય બાદ તે અલગ રહેવા જતો રહ્યો. સુખદેવસિંગ માટે બ્રિજેશે એક સુનિતા પાસી નામની છોકરી લગ્ન માટે બતાવી હતી. જે સુખદેવસિંગને પસંદ આવતા બ્રિજેશની મધ્યસ્થીથી 2007માં બંનેના કોર્ટ મેરેજ થયા. લગ્નની શરૂઆતમાં તો પતિ-પત્ની વચ્ચેનો સબંધ સારો રહ્યો હતો.પરંતુ સુખદેવસિંગ કુખ્યાત ગુનેગાર હોવાથી તેને અવારનવાર પોલીસ લઈ જતી હતી, જેનાથી સુનિતા કંટાળી ગઈ હતી. સુનિતા લગ્નના દોઢેક વર્ષ બાદ દીકરા સાથે સુખદેવસિંગના ઘરેથી 25 તોલા દાગીના તથા 2.65 લાખ રોકડ રકમ લઈને પિયર ઉત્તરપ્રદેશ જતી રહી. સુખદેવસિંગ સુનિતાને માનવવા પણ ગયો હતો, પરંતુ સુનિતા માની નહોતી અને સુખદેવસિંગ વિરુદ્ધમાં ઉત્તરપ્રદેશમાં 498 મુજબ ફરિયાદ પણ નોંધાવી હતી. સુખદેવસિંગ સુનિતાથી કંટાળી ગયો હતો જેથી તેણે બ્રિજેશને જાણ કરી. પરંતુ બ્રિજેશ કોઈ મદદ કરતો નહોતો.

આરોપીઓ સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ.

આરોપીઓ સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ.

લાલ કલરની વેગનઆરમાં વડોદરા ગયા, બ્રિજેશને ચોરીની વાનમાં બેસાડ્યો
પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ઉકેલવામાં બ્રિજેશ મદદ કરતો ન હોવાથી સુખદેવસિંગને શંકા ગઈ કે સુનિતાને ઉત્તરપ્રદેશ મોકલવામાં બ્રિજેશનો પણ હાથ છે, જેથી સુખદેવસિંગે અમદાવાદમાં રહેતા તેના મિત્ર મોહમંદ ઉંમર ઉર્ફે ડોક્ટરને ફોન કરી બ્રિજેશને ડરાવવા ધમકાવવા કહ્યું, જેથી મોહમંદ ઉંમર ઉર્ફે ડોક્ટર, ફિરોઝ ખાન, અબ્દુલગફર અને મીદત નામના 4 શખ્સ લાલ કલરની વેગનઆર લઈને વડોદરા ગયા અને બ્રિજેશને ધમકાવ્યો. પરંતુ બ્રિજેશ માન્યો નહીં. સુખદેવસિંગે, મોહમંદ ઉંમર ઉર્ફે ડોક્ટર, ફિરોઝ ખાન અને અબ્દુલ ગફર સાથે મળીને થલતેજ ગુરુદ્વારા પાસેથી ચોરી કરેલી વાનમાં બ્રિજેશને બેસાડ્યો અને હાથ બાંધી વડોદરાથી અપહરણ કરીને લઈ જવામાં આવ્યો. જેમાં મોહમંદ ઉંમર ઉર્ફે ડોક્ટર વાન ચલાવતો હતો. ફિરોઝ અને સુખદેવસિંગ પાછળ બેઠા હતા જ્યારે બ્રિજેશને વચ્ચે બેસાડ્યો હતો. પાછળ વેગેનઆર કારમાં અબ્દુલગફાર અને મિદત આવી રહ્યા હતા.

ઝાડીઓમાં લઈ છાતી અને ગળામાં છરીના 14 ઘા ઝીંક્યા
ચાલુ ગાડીમાં પણ સુખદેવસિંગે બ્રિજેશને સુનિતા વિશે પૂછ્યું, પરંતુ બ્રિજેશે જવાબ જ ન આપ્યો. જેથી વટામણથી ધોલેરા તરફના રોડ પર મોટી બોરૂ ગામ પાસે રોડની બાજુમાં બંને ગાડી ઉભી રાખી દીધી. બ્રિજેશને મારુતિવાનમાંથી બહાર કાઢીને સુખદેવસિંગ ઝાડીઓમાં લઈ ગયો. જ્યાં બ્રિજેશને ગળાના ભાગે છરી વડે ઉપર ઉપરી ઘા માર્યા. આ ઉપરાંત છાતીના ભાગે પણ છરીના ઘા માર્યા. બ્રિજેશને છરીના કુલ 14 ઘા મારતા બ્રિજેશનું મોત થઈ ગયું. આ દરમિયાન સુખદેવસિંગને બ્રિજેશની હત્યા કરતા બાકીના ત્રણેય લોકો પણ જોઈ રહ્યા હતા. ચોરી કરેલી કાર દોઢેક મહિના બાદ ભરૂચથી ઝઘડિયા જવાના રોડ પર ઝાડી વિસ્તારમાં મૂકી દીધી હતી.

13 વર્ષ જુના ગુનાને ટેકનોલોજીની મદદ વિના ઉકેલ્યો
આ ચારેય વ્યક્તિઓ અપહરણ અને હત્યાને અંજામ આપીને શાંતિપૂર્વક જિંદગી જીવી રહ્યા હતા. પરંતુ હત્યાના 13 વર્ષે ક્રાઈમ બ્રાન્ચને એક ફોન આવ્યો અને તપાસ શરૂ કરી. લાશની ઓળખ, ગુનાની વિગત, હત્યારા, હત્યા પાછળનું કારણ સહિતની તમામ વિગત જાણી લઈને 13 વર્ષ જુના ગુનાને માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ડિટેક્ટ કરી દીધો. આ ઉપરાંત આરોપીઓને જેલના હવાલે કર્યા હતા.

આ અંગે પી.આઈ. એન.જી સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે આટલા વર્ષે ગુનો ડિટેકટ કર્યા બાદ મને શાંતિ મળી છે. આ મૃતકની આત્માને પણ અમે ન્યાય અપાવ્યાનો સંતોષ અમને થયો છે.

આ હત્યાનું રહસ્ય ઉકેલાયા બાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે એક દાયકા પછી ખરેખર મૃતકના આત્માને શાંતિ મળી હશે. હાલ પરિવારને જાણ કરી દેવામાં આવી છે, જે તેના સ્વજનને એક સમયે ગલીએ ગલીએ અને ગામડે ગામડે શોધતો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે આરોપીઓ સુખદેવસિંગ, મોહમંદ ઉંમર ઉર્ફે ડોક્ટર, ફિરોઝ ખાન અને અબ્દુલ ગફર .

ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે આરોપીઓ સુખદેવસિંગ, મોહમંદ ઉંમર ઉર્ફે ડોક્ટર, ફિરોઝ ખાન અને અબ્દુલ ગફર .

હત્યાનો આરોપી કુખ્યાત ગુનેગાર, અન્ય રાજ્યોમાં પણ વોન્ટેડ
આ ગુનાનો મુખ્ય આરોપી સુખદેવસિંગ 1990માં મુંબઈમાં 307 એટલે હત્યાનો પ્રયાસ, 1995-96માં જલગાંવમાં મર્ડર કેસ, 2002માં ગોધરાકાંડ કેસમાં તોડફોડ કરી આગ લગાવવી, એક લૂંટ કેસમાં, 2003માં ગાડીની નંબર પ્લેટ બદલવાના કેસમાં, 2007 ટ્રક ચોરીના કેસમાં, 2008માં ભરૂચમાં હત્યાના પ્રયાસના કેસમાં, 2014-15માં ટ્રક ચોરીના કેસમાં અને 2022માં ટ્રક ચોરી કરવાના 4 કેસમાં પકડાઈ ચુક્યો હતો. ગયા વર્ષે જ તે જેલમાંથી બહાર આવ્યો હતો. હત્યા કર્યા બાદ પણ અનેક ગુનામાં પકડાયો હતો. પરંતુ પોલીસને હત્યા અંગે જાણ નહોતી કરી.

ઇમ્તિયાઝ અલીએ 2 કરોડની ચોરીનો ગુનો 24 કલાકમાં ઉકેલ્યો હતો
આ ગુનો ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચના બે હેડ કોન્સ્ટેબલ ઈમ્તિયાઝઅલી અને ભરત દેસાઈની ખૂબ પ્રશંસનીય કામગીરી હતી. જેમણે રાત દિવસ એક કરી 15 દિવસમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ઈમ્તિયાઝઅલી 24 વર્ષથી પોલીસ વિભાગમાં નોકરી કરે છે અને છેલ્લા 5 વર્ષથી તે ક્રાઈમ બ્રાન્ચમાં છે. જેમાં તેમણે અનેક ગુનાના ભેદ ઉકેલ્યા છે. બે વર્ષ અગાઉ 2 કરોડની ઘરફોડ ચોરીનો ગુનાનો ભેદ માત્ર એક જ દિવસમાં ઉકેલી દીધો હતી. કામ કરીને તેમને માનસિક સંતોષ થાય છે તો તેમના કામથી અધિકારીઓ પણ ખુશ છે.

ભરત દેસાઈએ 15 દિવસ સખત મહેનત કરી કેસ ઉકેલ્યો
ભરત દેસાઈ છેલ્લા 17 વર્ષથી પોલીસ વિભાગમાં નોકરી કરે છે. અગાઉ તેમણે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોકરી કરી છે. દોઢ વર્ષથી તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે. ક્રાઈમ બ્રાન્ચમાં આવ્યા બાદ તેમણે અનેક ગુનાનાં ભેદ ઉકેલ્યા છે. 13 વર્ષ જૂનો હત્યાનો ભેદ ઉકેલવા તેમણે ખૂબ મહેનત કરી છે. હત્યાનો ભેદ ઉકેલતા તેમણે જે 15 દિવસ સુધી સખત મહેનત કરી તે માટે તેમને સંતોષ છે.

અન્ય સમાચારો પણ છે…