વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદ અને વડોદરાના મુસાફરોને સ્પાઈસ જેટ વિમાન કંપનીનો કડવો અનુભવ થયો છે. દિલ્હીથી અમદાવાદ આવનારી સ્પાઇસ જેટની ફ્લાઇટ 4 કલાક મોડી પડતા અમદાવાદ, વડોદરા સહિતના 130 જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ પર અટવાઈ ગયા છે, સ્પાઇસ જેટે તેમના માટે કોઈ જમવાની વ્યવસ્થા ન કરી હોવાનો આક્ષેપ વડોદરાના ભાજપના નેતા ધર્મેશ પંડ્યાએ કર્યો છે. ધર્મેશ પંડ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટ્વિટ કરીને આ અંગે ફરિયાદ કરી છે અને સ્પાઈસ જેટ વિમાન કંપની પર છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે.
વિમાન કંપની પર છેતરપિંડીનો આક્ષેપ કર્યો
દિલ્હીથી અમદાવાદની સ્પાઈસ જેટ ફ્લાઇટનો સમય વારંવાર બદલાતા લોકો હેરાન થઈ ગયા છે. શરૂઆતમાં સ્પાઇસ જેટ દ્વારા ફ્લાઇટનો સમય 8.35નો હતો. ત્યારબાદ ફ્લાઇટ બે કલાક લેટ છે, તેમ કહેવામાં આવ્યું, પછી ફ્લાઇટનો સમય રાત્રે 12.30નો અને છેલ્લે ફ્લાઇટ રાત્રે 1 વાગ્યે ઉપડશે તેમ કહેવામાં આવ્યું હતું. જેના કારણે મુસાફરો અટવાઇ ગયા હતા અને કલાકો સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હજી મુસાફરો એરપોર્ટમાં જ છે અને તેમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
લોકો મુશ્કેલીમાં મુકાયા
વડોદરાના ભાજપના નેતા ધર્મેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, મેં સાંજે 6 વાગ્યે સ્પાઇટ જેટની દિલ્હીથી વડોદરાની ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવી હતી. તે સમયે ફ્લાઇટ મોડી હોવાની કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. તે સમયે ફ્લાઇનો સમય 8.35નો સમય બતાવતો હતો અને ફ્લાઇટ સમયસર છે, તેમ કહેવામાં આવ્યું હતું. જો કે, એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે ફ્લાઇટનો સમય રાત્રે 12.15 હોવાનું કહેવામાં આવ્યું હતું. અમે એરપોર્ટ પર મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ.
વડાપ્રધાનને ટ્વિટ કર્યું
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કેટલાક પરિવારો કાશ્મીરથી આવ્યા હતા અને અમદાવાદ અને વડોદરા જવાના હતા. તેઓ સવારે 11 વાગ્યાના એરપોર્ટ પર આવી ગયા હતા અને તેમને તો સવારથી ખબર હતી કે, ફ્લાઇટ બે કલાક લેટ છે. પછી ફ્લાઇટના સમયમાં સતત ફેરફારો થતાં રહ્યા હતા અને છેલ્લે ફ્લાઇટ રાત્રે 1 વાગ્યે ઉપડશે તેવો મેસેજ આવ્યો હતો. અહીં અમદાવાદ અને વડોદરાના મુસાફરો અટવાઈ ગયા છે અને સ્પાઇસ જેટ દ્વારા જમવાની કે કોઈ બીજી કોઈ પણ વ્યવસ્થા કરી નથી. જેથી મેં વડાપ્રધાન અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય મંત્રી આર.કે. સિંગને પણ ટ્વિટ કરીને ફરિયાદ કરી છે.
ફ્લાઇટ 4થી5 વખત રિ-શિડ્યુલ થઈ ગઈ
વડોદરાના મુસાફર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, હું પરિવાર અને બે મિત્રો શ્રીનગર ફરવા માટે ગયા હતા. અમારી ફ્લાઇટ શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદની હતી. અત્યાર સુધીમાં અમદાવાદની ફ્લાઇટ 4થી5 વખત રિ-શિડ્યુલ થઈ ગઈ છે અને તેના કારણે અમે ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છીએ. અમારી ફ્લાઇટનો સમય તો બદલાઈ ગયો છે, પણ હવે તારીખ પણ બદલાઈ ગઈ છે. પહેલા અમારી ફ્લાઈટની તારીખ 11 એપ્રિલ હતી, જો કે, હવે ફ્લાઇટની તારીખ 12 એપ્રિલ થઈ ગઈ છે અને સ્પાઇટ જેટ દ્વારા લોન્જની કોઈ વ્યવસ્થા આપવામાં આવી નથી.
ફ્લાઇટના કુલ 250 જેટલા અટવાઈ ગયા
અમારી ફ્લાઇટ 8.35ની હતી, પરંતુ હજી સુધી ફ્લાઇટ આવી નથી અને હવે રાત્રે 12.30નો સમય આપવામાં આવ્યો છે. અમને ફ્લાઇટ ડિલેના મેસેજ આવે છે, પરંતુ કોઈ સુવિધાના મેસેજ આવતા નથી. અમને કોઇ સુવિધા આપવામાં આવી નથી. આ ફ્લાઇટના કુલ 250 જેટલા મુસાફરો છે. જે અટવાઈ ગયા છે.