અમદાવાદ37 મિનિટ પહેલા
- કૉપી લિંક

સિધુ મુસેવાલાની હત્યા કેસમાં ષડયંત્ર કરવામાં લોરેન્સ બિશ્નોઇનું નામ સામે આવ્યું હતું. આ પ્રકરણમાં હજી તપાસ ચાલી રહી હતી ત્યારે ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ પકડાયું અને તેનો મુખ્ય સૂત્રધાર પણ લોરેન્સ બિશ્નોઇ નીકળ્યો હતો. અગાઉ લોરેન્સ ગેંગના આરોપીઓ ગુજરાતમાં નાના મોટા ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું પણ સીધો બિશ્નોઇ ગુજરાતના કોઈ કેસમાં પ્રથમ સામે આવ્યો છે. આ વખતે કરોડોના ડ્રગ્સ કેસમાં લોરેન્સને ટ્રાન્સફર વોરન્ટ દ્વારા ગુજરાત લાવવામાં આવ્યો હતો અને આજે ભૂજની કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો. અત્યંત સંવેદનશીલ કેસ હોવાના કારણે અને સુરક્ષાના કારણે તેને વારે ઘડીએ રૂટ બદલીને કોર્ટ સુધી લઇ જવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઇને જેલની અંદર મળેલા ડ્રગ્સ ડીલરો દ્વારા પાકિસ્તાનથી ડ્રગ્સ કઈ રીતે આવે છે તે આખી લાઈન મળી હતી. જે બાદ લોરેન્સે ડ્રગ્સ મંગાવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હવે પાકિસ્તાનના કોણ કોણ કનેક્શનમાં છે તે શોધવા માટે એટીએસએ રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં આજે રિમાન્ડ મળ્યા છે.
જખૌના દરિયામાંથી 194 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું
ગુજરાત ATSએ સપ્ટેમ્બર 2022માં પાકિસ્તાનની ફિશિંગ બોટમાં જખૌના દરિયામાંથી 194.97 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ સાથે ડિલિવરી કરવા આવેલા પાકિસ્તાનના મોહમદશફી સિંધી, ઇમરાન સિંધી, મોહસીન શહેઝાદ સિંધી, જુહર કાઠિયાવાડી, મોહમ્મદ સોહેલ સિંધી અને કામરાન માઈગરની ધરપકડ કરી હતી. તમામ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
બંને આરોપીઓ ડ્રગ્સની ડિલિવરી લેવા આવ્યા હતા
આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, હેરોઈનનો જથ્થો પંજાબની જેલમાં રહેલા લોરેન્સ બિશ્નોઇએ પાકિસ્તાનથી અબ્દુલ્લા પાસે મંગાવ્યો હતો. અબ્દુલ્લા અને આ ગુનામાં વપરાયેલી બોટના માલિક જવિલ અહેમદે તેના ચાર માણસો મારફતે આ હિરોઈનનો જથ્થો પાકિસ્તાનના બલુચિસ્તાનના પસનીના દરિયા કિનારેથી ફાઇબરની સ્પીડ બોટ મારફતે પાકિસ્તાની બોટા અલ તયાસામાં ભરાવ્યો હતો. આ જથ્થાની ડિલિવરી જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇનવાળી બોટમાં કરવાની હતી અને આ હિરોઈનના જથ્થાની ડિલિવરી લેવા લોરેન્સ બિશ્નોઇના કહેવાથી ચીફ ઓબોન્ના જે નાઈઝીરિયન નાગરિક છે અને મેરા ઉર્ફે મિરાજ રહેમાની જે બંને એનડીપીએસના ગુનામાં પંજાબની અમૃતસર તથા કપૂરથલ જેલમાં છે તથા સાઉથ આફ્રિકન મહિલા બોગાની થાનીલડે ઉર્ફ અનિતાના કહેવાથી પકડાયેલા આરોપીઓ સરતાજ મલિક અને મોહમ્મદશફી ગુજરાતમાં કાર સાથે આવતા પકડાઈ ગયા હતા. આ બંને આરોપીઓ ડ્રગ્સની ડિલિવરી લેવા આવ્યા હતા.
લોરેન્સ બિશ્નોઇને ગુજરાત લાવવામાં આવ્યો
પાકિસ્તાનના 6 આરોપી અને ડિલિવરી લેવા આવેલા સરતાજ મલિક અને મહમંદશફી સિંગ જે દિલ્હીના રહેવાસી છે તેમને પોલીસ રિમાન્ડ જે તે સમયે મેળવીને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોરેન્સ બિશ્નોઇના મુખ્ય માણસ ચીફ ઓબોન્ના અને મેરાજ જે પાકા કામના કેદી તરીકે અમૃતસર તથા કપૂરથલા જેલમાં હતા જેમના કોર્ટમાંથી પ્રોડક્શન વોરન્ટ મેળવી બંને આરોપીઓને જેલમાંથી પોલીસે કબજો મેળવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરીને 14 સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આ ઉપરાંત આ ગુનામાં વોન્ટેડ આરોપી લોરેન્સ બિશ્નોઇની ધરપકડ કરી ગુજરાત લાવવામાં આવ્યો હતો જ્યાં આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી
લોરેન્સ બિશ્નોઇ પોલીસ કસ્ટડી દરમિયાન અનેક સવાલ કરવામાં આવ્યા હતા. હેરોઈનનો જથ્થો ખરેખર પાકિસ્તાનથી કોણે મોકલાવેલો હતો. હેરોઈન જથ્થાને ડિલિવરી લેવા ગુજરાતના દરિયામાં કોણ કોણ જવાના હતા. હેરોઈનના જથ્થાની ડિલિવરી ખરેખર કોને કોને અને કઈ કઈ જગ્યાએ કરવાનો હતો. પંજાબની જેલમાં હોવા છતાં અન્ય આરોપી મિરાજ અને ઓબોના સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યો. તેણે આ ગુનામાં વાપરેલો મોબાઈલ ફોન જેલમાં કેવી રીતે મળ્યો તથા મોબાઇલ અને સીમકાર્ડ હાલ ક્યાં છે. જેલમાં રહી પાકિસ્તાનથી કે બીજા કોઈ દેશમાંથી દરિયાઈ માર્ગે હિરોઈનનો જથ્થો ગુજરાતમાં મંગાવી તેના માણસોને કોને ડિલિવરી કરવાના હતા. આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય ડ્રગ રેકેટમાં આ ગુનામાં પકડાયેલા આરોપીઓ સિવાય બીજા કોણ કોણ ઈસમો સંડોવાયેલા છે. તે કોઈ આતંકવાદી સંગઠનો સાથે સંડોવાયેલા આવેલા છે કે કેમ, ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇનના ધંધામાંથી કોઈ મિલકત વસાવેલી છે કે કેમ તે તમામ અંગે કોઈ જવાબ આપ્યા નથી અને પોલીસ કસ્ટડીનો ટાઈમ પૂરો કરવાની કોશિશ કરી છે જેથી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
હિરોઈનનો જથ્થો કોના કોના કહેવાથી મંગાવ્યો
રિમાન્ડ મેળવવા અનેક કારણે છે જેમાં હિરોઈનનો જથ્થો કોના કોના કહેવાથી પાકિસ્તાનથી મંગાવ્યો હતો અને આ જથ્થાને ડિલિવરી કોને કોને અને કઈ કઈ જગ્યાએ કરવાનો હતો. પાકિસ્તાનથી મોકલનાર અબ્દુલ્લાનું પૂરું નામ, સરનામું, મોબાઈલ ફોન નંબર સહિતની માહિતી, પાકા ગામના કેદી હોવા છતાં જેલમાં બેઠા બેઠા અબ્દુલનો સંપર્ક કેવી રીતે કર્યો. આરોપીએ જેલમાં બેઠા બેઠા પાકિસ્તાન કે બીજા કોઈ દેશોમાંથી દરિયાઈ માર્ગે હેરોઈનનો જથ્થો ગુજરાતમાં મંગાવી તેના માણસો મારફતે અન્ય કોઈને ડિલિવરી કરી છે કે કેમ, આ ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે. મોબાઈલ ફોનની વિગત, આ ગુનામાં આફ્રિકન મહિલા બોગાની પણ સંડોવાયેલી છે જે હાલ ક્યાં છે. આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે 14 દિવસના રિમાન્ડની જરૂર છે.