રાજકોટ2 કલાક પહેલા
- કૉપી લિંક

મૃતક યુવાનની ફાઈલ તસવીર.
રાજકોટ શહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. 15 દિવસ પહેલા બનેલા હુમલાના બનાવમાં સારવારમાં રહેલા યુવકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં યુવકને ઢીકાપાટુ મારી લોખંડના દસ્તાના ઘા માથામાં ઝીંકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન ઇજાગ્રસ્ત યુવકે આજે સવારે સારવારમાં દમ તોડ્યો હતો. યુવકના મોતને કારણે પટેલ પરિવાર નોંધારો બન્યો છે. આ બનાવમાં અગાઉ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયેલ હુમલાની ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
પિતાએ હત્યારા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં કોઠારિયા રોડ પર મધુવન પાર્કમાં રહેતા અને 50 ફૂટ મેઇન રોડ પર પટેલ શેરી નં.3માં પટેલ વોટર સેલ્સના નામથી મિનરલ વોટરનો પ્લાન ચલાવતા નગીનભાઇ ગોંડલિયા (ઉં.વ.65)એ ગત 5 એપ્રિલના રોજ ભક્તિનગર પોલીસ મથક ખાતે પોતાના વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ ઉર્ફે મુન્નાફ કાસમ કુરેશી સામે હત્યાના પ્રયાસ અને હુમલાની ફરિયાદ નોંધાવી હતી.
હું જમવા બેઠો હતો અને વાત મળી મારા દીકરા પર હુમલો થયો
આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, 5 એપ્રિલના બપોરના સમયે તેઓ ઘરે જમવા માટે આવ્યા હતા ત્યારે પાડોશમાં રહેતી મહિલાએ તેઓના ઘરે આવી તેમનો દીકરો પરાગ (ઉં.વ.39) બહાર શેરીના ખુણે ઉભો છે અને તેઓની સાથે કોઇક માથાકૂટ કરી રહ્યું છે. જેથી નગીનભાઇ તુરંત જ બહાર ગયા હતા અને ત્યાં જઇ જોતા પરાગ સાથે ઘર નજીક જ રહેતા ઇસ્માઇલ ઉર્ફે મુનાફ કુરેશી માથાકૂટ કરી તેને ગાળો આપતો હોવાનું જાણવા મળતા તેઓ તુરંત જ ત્યાં પહોંચ્યા હતા અને બંન્નેને છોડાવવાની કોશિશ કરી હતી.
પહેલા મુનાફે પરાગને ઢીકાપાટુ મારી ઇજા પહોંચાડી
મુનાફે નગીનભાઇને પણ ગાળો ભાંડી સાઇડમાં રહેવાનું કહ્યું હતું. બાદમાં મુનાફે પરાગને ઢીકાપાટુ મારી ઇજા પહોંચાડી હતી અને પાસે જ રહેલ પીંજારાની દુકાનમાંથી લાકડી કાઢી પરાગને પડખા અને પગમાં મારતા ફસડાઇ પડ્યો હતો. જેથી નગીનભાઇએ વચ્ચે પડી મુનાફ પાસેથી લાકડી ઝૂંટવી લીધી હતી. જેના કારણે ઉશ્કેરાઇ ગયેલા મુનાફે ત્યાંથી પસાર થતી ખાંડણી, દસ્તો વેચતી મહિલાની રેંકડીમાંથી લોખંડનો દસ્તો ઉપાડી પરાગને માથા અને કપાળના ભાગે ઝીંકી દેતા લોહીલૂહાણ થઈ ગયો હતો. હુમલા બાદ મુનાફ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં નગનીભાઇ પરાગને રિક્ષામાં બેસાડી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
મુનાફે શેરીના નાકે આંતરી હુમલો કર્યો
આ ઘટનામાં ભક્તિનગર પોલીસ મથકમાં ઇસ્માઇલ ઉર્ફે મુનાફ સામે નોંધાયેલી ફરિયાદમાં બનાવનું કારણ આપતા નગીનભાઇએ જણાવ્યું હતું કે, પરાગને હોસ્પિટલ લઈ જતી વખતે હુમલાનું કારણ પૂછતા તેણે કહ્યું હતું કે, પોતે ઘરે જમવા આવતો હોય ત્યારે ઘરની શેરી પાસે મુનાફ ગાડી લઈને આગળ જતો હતો તેને હોર્ન મારવા છતાં તે સાઇડમાં નહીં જતા આગળથી તેની ઓવરટેક કરી હતી અને તેને ગાડી સાઇડમાં ચલાવવાનું કહી ત્યાંથી નીકળી ગયો હતો. જેથી ઇસ્માઇલે શેરીના નાકે તેને આંતરી હોર્ન કેમ મારતો હતો? તેમ કહી હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસે ઇસ્માઇલ ઉર્ફે મુનાફ સામે હત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
મૃતદેહને પીએમ માટે ખસેડાયો
દરમિયાન પરાગે આજે સવારે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. જેથી હુમલાનો આ બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને કરી હતી. જેથી સ્ટાફ જરૂરી કાર્યવાહી માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો.
બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી
મૃતક પરાગ તેમના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. તે પિતા નગીનભાઇ સાથે વોટર સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. પરાગના મોતથી માતા-પિતાએ દીકરો ગુમાવતા તેમનો આધાર છિનવાયો છે, જ્યારે બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.