શું તલાટીના સંમતિપત્ર ભર્યા બાદ ગેરહાજર ઉમેદવારો સામે કાર્યવાહી કરાશે?એકસાથે 15000થી વધુએ કર્યો બૌધ્ધ ધર્મમાં પ્રવેશ. | Will action be taken against the absent candidates after filling Talati's consent form? Together more than 15000 entered Buddhism. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Will Action Be Taken Against The Absent Candidates After Filling Talati’s Consent Form? Together More Than 15000 Entered Buddhism.

3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

8 વર્ષ પછી આરએસએસનું ગુજરાતમાં શક્તિ પ્રદર્શન

લોકસભાની વર્ષ 2024ની ચૂંટણી પહેલા ગુજરાતમાં RSS શક્તિપ્રદર્શન કરશે. આ શક્તિ પ્રદર્શન અમદાવાદ શહેરમાં થશે. RSS વડા મોહન ભાગવત પણ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદમાં 14-15 એપ્રિલે ગુજરાતમાં સંઘના કાર્યક્રમોમાં હાજરી આપશે. 14મી એપ્રિલે મોહન ભાગવત અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર સ્વયંસેવકો સમક્ષ સંબોધન કરશે.14 એપ્રિલે જીએમડીસી ગ્રાઉન્ડમાં સમાજ શક્તિ સંગમ કાર્યક્રમ યોજાશે. જેમાં 10 હજારથી વધુ સ્વયંસેવકો હાજર રહેશે. મહત્વનું છે કે, 8 વર્ષ પછી આરએસએસ ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે.14 એપ્રિલે મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ બે દિવસ રાજ્યની મુલાકાત લેશે. 14 અને 15 એપ્રિલ બન્ને દિવસ તેઓ સતત બેઠકો યોજશે. આ બેઠક બાદ 14 એપ્રિલે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે શક્તિ પ્રદર્શન કરશે. 10 હજારથી પણ વધુ કાર્યકરો- સ્વંયસેવકોને પણ સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જની સ્પષ્ટતા

તલાટીની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આગામી 7મે ના રોજ યોજાનાર તલાટીની પરીક્ષાને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી મોટી જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે, તલાટી પરીક્ષા માટે સંમતિપત્ર ભરવું ફરજિયાત છે. તેમણે પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોને વહેલી તકે સંમતિ પત્ર ભરવાની અપીલ કરી છે. આ સાથે કહ્યું છે કે, સંમતિ પત્ર ભર્યા બાદ પરીક્ષા ન આપનારા ઉમેદવાર સામે કોઈ કાર્યવાહી નહીં થાય. તલાટીની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારોએ આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને કન્ફર્મેશન ફોર્મ ભરવાનું રહેશે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજાશે. જોકે, ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે નહીં પરંતુ હવે 7 મે, 2023ના રોજ લેવાશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા તા.30-04-2023ના રોજ લેવાનું મંડળે આયોજન કર્યું હતું. પરંતુ પરીક્ષાની પ્રક્રિયામાં લાગનાર સમયને ધ્યાનમાં લઇ આ પરીક્ષા હવે તા.30-04-2023ના બદલે આગામી તા.07-05-2023ના રોજ લેવાનો રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેની વિગતવાર જાહેરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષામાં અંદાજે 17,10,386 ઉમેદવારો ભાગ લેવાના છે.

15 હજારથી વધુ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
આજે ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતી નિમિતે ગાંધીનગરમાં 15 હજારથી વધુ હિન્દુઓએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. સ્વંય સૈનિક દળ સંગઠનના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં 10 જેટલા રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં લોકો ગાંધીનગરના રામકથા મેદાનમાં પહોંચ્યા હતા.ગાંધીનગરના રામકથા મેદાનમાં સ્વયં સૈનિક દળ સંગઠન દ્વારા યોજાયેલા ધર્માંતર કાર્યક્રમમાં દેશના 10 રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં લોકો ધર્મપરિવર્તન માટે પહોંચ્યા હતા. ધર્માંતર પહેલા ગાંધીનગરમાં અડાલજથી ગાંધીનગર સુધીની રેલી યોજવામાં આવી હતી. ત્યારબાદ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સામહૂકિ બૌદ્ધ ધર્મ અંગીકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 15 હજારથી વધુ લોકોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.ગાંધીનગરમાં આયોજીત કાર્યક્રમમાં સ્વયં સૈનિક દળ સંગઠનના સ્વયં સૈનિક શૈલેષ ચૌહાણે કહ્યું હતું કે, આ કાર્યક્રમ કરવા પાછળનો હેતું માનવતાવાદી રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે. એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો હેતું છે કે, જેમાં માનવ-માનવ વચ્ચે ભેદ ન હોય, જાતિવાદ ન હોય.

બૌદ્ધ ધર્મ અંગીકાર સંદર્ભે શંભુનાથ ટૂંડિયાનું નિવેદન
આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન બૌદ્ધ ધર્મ અંગીકાર સંદર્ભે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ લાલસિંહ આર્ય અને શંભુનાથ ટૂંડિયાનું નિવેદન સામે આવ્યું છે. શંભુનાથ ટૂંડિયાએ કહ્યું છે કે, આઝાદ ભારતમાં ધર્મ પાલન માટે સ્વતંત્રતા છે પરંતુ જ્યારે ધર્મનું ધર્માંતરણ થાય તે બાબત ખોટી છે. આ સાથે લાલસિંહ આર્યએ અનુસૂચિત જાતિના લોકોના બૌદ્ધ ધર્મ અંગીકાર અંગે કહ્યું છે કે, એ રાજનીતિક દળો કે જેમની દુકાનો બંધ થઈ ગઈતે ભાજપ અને હિન્દૂ ધર્મને બદનામ કરે છે. શંભુનાથ ટૂંડિયાએ જણાવ્યું હતું કે, આઝાદ ભારતની અંદર વ્યક્તિએ કયો ધર્મ પાળવો, કયા ધર્મનો અંગીકાર કરવો, કઇ જીવનપદ્ધતિ અપનાવી, એની માટે કાયદાએ તેને છૂટછાટ આપી છે અને વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, ધર્મના અનુસરણ માટે. પરંતુ જ્યારે ધર્મનું ધર્માંતરણ કોઇ એવાં આક્ષેપ સાથે થાય છે કે, અહીં મારી સાથે આવા પ્રકારના અન્યાય છે તે આક્ષેપો તે વાહિયાત છે. સમાજની અંદર આવો ભ્રમ ફેલાવનારા જે તત્વો છે તેને પણ હું વખોડું છું. અનુસૂચિત જાતિના લોકોના બૌદ્ધ ધર્મ અંગીકાર અંગે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટીય પ્રમુખ લાલસિંહ આર્યએ પણ મોટું નિવેદન આપ્યું છે. લાલસિંહ આર્યએ કહ્યું છે કે, એ રાજનીતિક દળો કે જેમની દુકાનો બંધ થઈ ગઈ તે ભાજપ અને હિન્દૂ ધર્મને બદનામ કરે છે. આ સાથે તેમણે કહ્યું કે, અમુક કહેવાતા સંગઠનોની વિચારસરણી હિન્દૂ વિરોધી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કોઈ ષડયંત્ર છે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર પણ હોઇ શકે.

શિક્ષણનું ધામ બન્યું નશાનો અડ્ડો
રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળવાનો મામલે યુથ કોંગ્રેસ દ્વારા પ્લેકાર્ડ લઈને દેખાવો કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ મારવાડી કોલેજનાં ગેટમાં પ્લે કાર્ડ ચોંટાડ્યા હતા. તો ગેટ ખોલીને અંદર જતા મારવાડી કોલેજનાં સ્ટાફ અને યુથ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સાથે મહિલા સિક્યુરિટીને આગળ ધરી મીડિયાને પણ ધક્કે ચડાવાયા હતા. પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી છે કે કોલેજમાં આવા નશાકારક છોડનું વાવેતર કોણે કર્યું.રાજકોટમાં આવેલી કોલેજમાં ગાંજાના છોડ મળી આવવાને પગલે “મારવાડી કોલેજ કેફી પદાર્થોના ખેતી ઉત્પાદનનો અડ્ડો”, ” અવાર નવાર કેફી પદાર્થો, રેગિંગ, રંગ રેલિયામાં વિવાદમાં રહેતી મારવાડી યુનિવર્સિટીની માન્યતા રદ્દ કરો”, ” બાળકોને વ્યસની અને કુસંસ્કારી બનાવવા હોય તો મારવાડી યુનિવર્સિટીમાં એડમીશન લ્યો ” જેવા પ્લે કાર્ડ દર્શાવી યુથ કોંગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો હતો ત્યારે મહિલા સિક્યોરિટીને આગળ ધરીને મીડિયાને પણ ધક્કે ચડાવાયું હતું.રવાડી યુનિવર્સિટીમાં 52 દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આફ્રિકા અને નાઈજિરિયા દેશના વિદ્યાર્થીઓ ડ્રગ્સ જેવા નશીલા પર્દાથોનું સેવન કરતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. યુનિવર્સિટીના કેમ્પસમાં શંકાસ્પદ છોડ આવ્યા ક્યાંથી તેને લઈને અનેક સવાલ ઉભા થયા છે.

કાર ચાલકની ભૂલે લીધો મહિલાનો જીવ
નડિયાદના કોંકરણ વિસ્તારમાં એક મહિલાનું વાહન અકસ્માતમાં મોત નિપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અહીં પાર્ક કરેલી કારને કાર ચાલકે અચાનક પોતાની રોંગ સાઈડમાં ટર્ન લેતા ટુ વ્હીલર પર જતી મહિલા નીચે પટકાઈ હતી. ઘટનામાં રોડ પર મહિલા પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે. એક બે ઘડીના બેધ્યાનપણા અને બેજવાબદારી ભરી રીતે વાહન ચલાવવાનું કેટલું ગંભીર પરિણામ આવ્યું છે કે અહીં અઢી વર્ષના અને બીજા છ વર્ષના બાળકોએ પોતાની માતાને ગુમાવી દીધી છે.મળતી માહિતી અનુસાર, નડિયાદના વાણીયાવડ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય રોશનીબેન કે જેઓ વ્યવસાય આર્કિટેક છે તેઓ કોઈ કામ અર્થે પોતાનો ઈલેક્ટ્રીક સ્કૂટર લઈને બહાર ગયા હતા ગત સાંજે 7:30 વાગ્યા ની આસપાસ તેઓ ઉત્તરસંડા થી પોતાના એ સ્કૂટર પર પરત આવી રહ્યા હતા દરમિયાન કોંકરણ મંદિર પાસેના વિસ્તારમાં ઇમ્પિરિયર કોમ્પલેક્ષ પાસે એક કારે રોશની બેનના વાહનને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાવાને કારણે માથા પર ગંભીર ઈજાઓ પહોચી હતી. ઘટનાની જાણ થતા 108 વાન ધ્વારા રોશનીબેનને નડિયાદ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમનુ મોત નિપજ્યું હતુ. ઘટનાને પગલે મૃતક રોશની બેનના સસરા રાજેશ ભાઈ પરીખે નડિયાદ ટાઉન પોલીસ મથકે કાર ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

પાસપોર્ટ ઓફિસે લોકોને ધક્કે ચડાવ્યા
વડોદરાના નિઝામપુરામાં આવેલી પાસપોર્ટ ઓફિસ દ્વારા 14 એપ્રિલ આંબેડકર જયંતીની જાહેર રજાના દિવસે પાસપોર્ટ સહિતની કામગીરી માટેની અપોઈન્ટમેન્ટ આપી હતી. અપોઈન્ટમેન્ટ મળતા અનેક લોકો બાળકો સાથે પાસપોર્ટ ઓફિસ આવી પહોંચ્યા હતા. પાસપોર્ટ ઓફિસ દ્વારા મોડી રાત્રે 1 વાગ્યે અપોઈન્ટમેન્ટ રદ કરવાના મેસેજ કરવામાં આવ્યા હતા પરંતુ, મોડી રાત્રે આવેલા મેસેજ જોયા વગર જ વહેલી સવારે આવી ગયેલા લોકો અટવાઇ પડ્યા હતા અને સરકારના અંધેર વહીવટ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે આગામી સપ્તાહમાં આજની તારીખની એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરી આપવા માગ કરી હતી. પાસપોર્ટ ઓફિસ ખાતે કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પાસપોર્ટ સેવા કેન્દ્ર આવેલું છે. આ પાસપોર્ટ ઓફિસ દ્વારા લોકોને સરળતા રહે તે માટે અને ઓફિસ ઉપર ધસારો ન થાય તે માટે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરનારને ઓનલાઇન અપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે ત્યારે 14 એપ્રિલ-2023ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરની જાહેર રજા હોવા છતાં, આજની તારીખની અપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી.પાસપોર્ટ ઓફિસમાંથી મળેલી અપોઈન્ટમેન્ટની તારીખના પગલે પાસપોર્ટ સહિતની કામગીરી માટે આવનાર લોકોએ તૈયારી કરી લીધી હતી. એ તો ઠીક પાસપોર્ટ ઓફિસ દ્વારા સાંજના સમયે અપોઈન્ટમેન્ટની તારીખનો રિમાઇન્ડર મેસેજ પણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પાસપોર્ટ ઓફિસ દ્વારા રાત્રે 1 વાગ્યાના સુમારે એવો મેસેજ કરવામાં આવ્યો હતો કે, તા.14 એપ્રિલના રોજ જાહેર રજા હોવાથી અપોઈન્ટમેન્ટ રદ કરવામાં આવે છે.જો કે, સાંજે આવેલા એપોઇન્ટમેન્ટની તારીખ યાદ કરાવતો રિમાઇન્ડર મેસેજ આવતા મોડી રાત્રે 1 વાગે આવેલો મેસેજ કોઇએ જોયો ન હતો અને સ્વાભાવિક છે કે, મોડી રાતનો મેસેજ કોઇ જુએ નહિં. આથી અનેક લોકો પાસપોર્ટ ઓફિસથી મળેલા મેસેજના આધારે નિઝામપુરા પાસપોર્ટ ઓફિસ ખાતે પોતાના પાસપોર્ટ સહિતનાં કામ માટે વહેલી સવારથી આવી પહોંચ્યા હતા. કેટલાક બાળકો સાથે આવી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post