આણંદએક કલાક પહેલા
- કૉપી લિંક
આણંદ જિલ્લાની સૌથી મોટી તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીનું સોમવારના રોજ મતદાન થયું હતું. જોકે, 16 બેઠકો પૈકી સહકારી ખરીદ વેચાણ વિભાગની બે બેઠક પહેલથી જ બિનહરિફ જાહેર થઇ છે. જેથી 14 બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ચૂંટણીની મતગણતરી મંગળવારના રોજ યોજાઈ હતી. જેમાં ભાજપની ભવ્ય જીત નોધાઇ છે. જે કારણે સોજીત્રા પંથકમાં ભાજપ કાર્યકરો વિજયોત્સવની મગ્ન જોવા મળી રહ્યા છે.

તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વ્યવસ્થાપક મંડળ 18 સભ્યોનું બનેલું છે. જેમાં ખેડૂત વિભાગના 10, વેપારીમાં 4 અને સહકારી ખરીદ વેચાણના 2 પ્રતિનિધિ ઉપરાંત સ્થાનિક સંસ્થાના એક અને સરકારી પ્રતિનિધિ તરીકે વિસ્તરણ અધિકારીનો સમાવેશ થાય છે. આ 18 બેઠકમાં 16બેઠકની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં 2 બિનહરીફ થતાં 14 માટે સોમવારના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડૂત 276 મતદારો પૈકી 272એ મતદાન કર્યું હતું તેમજ વેપારી વિભાગમાં 129 મતદારો માંથી 125 મતદારો એ મતદાન કર્યું હતું.જેની મતગણતરી મંગળવારના રોજ હાથ ધરવામાં આવી હતી જેના પરિણામોમાં ખેડૂત પેનલના 10 માં થી 7 પર ભાજપનો વિજય નોંધાયો છે. વેપારી વિભાગની 4 બેઠક ભાજપ નો વિજય તેમજ તેલીબિયાં મંડળીની બે સીટ ઉપર પણ ભાજપનાં બે ઉમેદવારો બિનહરીફ બન્યા હતા.

તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપની જીતને વધાવતા સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સરકારમાં ખેડૂતો અને વ્યાપારીઓનો વિશ્વાસ વધ્યો છે. વળી વિધાનસભામાં 156 જેટલી બેઠકો ઉપર ઐતિહાસિક વિજય મળ્યો છે જ્યારે રાજ્યની 380 સહકારી સંસ્થામાંથી 320 સંસ્થાઓ ઉપર ભાજપના કાર્યકરો સત્તાધીશ છે.તારાપુર એપીએમસી ચૂંટણીમાં ખેડૂતો અને વ્યાપારીઓની પ્રચંડ સમર્થન ભાજપને મળ્યું છે જેથી આ ચૂંટણીમાં 16 માંથી 13 બેઠક ઉપર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે.
