અમદાવાદ9 કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ઈમ્પેક્ટ ફીને લઈને વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાને બદલે નિયત કરેલ ફી ભરીને બાંધકામ કાયદેસર કરી શકાય છે. આ વટહુકમને વડોદરાના એક અરજદારે હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
અગાઉ નોટિસ ફટકારી હતી
આ પિટિશનમાં અરજદારે આ કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો હતો. ઉપરાંત આ કાયદાનું પાલન કરનાર નાગરિકોને પીડિત ગણાવ્યા હતા. આ કાયદાને લઈને ગુજરાત હાઈકોર્ટે અગાઉ રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી. આ જ મુદ્દે આજે વધુ સુનવણીમાં ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ જનરલને નોટિસ ઇસ્યુ કરી છે. કાયદો તોડીને કરેલા બાંધકામોને નિયમિત કરી રાજ્ય સરકાર બંધારણીય માળખું હલાવી શકે નહીં તેવી અરજદારની દલીલ હતી.
16 જૂનના રોજ વધુ સુનવણી હાથ ધરાશે
અગાઉ અરજદારે દલીલ કરી હતી કે, ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાથી પર્યાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર શુ અસર થશે ? તેનો કોઈ સર્વે સરકાર દ્વારા હાથ ધરાયો નથી. અધિકારીઓની નિષ્ક્રિયતાથી આ પ્રકારનું ગેરકાયદે બાંધકામ થાય છે. બિલડર્સ અને ડેવલપર્સ ઇરાદાપૂર્વક આ રીતે કાયદો પાળતા નથી તેમ અગાઉ જણાવવામાં આવ્યું હતું. આ મુદ્દે આગળ 16 જૂનના રોજ વધુ સુનવણી હાથ ધરાશે.