મુંબઈ18 મિનિટ પહેલા
- કૉપી લિંક
- મેલ-એક્સપ્રેસ કે લોકલમાં શૂટિંગ કરવા માટે મુંબઈથી વલસાડ સુધી પરવાનગી
વૈશ્વિક વારસો ધરાવનાર, આકર્ષક સ્વરૂપમાં બાંધેલા રેલવે સ્ટેશનવાળી પશ્ચિમ રેલવેને વેબસીરિઝ, ફિલ્મોના શૂટિંગ થકી કરોડો રૂપિયાનું મહેસૂલ મળી રહ્યું છે. આર્થિક વર્ષ 2022-23માં ફિલ્મોના શૂટિંગ થકી પશ્ચિમ રેલવેને 1.64 કરોડ રૂપિયાનું મહેસૂલ મળ્યું છે.
પશ્ચિમ રેલવેએ ફિલ્મોના શૂટિંગ માટે વિવિધ પરિસર અને રેલવે ડબ્બા ઉપલબ્ધ કરી આપ્યા છે. પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેંટ્રલ ટર્મિનસ, ચર્ચગેટ મુખ્યાલય અને સ્ટેશન પરિસર, ગોરેગાવ સ્ટેશન, જોગેશ્વરી યાર્ડ, લોઅર પરેલ વર્કશોપ, કાંદિવલી અને વિરાર કારશેડ જેવા ઠેકાણા સાથે જ દોડતી મેલ-એક્સપ્રેસ કે લોકલમાં શૂટિંગ કરવા માટે મુંબઈ સેંટ્રલથી વલસાડ કે ગોરેગાવ દરમિયાન પરવાનગી આપવામાં આવે છે. તેથી આર્થિક વર્ષમાં પશ્ચિમ રેલવેના વિવિધ ઠેકાણા, રેલવે ડબ્બામાં ટીવી સીરિયલ, વેબસીરિઝ, ટીવી માટે વ્યવસાયિક જાહેરાતો સહિત 20 થી વધુ ફિલ્મોના શૂટિંગ કરવામાં આવ્યા. તેથી આર્થિક વર્ષ 2022-23માં વિક્રમજનક મહેસૂલ મળ્યું હોવાનું પશ્ચિમ રેલવે પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવેના સ્ટેશન ફિલ્મ, સીરિયલ, વેબસીરિઝ, જાહેરાતો અને ઓટીટીના શૂટિંગ માટે અત્યંત લોકપ્રિય લોકેશન બન્યા છે. શૂટિંગ માટે ઝડપથી પરવાનગી મળતી હોવાથી ફિલ્મોના શૂટિંગ થકી વિક્રમજનક કમાણી કરવામાં મદદ થઈ છે એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેના સ્ટેશન ફિલ્મ, સીરિયલ, વેબસીરિઝ, જાહેરાતોના શૂટિંગ થકી આર્થિક વર્ષ 2019-20માં 1 કરોડ રૂપિયાનું મહેસૂલ મળ્યું હતું. 2018-19માં 1.31 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી થઈ હતી. 2020-21માં કોરોના મહામારીના કારણે મહેસૂલમાં ઘટાડો થયો. 2021-22માં પશ્ચિમ રેલવેની આવક 67 લાખ રૂપિયા થઈ હતી. આર્થિક વર્ષ 2022-23માં સૌથી વધારે એટલે કે 1.64 કરોડ રૂપિયાનું મહેસૂલ પશ્ચિમ રેલવેને મળ્યું છે.