પોરબંદર4 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પંથકના હજારો બંધુઓ-ભગિનીઓ લગભગ બારસો વર્ષ પૂર્વે સપ્તમ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામેશ્વરમ્ નજીક મદુરાઈમાં જઈને વસ્યા હતા. સૌરાષ્ટ્ર-ગુજરાતનું એવરગ્રીન લોકનૃત્ય રાસ-ગરબા જેવું જ તમિલનાડુમાં ‘કુમ્મી નૃત્ય’ સ્વરૂપે પ્રસ્તુત થાય છે. સૌરાષ્ટ્રમાં મહાભારતકાલીન પાંડવોના સ્થાનો, પદચિહ્નોની જેમ તમિલનાડુના મહાબલીપુરમમાં પણ પાંડવોના નામ પરથી પાંડવરથ જેવું અદભૂત સ્થાન હોય છે. ભારતમાં ત્રણ જ અખાત, જેમાંથી બે સૌરાષ્ટ્રના પડોશમાં કચ્છનો અખાત અને ગુજરાતમાં ખંભાતનો એટલે ગુજરાતમાં છે અને ત્રીજો તમિલનાડુમાં મન્નારનો અખાત આવેલો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતને તામિલનાડુ સાથે અદભૂત લગાવ છે, સામ્ય પણ ગજબનું છે. આના જવાબો મળવાના શરુ થઇ ગયા છે અને તા. 17થી 30 એપ્રિલ 2023 દરમિયાન ઉજવાનારા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ થકી હજુ વધુ જવાબો ભવિષ્યમાં મળશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે સને 2005-2006માં તેમણે મન બનાવી લીધું હતું કે, બારસો જેટલાં વર્ષોથી સૌરાષ્ટ્રમાંથી મહાહિજરત કરીને તમિલનાડુમાં સ્થાયી થયેલા ભાઈ-બહેનોને પુન:સૌરાષ્ટ્ર સાથે જોડવા છે. આ માટે તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન સૂત્રધારોને આ કામ સોંપી દીધું અને એ દિશામાં અહર્નિશ મથામણ શરુ થઇ. એના પરિપાક રૂપે હવે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મુદ્રાલેખને અમલી બનાવી આગામી તા. 17થી 30 એપ્રિલ 2023 દરમિયાન ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. ભગવાન સોમનાથની પાવન ધરા છેય મુખ્ય સંગમસ્થાન ઉપરાંત પોરબંદર, દ્વારકા, રાજકોટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનશે સંગમ સ્થળો.
આટલા બધા સૌરાષ્ટ્રવાસીઓ કેમ છેક દક્ષિણ ભારતના કાંઠે એટલે કે લગભગ 2300 કિમી દૂર જઈને વસ્યા? એના પર ડોકિયું કરીએ. સને 1024માં સોમનાથ પર મહંમદ ગઝનીએ આક્રમણ કર્યું ત્યારે અને એ પછી સને 1300માં અલ્લાઉદ્દીન ખિલજીની આગેવાનીમાં વધુ એક આક્રમણ થયું ત્યારે હજારો સૌરાષ્ટ્રવાસીઓ પ્રભાસપાટણથી ખંભાત, ભરૂચ અને સુરતના દરિયાઈ માર્ગે પ્રારંભે મહારાષ્ટ્રમાં, એ પછી વિજયનગર સામ્રાજ્યનું આમંત્રણ મળતા ત્યાં અને બાદમાં તમિલનાડુના મદુરાઈના રાજવંશે આશરો આપતાં લગભગ 1500ની સાલથી ત્યાં જઈને વસ્યા હતા. વ્યક્તિ ગામડું છોડીને શહેરમાં, પરરાજ્યમાં કે પરદેશમાં વસે તો થોડી ભાષા, સભ્યતા, રિવાજમાં પરિવર્તન આવે એ સ્વાભાવિક છે, પણ પોતાની સંસ્કૃતિ, અસ્મિતા અને કળામાં બહુ બદલાવ આવતો નથી. સૌરાષ્ટ્ર તમિલ સમાજ આજેય સુરતની કલાકારીગીરી સાથે અતૂટ બંધન બાંધીને બેઠો છે.
સુરતની જેમ ત્યાં પણ ‘ઝરીવાલા’ પ્રખ્યાત છે. ગુજરાતનો ગરબો વિશ્વપ્રસિદ્ધ છે એ ખરું પણ તમિલનાડુનું ‘કુમ્મી’ નૃત્ય આપણા ગરબાની પ્રતિકૃતિ જ જોઈ લો! ‘કુમ્મી’માં મહિલાઓ રંગબેરંગી સાડી પરિધાન કરી, સજીધજીને ગોળાકારે ગોઠવાઈ જાય છે અને તાળીઓ પાડીને કુમ્મી ગીતો ગાય છે. આપણે જેમ માતાજીના ગરબા અને લોકગીતો ગાઈએ છીએ બિલ્કુલ એમ જ કુમ્મી ગીતો ગવાય છે.
‘કરગટ્ટમ’ નૃત્યમાં માથે ધાતુનું કે માટીનું વાસણ મુકીને એ લોકો નૃત્ય કરે છે. જે દૃશ્ય આપણને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવરાત્રિ વખતે માથે ગરબા લઈને ઘેર-ઘેર જતી ને ગાતી ‘એકનાના એકવીસ રે ગોરી ગરબો આવ્યો’વાળી બાલિકાઓની યાદ અપાવી જાય છે. ત્યાં ‘કાવડી અટ્ટમ’ નૃત્ય પુરુષો કરે છે. જેમ આપણા ગામડાંમાં નવરાત્રિ વખતે પુરુષો ગરબી લે છે અથવા કાનગોપી રમે છે.
સૌરાષ્ટ્ર તમિલનાડુ વચ્ચે વધુ એક સામ્યતા એ છે કે, સૌરાષ્ટ્રમાં ઠેરઠેર પાંડવો આવ્યાની કથાઓ-દંતકથાઓ મળે છે. ચોટીલા નજીકના થાનગઢ પાસે ત્રિનેત્રેશ્વરમાં અર્જુને દ્રૌપદી સ્વયંવર વખતે મત્સ્યવેધ કર્યાની કથા સુપ્રસિદ્ધ છે. ઉપલેટા નજીકના પાટણવાવ ગામના ઓસમ પર્વત પર પાંડવોના ચિહ્નો જેવાં કે ભીમની થાળી, ભીમ તળાવ, હેડંબાનો હીંચકો અને હેડંબાવન વગેરેની દંતકથા જાણીતી છે. આવી જ પાંડવોની યાદ તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી 60 કિમી દૂર પલ્લવ રાજાઓના તત્કાલીન પાટનગર મહાબલીપુરમમાં ‘પાંડવરથ’ નામે મળે છે. જે ત્યાંના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. પલ્લવ રાજાઓએ એક ચટ્ટાન કોતરીને પાંડવો અને દ્રૌપદીના નામ પરથી રથ બનાવ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્ત્વમાં તા. 17થી 30 એપ્રિલ 2023 દરમિયાન યોજાનારો ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ સતરંગી બની રહેશે. એમાં ચિત્રકલા, પરફોર્મિંગ આર્ટ્સ, સંગીત, નાટક, સાહિત્ય, સેન્ડ આર્ટ, પરંપરિત લોકગાયન, હસ્તકળા વગેરે વિવિધ કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિ અને સંસ્કાર ઉજાગર થશે. શિલ્પ, ભાષા, હેરિટેજ, શોપિંગ ફેસ્ટીવલ, કાપડ અને હેન્ડલૂમ, બિઝનેસ મીટ, પ્રદર્શન, રમત-ગમત, ગોષ્ઠિ, ગુજરાતી-તમિલ ભાષા પર ફન વર્કશોપ અને વાનગી સ્પર્ધા જેવા અલભ્ય આકર્ષણો સૌના મન મોહી લેશે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી અનેક નવી દિશાઓ ઉઘડશે. બન્ને પ્રદેશો વચ્ચેની બારસો વર્ષ જૂની યાદો આળસ મરડીને ઊભી થશે. આવતાં સેંકડો વર્ષો સુધી બન્ને વચ્ચેના અતૂટ સંબંધોના નવા પ્રકરણો દેશ અને દુનિયા જોવાની છે. તમિલનાડુના સૌરાષ્ટ્રીયનો માટે સૌરાષ્ટ્ર બનશે ‘પિયર’ તો સૌરાષ્ટ્રવાસીઓ માટે તમિલનાડુ બનશે એમનુ ‘બીજું ઘર’. સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંગે મદુરાઈના સૌરાષ્ટ્રીયન જયચંદ્રનજીએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં કહ્યું છે કે, હજાર વર્ષ પછી કોઈએ સૌરાષ્ટ્ર તમિલ સંબંધો વિશે વિચાર્યું છે.