વડોદરા3 કલાક પહેલા
- કૉપી લિંક

ડમ્પરો જપ્ત કર્યાં.
વડોદરા જિલ્લામાં નર્મદા નદીના પટ માથી રેતી ખનન-વહન કરનાર ભૂમાફિયા પર વહીવટી તંત્રએ તવાઇ બોલાવી છે અને ઓવર લોડેડ 18 રેતીના ડમ્પર, 43 ગેરકાયદે ચાલતી નાવડીયો જપ્ત કરી છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર પાસે લગ્નની કંકોતરી આપવા નીકળેલા આધેડનું ડમ્પરની અડફેટે મોત થયા બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તંત્ર યોગ્ય પગલા નહીં ભરે તો નારેશ્વરમાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ હરકતમાં આવેલા તંત્રએ આજે ખનીજ માફિયાઓ સામે કાર્યયાહી હાથ ધરી છે.
મનસુખ વસાવા લાલઘૂમ
ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા તટ ખાતે ભૂમાફિયા બેફામ બન્યા છે, રેતી માફિયાઓ ડમ્પર બેફામ ચલાવતા ભરૂચ તાલુકાના અસુરીયા ગામના રહીશ પરિવારમાં લગ્ન પ્રસંગની કંકોત્રી કરજણ સગા સબંધીઓને આપવા જઈ રહ્યાં હતાં, ત્યારે જ નારેશ્વર નજીક ડમ્પર ચાલકે તેઓને અડફેટે લઈ કચડી નાખ્યા હતા. આ ઘટનાને લઈને સાંસદ મનસુખ વસાવાએ ટ્વીટ કરી માફિયાઓને હજુ કેટલા ગરીબ પરિવારોની બલી લેશોની વાત કરી હતી.
ધરણાની ચીમકી ઉચ્ચારી હતી
ભરૂચના સાંસદ મનસુખ વસાવા આ મામલે જાણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કડક હાથે આ લોકો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે, છતાં પણ સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર બધાની સંયુક્ત જવાબદારી છે. પરંતુ,તમામ નિષ્ફળ ગયા છે. કેટલા નિર્દોષ લોકોનો ભોગ લેવાશે, એટલે મેં હિંમત કરીને આ રોકવા માટે કલેકટર ને પણ રજૂઆત કરી છે અને આ માતેલા સાંઢ સમાન ડમ્પર ચાલકો સામે કાર્યવાહી નહીં કરે તો હું નારેશ્વર ગામે જયાં અકસ્માત સર્જાયો હતો તે સ્થળે ધરણા પર બેસીશ
18 ડમ્પર ઓવરલોડેડ મળ્યા
આ ઘટના બાદ નર્મદા નદીના તટમાથી ભૂમાફિયા દ્વારા રેતી ખનન કરી નિયમોનો ભંગ કરી વહન કરતા હોવાની રજુઆતોને પગલે વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર તથા પોલીસ અધિક્ષક રોહન આનંદે આ બાબતે વહીવટી અધિકારીઓની ટીમ બનાવી ભૂમાફિયાઓ પર લગામ કસવા સૂચના આપી હતી. જે અનુસંધાને પ્રાન્ત અધિકારી કરજણ આશિષ મિયાત્રાના અધ્યક્ષ સ્થાને સર્ચની કામગીરી કરવાનુ આયોજન કરવામા આવ્યું હતું. જેના ભાગરૂપે ભૂસ્તરશાસ્ત્રી સુનીતા અરોરા તથા કરજણ પીઆઈ એ.કે.ભરવાડ તથા આરટીઓ સી.આર.પટેલ તમામ વહીવટી તંત્રની સંકલિત ટીમ બનાવી અલગ અલગ જગ્યઓએ રેતીના ડમ્પર ભરી નીકળતા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા. જે ચેકિંગ દરમિયાન 70 રેતી ભરેલ ડમ્પરોને ચેક કરતા તેમાથી 18 ડમ્પર જે ઓવરલોડ મળી આવ્યા હતા. જે 18 ડમ્પરોને ખાણ ખનીજ અધિકારી સુનીતા અરોરા દ્વારા સીઝ કરવામા આવ્યા છે, જેઓના ઓવરલોડની ક્ષમતા મુજબ તેઓની દંડનીય કાર્યવાહી કરવામા આવનાર છે.
દંડ વસૂલવામાં આવ્યો
વધુમા કરજણ પોલીસ દ્વારા રેતીના ડમ્પર ભરી નીકળેલ વાહન ચાલકોએ ટ્રાફીકના નિયમોનું પાલન નહી કરવા બદલ 50 વાહન પકડી રૂ. 24,500નો સ્થળ દંડ વસુલ કરવામા આવ્યો હતો આર.ટી.ઓ. દ્વારા રેતીના ડમ્પર ચાલકોને પકડી તે પૈકી નિયમો ભંગ કરનાર 35 વાહનોના મેમો બનાવી રૂ. 4,38,500નો સ્થળ દંડ વસુલ કરવામા આવ્યો છે.
43 નાવડીઓ સીઝ કરી
વધુમાં ભુસ્તર શાસ્ત્રી સુનીતા અરોરા દ્વારા ઓઝ, દેલવાડા, સાયર, કહોણા, ફતેપુરા, પુરા તથા સોમજ ગામમા નર્મદા નદીના પટમા ગેરકાયદે ચાલતી 43 નાવડીઓ સીઝ કરવામા આવી છે. જે બાબતે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આમ વહીવટી તંત્ર તથા પોલીસ દ્વારા ગેરકાયદે ચાલતા ભુમાફિયાઓ ઉપર કડક હાથે કાર્યવાહી કરવામા આવી છે તેમજ ભવિષ્યમા પણ અવાર નવાર સરપ્રાઇઝ ચેકિંગ કરી ગેરકાયદે ખનન-વહનની પ્રવૃતિ અટકવવામાં આવશે.