- Gujarati News
- Local
- Gujarat
- Panchmahal
- 1.98 Lakh Stolen From Residential House, Smugglers Abscond; Parked Bike Stolen By Unknown Vehicle Thieves; 6 Offense Of Land Grabbing Against Ismo
પંચમહાલ (ગોધરા)7 કલાક પહેલા
- કૉપી લિંક

રહેણાંક મકાનમાં 1.98 લાખની ચોરી કરી તસ્કરો ફરાર
ગોધરા શહેરના ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં આવેલા ઝકડિયા મસ્જિદ પાસે રહેતા યુસુફભાઈ શેખે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 31 તારીખે રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ તેઓના ઘરનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. અજાણ્યા તસ્કરોએ ઘરમાં રહેલી તિજોરી ખોલીને તિજોરીના ખાનાનું લોક તોડીને તિજોરીમાં મૂકેલા 1.48 લાખ રોકડ, રૂ. 35 હજારની કિંમતના સોનાના પેન્ડલ સાથે બે ચેઇન, તેમજ અન્ય દાગીના મળીને કુલ રૂ 1.98 લાખના મત્તાની ચોરી કરીને અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધીને અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
પાર્ક કરેલી બાઈકની અજાણ્યા વાહન ચોર ઉઠાંતરી કરી ગયા
પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મેઘામુવાડી ગામે રહેતા દિલીપકુમાર પટેલે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત ચાર તારીખે બપોરના સમયે તેઓ વાલૈયા ગામે આવેલા તેઓના બનેવીના ઘરે બાઈક લઇને આવ્યા હતા. વાલૈયા ગામે રેલવે ટ્રેક ઓળંગીને જવાનું હોવાથી તેઓએ ટુવા નજીક સવિતાબેન એન્ડ સન્સ પેટ્રોલિયમ સામેના કાચા રસ્તે સ્ટેરીંગ લોક કરીને બાઈક પાર્ક કરીને પોતાના બનેવીના ઘરે ગયા હતા. બાદમાં તેઓ પરત આવીને જોતા તેઓની બાઈક જોવા મળી ન હતી. જેને લઇને આસપાસ તપાસ કરવા છતાં બાઈક મળી ન આવતા તેઓએ કાંકણપુર પોલીસ મથકે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો
પ્રાપ્ત માહિતી અનુસાર, કાંકાણપુર પોલીસ મથકના પી.આઈ પી.એમ જુડાલને બાતમી મળી હતી કે, ગોધરા તાલુકાના ટીંબાના શંકર લહેરાના મુવાડા ગામે આવેલા અલગ અલગ રહેણાંક મકાનમાં જંગી વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે કાંકણપુર પોલીસમથકના સર્વેલન્સ સ્ટાફ પોસઇ એનઆર ઢોડિયા સહિત પોલીસ સ્ટાફ દ્વારા બાતમી મુજબના અલગ અલગ રહેણાંક મકાનોમાં છાપો મારવામાં આવ્યો હતો. પોલીસને રેડ દરમ્યાન મહેન્દ્ર પરમાર, સુરેન્દ્ર પરમાર અને અરવિંદ ઠાકોર નામના ત્રણ ઈસમોના ઘરમાં અનાજ ભરવાના પીપડામાં સંતાડેલો રૂ 2,19,776નો 1334 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે લીધો હતો. દારૂનો જથ્થો રાખનાર ત્રણ ઈસમો સહિત મંગળ ઠાકોર, હિતેશ ઠાકોર અને લાલા પરમાર નામના 6 ઈસમો સામે કાંકણપુર પોલીસ મથકે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો.
6 ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનો નોંધાયો
ગોધરા શહેરમાં આવેલા જૈન દેરાસરની બાજુમાં વ્હોરવાડ ટાંકીની સામે રહેતા મોહમ્મદ અબ્દુલ કાદિર ઉસ્માનીએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગોધરા તાલુકાના લિલેસરા ગામે જમીન સર્વે નંબર 116/22 ખાતા નંબર 1117ની તેઓની જમીન આવેલી છે. જે જમીનમાં 26/10/2015થી યાકુબ અબ્દુલ્લા હેબર્ટ નામના ઈસમની મદદથી સુરસિંગ રાઠવા, રામા રાઠવા, જામસિંહ રાઠવા, મુક્તિબેન રાઠવા અને મથુર રાઠવા નામના ઈસમોએ અનધિકૃત રીતે ગેરકાયદેસર રીત કબ્જો કર્યો હતો. તેમજ પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા જમીન ખાલી કરવાનો હુકમ કરવા છતાં જમીન ખાલી ન કરી જમીન પચાવી પાડતાં ફરિયાદ નોંધાવા પામી છે. ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે લેન્ડ ગ્રેબિગ કાયદા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.