બોટાદએક કલાક પહેલા
- કૉપી લિંક
- ગામમાં શાળાની સ્થાપના 1941માં થઇ હતી
બોટાદના રાણપુર તાલુકાનું ખોબલા જેવું રૂડું, રૂપાળું ગામ એટલે બોડિયા. મકાનો ભલે કાચા હોય પણ સંબંધો હંમેશા સાચા હોય છે. અબાલ વૃદ્ધ સૌનો સ્નેહ સભર આવકાર, સેવા, ભક્તિ અને યથાશક્તિ નાનકડું રજવાડું એટલે બોડીયા ગામ. દરેક શીર્ષકની પાછળ કોઈ ચોક્કસ ઇતિહાસ રહેલો હોય છે. જેમાં ઉપાધિ, વિશેષતા, લાગણી, ભેટ-સોગાદ, ઋણ સ્વીકાર કે કોઈ ક્રાંતિ છુપાયેલી હોય છે. આવી જ રીતે વઢવાણ સ્ટેટના ઋણમાંથી મુક્ત કરાવી જીતેલું ગામ 1 દરિયાદિલ ભાઈએ પોતાની બહેનને કાપડામાં ભેટ આપ્યું. તેથી ગામને માલાનું બોડિયા તરીકે નામકરણ થયું હતું
લોકવાયકાના આધારે એવું કહી શકાય છે કે રાજાશાહીના સમયમાં વઢવાણ સ્ટેટને ગીરવે આપેલું હતું. વિક્રમ સવંત 1683 માં ખસવાસે ખસ્સા લોકો પાસેથી યુદ્ધ કરીને દેવા ખાચર અને માંડલ ખાચર નામના 2 વ્યક્તિએ આ ગામને જીતી લીધું. અને આ બંને ભાઈની બહેનના લગ્ન વીરામાલા સાથે થતાં આ ગામને તેમના દ્વારા બહેનને ભેટમાં આપવામાં આવ્યું હતું. ત્યારથી આ ગામને માલાનું બોડિયા તરીકે ઓળખવામાં આવે છે.
આ ગામની વસ્તી અંદાજે 2500ની આસપાસ છે. ગામમાં પ્રાથમિક શાળાની સ્થાપના 15 જુલાઇ 1941ના દિવસે થઈ હતી. ત્યારથી આજ દિન સુધી શાળામાં ગામના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. અત્યારે બોડિયા પે. સેન્ટર શાળામાં 11 શિક્ષકો દ્વારા 330 જેટલા બાળકોને ક્ષમતાલક્ષી, આનંદમય, પ્રવૃત્તિમય તથા મૂલ્યલક્ષી શિક્ષણ અપાઈ રહ્યું છે. આજે વર્ગખંડમાં ભણતા બાળકો ઉત્તમ શિક્ષણ અને સાચી કેળવણી મેળવી ભારતના ભાવિ આદર્શ નાગરિક બનશે. ગામમાં યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને ગુજરાત પોલીસ, ઇન્ડિયન આર્મી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ તથા અન્ય સરકારી વિભાગોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.
સાથે ગામના ઘણા બધા યુવાનો પ્રાઇવેટ કે ખાનગી કંપનીઓમાં સારા પદ ઉપર નોકરી કરી રહ્યા છે અને પોતાની આજીવિકા રળી રહ્યા છે. ગામમાં ધી. બોડિયા સેવા સહકારી મંડળી લી. આવેલી છે. મંડળી ગામના તમામ સભાસદ ખેડૂતોને ધિરાણ આપવાનું તથા માર્ગદર્શન અને સલાહ સૂચન આપવાનું કામ કરી રહી છે. ગામમાં ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય ખૂબ સારી રીતે વિકસ્યો છે. ગામમાં ઘણા બધા ખેડૂતો અને માલધારીઓ પશુપાલન દ્વારા ડેરી ઉદ્યોગને વિકસાવી રહ્યા છે. જે અંતર્ગત ગામમાં 5 જેટલી ખાનગી ડેરીઓ દ્વારા દૂધ એકત્રીકરણ કરીને ઉપર મોકલવામાં આવી રહ્યું છે.
ડેરી ઉદ્યોગ, પશુપાલકો તેમજ ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવવામાં સહાયક બને છે. ગામમાં વિવિધ જ્ઞાતિના માણસો વસવાટ કરે છે. રામજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, ખોડીયાર મંદિર, મહાદેવ મંદિર અને વિવિધ મંડળો ધર્મ અને સંસ્કૃતિના સમન્વય સાથે ભારતીય પરંપરાઓનું વહન કરી રહ્યા છે. પરસ્પરના પ્રેમ, સહકાર, કરુણા અને સેવાની ભાવનાને કારણે વિવિધતામાં પણ એકતાનું પ્રતીક સમાન ગામ એટલે હાલનું બોડિયા.
ગામના પાદરે ત્યાગ અને શોર્યના પ્રતીક સમાન પાળિયા આવેલા છે
આ ગામના પાદરે ત્યાગ અને શોર્યના પ્રતીક સમાન પાળિયા આવેલા છે. જેમણે ગામના રક્ષણ કાજે આત્મ બલિદાન કર્યું છે. તેવા કાઠી અને રાજપૂતના વીર યુવાનો જ્યારે ગામ પર મુશ્કેલીના મંડાણ થતા ત્યારે પોતાના દેહને પણ યજ્ઞની આહુતિ સમજી પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. આવા વીરોની પવિત્ર ભૂમિ એટલે બોડિયા.