વડોદરા2 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડાપ્રધાનની “મન કી બાત” લોકોએ સાંભળી
વડાપ્રધાનની “મન કી બાત” કાર્યક્રમના 100માં એપિસોડને પ્રસારિત કરવા માટે વડાપ્રધાનની કર્મભૂમિ વડોદરા મહાનગર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક ન્યાય મંદિર ઇમારત ખાતે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ “મન કી બાત”ની 100મી કડીનું શ્રવણ સમૂહ સાથે બેસી કર્યું હતું.
બાગ-બગીચાઓમાં પણ આયોજન
શહેરના ઐતિહાસિક ન્યાય મંદિર સંકુલ સહિત, બાગ-બગીચાઓ, NGO, મલ્ટી પર્પઝ હોલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, શાળાઓ ઉપરાંત પોલીસ તાલીમ શાળા સહિત 2 હજાર સ્થળો ખાતે “મન કી બાત”ની 100મી કડીના જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ સહિત શહેરીજનોએ 100માં એપિસોડને વિશેષ આનંદની અનુભૂતિ સાથે સાંભળ્યો હતો.
વિવિધ ક્ષેત્રના લોકોએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો.
ન્યાય મંદિર ખાતે આયોજન
શહેરના ઐતિહાસિક ન્યાય મંદિર સંકુલ ખાતે મંત્રી બાબરીયા સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર નિલેશ રાઠોડ, શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ સહિતના પદાધિકારીઓ, પૂર્વ સૈનિકો, મૂકબધિરો, દિવ્યાંગજનો ઉપરાંત નગરજનોએ 100માં એપિસોડને વિશેષ આનંદની અનુભૂતિ સાથે સાંભળ્યો હતો. “મન કી બાત”ના 100માં એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સમક્ષ સામૂહિક પ્રયાસ, પ્લાસ્ટિકનો વપરાશ, વોકલ ફોર લોકલ, પ્રવાસન ક્ષેત્ર, બેટી બચાઓ બેટી પઢાઓ, નારીશક્તિ, એક ભારત શ્રેષ્ઠ ભારત સહિતના વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
મંત્રી સહિત શહેર ભાજપા અગ્રણીઓએ સાથે બેસી વડાપ્રધાનની મન કી બાત સાંભળી.
પોલીસ પરિવાર પણ જોડાયો
પોલીસ તંત્ર દ્વારા પોલીસ તાલીમ શાળા ખાતે આયોજિત ‘મન કી બાત’ કાર્યક્રમને નિહાળવા પોલીસ કમિશનર ડો. શમસેરસિંહ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો તથા મોટી સંખ્યામાં તાલીમાર્થી પોલીસ જવાનોએ પરિવારજનો સાથે ઉપસ્થિત રહી વડાપ્રધાનની “મન કી બાત” સાંભળી હતી.