હિંમતનગર31 મિનિટ પહેલા
- કૉપી લિંક
- સાડા પાંચ વર્ષ અગાઉની ઘટનામાં હિંમતનગર ચોથા અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો ચુકાદો
હિંમતનગરના તેજપુરામાં સાડા પાંચેક વર્ષ અગાઉ અપશબ્દો બોલવાની ના પાડવા મામલે યુવકને અને તેની માતાને લાકડીઓ ફટકારતા યુવકનું 13 દિવસ બાદ મોત થવાના કિસ્સામાં ચોથા અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા પિતા અને ત્રણ પુત્રોને બે વર્ષની કેદની સજાનો હુકમ કરવા સહિત કુલ 55000 ચુકવવા આદેશ કર્યો હતો.
તેજપુરામાં રહેતા ગોવિંદભાઈ ધનાભાઈ ચેનવાના ઘર આગળ તા. 19-09-17 ના રોજ રાત્રે 8:15 કલાકે તેમના ગામનો સંજયભાઈ માનાભાઈ ચેનવા અપશબ્દો બોલતો જઈ રહ્યો હોય મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ ચેનવાએ અપશબ્દો બોલવાની ના પાડતા સંજયભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને બૂમાબૂમ થતા તેના પિતા માનાભાઈ કોદરભાઈ ચેનવા તથા ભાઈઓ ભાવેશભાઈ માનાભાઈ ચેનવા અને જેણાભાઈ ઉર્ફે સુરેશભાઈ માનાભાઈ ચેનવા લાકડીઓ લઈ આવી ગયા હતા અને સંજયભાઈએ મહેન્દ્રભાઈના માથામાં લાકડી ફટકારતા કાનની ઉપરના ભાગે ઇજાઓ થઈ હતી.
તેની માતા સંતોષબેન બચાવવા વચ્ચે પડતાં માનાભાઈ કોદરભાઈએ લાકડી ફટકારી હતી અને ભાવેશભાઈ તથા જેણાભાઈએ પણ લાકડીઓ ફટકારી હતી ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઈને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે લઈ જવાયા બાદ ઘટનાના 13મા દિવસે મહેન્દ્રભાઈનું મોત નિપજ્યું હતું.
આ અંગેનો કેસ હિંમતનગરના ચોથા અધિક જ્યુડી.મેજી.ફ. ક. અર્પિત અતુલભાઇ જાની સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એસ.ડી.વાઘેલાએ રજૂ કરેલ તબીબી પુરાવા સાક્ષીઓની જુબાની વગેરે ગ્રાહ્ય રાખી તમામ ચાર જણાને બે વર્ષની કેદ અને માનાભાઈ કોદરભાઈ ચેનવાને 248(2) અન્વયે કલમ 325ના ગુનામાં ₹10,000 સંતોકબેન ગોવિંદભાઇ ચેનવાને અને બાકીના ત્રણ જણાને ભોગ બનનારની પત્ની નીરૂબેન મહેન્દ્રભાઈ ને 15-15 લેખે કુલ રૂપિયા 55000 ચૂકવવા હુકમ કર્યો હતો