ગાંધીનગર12 મિનિટ પહેલાલેખક: દિલીપ પ્રજાપતિ
- કૉપી લિંક
ફાઈલ તસ્વીર
- છેલ્લા એક મહિનાથી એપ્લિકેશનમાં સમસ્યા સર્જાતા આરટીઓમાં આવતા અરજદારોને ધક્કો
પાટનગરની આરટીઓ કચેરીમાં રોડ અને ટ્રાન્સ્પોર્ટ વિભાગની પરિવહન સાઇટમાં સમસ્યા સર્જાવાથી બે દાયકા પહેલાના અરજદારોનો ડેટા બેંકલોગ થઇ શકતો નથી. પરિણામે અનેક અરજદારોને ધરમધક્કો થઇ રહ્યો છે. છેલ્લા એક મહિના જેટલા સમયથી ગાંધીનગર આરટીઓ કચેરીમાં આવતા અરજદારો નિસાસા નાખીને પરત જઇ રહ્યા છે, જોકે આ સમસ્યા સમગ્ર રાજ્યની આરટીઓ કચેરીમાં થઇ રહી છે અને હજુ પણ સમસ્યાનુ સમાધાન ક્યારે આવશે તે કોઇ કહી શકતુ નથી.
રાજ્યની આરટીઓ કચેરીમાં છેલ્લા એક મહિનાથી બેંકલોગની કામગીરી અટકી થઇ ગઇ છે. રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગની પરિવહન સાઇટ ઉપર ઓનલાઇન કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ હાલમાં કામગીરી બંધ હોવાના કારણે અનેક અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે.
રાજયની મોટાભાગની આરટીઓ કચેરી પેપરલેસ બનાવવામાં આવી છે. ત્યારે બે દાયકા પહેલાનુ લાયસન્સનો ડેટા ઓનલાઇન સાઇટ ઉપર અપલોડ કરવામાં આવ્યો ન હોય તેવા કિસ્સામાં ફરીથી તે લાયસન્સમાં સુધારો કરવાનો હોય તો થઇ શકતો નથી. તે ઉપરાંત અરજદારોને લાયસન્સ રીન્યુઅલની એક વર્ષની મુદત પુરી થાય તેવા કિસ્સામાં અરજદારોને નવુ લાયસન્સ કઢાવવાની નોબત આવશે.
બેકલોગ નહીં થવાના કારણે અનેક કામગીરી અટકી ગઇ
રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા પરિવહન સાઇટ ઉપર બેંકલોગની કામગીરી થઇ શકતી નથી. જેમાં મુખ્યત્વે જો કોઇ અરજદારનુ લાયસન્સ રીન્યુ કરાવવાનુ હોય અને તેનો ડેટા પહેલાથી ઓનલાઇન થયેલો ના હોય તો કામગીરી થઇ શકતી નથી. જ્યારે સરનામુ બદલવુ, ફોટો બદલવો, નામમાં સુધારો કરવો, ડુપ્લીકેટ લાયસન્સ કઢાવવુ, ટુ વ્હીલરનુ લાયસન્સ હોય અને ફોર વ્હીલરનુ કરાવવાનુ જેવી કામગીરી થઇ શકતી નથી.
આરટીઓ કચેરીમાં અંદાજિત 500 અરજી પેન્ડિંગ
આરટીઓ કચેરીમાં છેલ્લા એક મહિનાથી અંદાજિત 500 જેટલી અલગ અલગ કામગીરીની અરજીઓ પેન્ડીંગ પડેલી છે. ખરાબ થયેલી એપ્લીકેશનને ઝડપી સુધારવામાં આવે તેવી અરજદારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આરટીઓ કચેરીમાં પેપરલેસ કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્યની તમામ આરટીઓ કચેરીઓમાંથી પેપર હટાવી દેવામાં આવ્યા છે અને ઓનલાઇન કામગીરી ઉપર ભાર મુકવામાં આવ્યો છે. પરંતુ ઓનલાઇન કામગીરીમાં સમસ્યા સર્જાયા પછી અરજદારોને ધક્કા ખાવા પડે છે. આરટીઓ કચેરીમાં આધારનંબરના આધારે ફેસલેસ સિસ્ટમ કામ કરે છે.