અમદાવાદ4 કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ગોતા, સોલા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં LIG પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2000થી વધુ મકાનોનો ડ્રો આગામી 15 દિવસમાં કરવામાં આવશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં છેલ્લા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનો ડ્રો બાકી હતો, જે ક્યારે કરવામાં આવશે? તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી 15 દિવસમાં આ મકાનોનો ડ્રો કરવા અંગે જણાવવામાં આવ્યું હતું, જેથી હવે LIG મકાનોનો ડ્રો થતાં તેમને મકાનો ફાળવવામાં આવશે.
2000 તૈયાર મકાનોનો ડ્રો થશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદમાં LIGના મકાનો બનીને તૈયાર છે, જેના ડ્રો કરવાના બાકી છે. આ મામલે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી અને કમિશનરને આ ડ્રો કરવા બાબતે જણાવવામાં આવ્યું હતું. જેથી તેઓએ કહ્યું હતું કે, આગામી 15 દિવસમાં આ તમામ મકાનોનો ડ્રો કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 2000 જેટલા મકાનોનો ડ્રો કરવામાં આવનાર છે અને આ ડ્રો થયા બાદ લોકોને મકાન મળશે.
આગામી ત્રણ વર્ષમાં બ્રિજ તૈયાર કરવાનું આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના સૌથી વ્યસ્ત જંકશન એવા નરોડા અને વાડજ ચાર રસ્તા તેમજ સતાધાર ચાર રસ્તા પર બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. અંદાજે 600 કરોડથી વધુના ખર્ચે બનનારા આ ત્રણેય બ્રિજના ખાત મુહૂર્ત આગામી 15 મે પહેલા કરવામાં આવશે. આ ત્રણેય જંકશન પર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી, આગામી ત્રણ વર્ષમાં આ બ્રિજ બનીને તૈયાર થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
એર કવોલિટી ઇન્ડેક્ષમાં સુધારો કરવા માગ
અમદાવાદ શહેરમાં હવા પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા માટે થઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ કામગીરી માટે નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત વર્ષ 2022-23ની ગ્રાન્ટમાંથી 71.25 કરોડ રુપિયાની ફાળવણી કરવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી હતી. જેનો વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના સત્તાધીશો અમદાવાદ શહેરની પ્રજાને શુદ્ધ હવા આપવામાં પ્રદૂષણ ઓછું કરવાની જરૂરી નક્કર કાર્યવાહી કરવી જોઇએ. એર કવોલીટી ઇન્ડેક્ષમાં કોઇ મહત્તમ સુધારો નથી થયો અને ૨કમ વેડફાઇ ગઈ છે. શહેરનો એર કવોલિટી ઇન્ડેક્ષમાં સુધારો થાય તે માટે આ ગ્રાન્ટની રકમ માત્રને માત્ર હવા પ્રદુષણ ઓછું કરવા પાછળ જ વાપરી એર કવોલિટી ઇન્ડેક્ષમાં સુધારો થાય તેવા કામો માટે ખર્ચ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
દેશના ટોપ 50 શહેરોમાં અમદાવાદ નથી
વધુમાં આક્ષેપ કર્યો છે કે, શહેરમાં હવા પ્રદૂષણ ઓછું કરવા માટે ફાળવેલ નાણાં અન્ય કાર્યોમાં વાપરી નાખવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ શહેરને જે ગ્રાન્ટ આપવામાં આવી હતી જેની ગાઈડલાઈન મુજબ માપદંડ નક્કી કરવામાં આવી છે (1) એર પોલ્યુશન બાબતે જવાબદાર સ્ત્રોત શોધવા (2) એર પોલ્યુશન ઓછું કરવાના ઉપાયો શોધવા (3) એર પોલ્યુશન ઓછું થયું કે નહી તે નિયમિત ચેક કરવું તેની કોઇ નક્કર કામગીરી થતી જ નથી. જેને કારણે એર કવોલીટી ઇન્ડેક્ષ દિનપ્રતિદિન ઉંચો થતો ય છે. એર કવોલીટી ઇન્ડેક્ષમાં હાલ દેશના ટોપ 50 શહેરોમાં પણ અમદાવાદ નથી.