દયાપરએક કલાક પહેલા
- કૉપી લિંક
- ભાસ્કરના અહેવાલ બાદ શિક્ષણાધિકારીએ કહ્યું ટેન્ડર પ્રક્રિયા શરૂ
- 2019માં વર્ગખંડો માટે રજૂઆત કરી હતી પણ કોઇ કાર્યવાહી નહીં
લખપત તાલુકાની કલરાવાંઢ પ્રાંથમિક શાળાની છેલ્લા પાંચ વર્ષથી ઇમારત ન બની હોવાથી બાળકો ખુલ્લામાં જમીન પર બેસી અભ્યાસ કરી રહ્યા છે. અા અંગેના સમાચાર ભાસ્કરમાં પ્રકાશિત થતા તંત્ર હરકતમાં અાવ્યું છે. પણ કચ્છની શિક્ષણ કચેરી લાજવાને બદલે ગાજતી હોય તેમ બાળકો માટે નવા રૂમ ક્યારે બનશે તેની કોઇ તારીખ જણાવવાને બદલે હજુ તો ટેન્ડર પ્રક્રિયા કરવામાં અાવી છે અને તે પૂર્ણ કર્યા બાદ વર્ગખંડ બાંધવામાં અાવશે તેવુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી દાવો કરી રહ્યા છે !
ચોંકાવનારી વાત અે છે કે કલરાવાંઢ પ્રા. શાળાની સ્કુલ મેનેજમેન્ટ કમિટીઅે છેક તા. 14-02-2019ના જ સર્વ શિક્ષા મિશનને બાળકો માટે બેસવાની વ્યવસ્થા નથી અને વર્ગખંડ મંજૂર કરવા વિનંતી કરી હતી. તેની નકલ તાલુકા શિક્ષણ અધિકારી અને બીઅારસી દયાપરને પણ અપાઇ હતી. ત્યારબાદ મુરચબાણ (કલરાવાંઢ)ના ગામલોકોઅે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ગામની સમસ્યાઅોની સાથે પ્રા. શાળામાં પાણી, મકાન જેવી સુવિધા ન હોવાની લેખિત રજૂઅાત કરી હતી. ત્યારે પણ નકલ ટીપીઇઅો અને ડીપીઇઅોને અપાઇ હતી. રજૂઅાતને પગલે શિક્ષણમંત્રીના કાર્યાલયમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવને તા. 24-8-2018માં યોગ્ય કાર્યવાહી કરવા સુચના અાપી હતી. અામ મંત્રીની સુચના બાદ પણ કચ્છ અને રાજ્યનું શિક્ષણ વિભાગ કલરાવાંઢમાં વર્ગખંડ બનાવી શક્યું નથી.
હવે ભાસ્કરઅે અા અંગે અહેવાલ પ્રકાશિત કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઅે જણાવ્યું છે કે કલરાવાંઢની શાળામાં વિકાસશીલ તાલુકા 2021-22 હેઠળ નવીન વર્ગખંડના બાંધકામ માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં અાવી છે. અામ જિલ્લા શિક્ષણાધિકારીઅે પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે તેનો કોઇ ફોડ પાડ્યો ન હતો.