પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા
- કૉપી લિંક

પૈસા નહિ આપે તો અમે તને ઘરમાં નહિ રહેવા દઈએ…
ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં રહેતી અને નોકરી કરતી પરિણીતાને તેના પતિએ પૈસાની માગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપી તેમજ સાસરિયાઓ દ્વારા પણ ત્રાસ અપાતા આખરે પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના ગુણેલી ગામે રહેતા 27 વર્ષીય પરિણીતાના ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં આવેલ ઘનશ્યામ કોમ્પલેક્ષમાં રહેતા સંદીપ રાઠોડ સાથે 2018માં લગ્ન થયા હતા. લગ્ન થયા બાદ તેઓના પતિ સંદીપ રાઠોડ, સસરા લક્ષ્મણ રાઠોડ, સાસુ સરોજ રાઠોડ, નણંદ પારૂલ સોલંકી અને નણંદોઈ રવી સોલંકી તેઓને જણાવતા હતા કે, તું આટલું ભણેલી છે તો નોકરી કેમ કરતી નથી. તેમ કહીને નોકરી કરવા માટે દબાણ કર્યું હતું.
બાદમાં પરિણીતાએ નોકરી શરૂ કરતાં તું ઘરમાં દર મહિને ઘરખર્ચ માટે પૈસા આપ, પૈસા નહિ આપે તો અમે તને ઘરમાં નહિ રહેવા દઈએ તેમ કહીંને તમામે ભેગા મળીને પરિણીતા સાથે ઝઘડો કર્યો હતો. વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, તેઓના પતિ સંદીપ રાઠોડ તેઓને કહેતા હતા કે, હું ગુજરાતી ફિલ્મોમાં કામ કરું છું એટલે મારે આઇફોન અને બુલેટ બાઈક લેવાનું હોવાથી પૈસા જોઈએ છે. જેથી મને તારું ATM કાર્ડ આપ, જેને લઇને પરિણીતાએ ATM કાર્ડ ન આપતા સંદીપ રાઠોડે ધમકી આપીને જણાવ્યું હતું કે, તું મને ATM કાર્ડ નહીં આપે તો હું તને છૂટાછેડા આપી દઈશ.
તેમ જણાવીને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ પરિણીતાના સસરા પણ પરિણીતાએ અપશબ્દો બોલીને મારઝૂડ કરતા હતા. તેમજ તમામ સાસરિયાઓ ભેગા મળીને ઘરકામ બાબતે બોલાચાલી કરીને પરિણીતાને છાતીના ભાગે, કમ્મરના ભાગે તેમજ શરીરે ગડદા પાટુંનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવોથી પરિણીતાએ કંટાળી જઈને આખરે સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતાની તપાસને આધારે સાસરિયાઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના બે બનાવો…
પંચમહાલ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન શહેરા અને રાજગઢ પોલીસ મથકની હદમાં આવેલ અકસ્માતના બે બનાવવામાં બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા.
પ્રથમ બનાવ સંદર્ભે શહેરા તાલુકાના કેળ નાયક ફળિયામાં રહેતા અખા રયજીભાઈ નાયક એ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે શહેરામાં આવેલા કેળ નાયક ફળિયામાં રહેતા ભગવાન અખાભાઈ નાયક રાત્રીના સમયે કોઈ પણ અગમ્ય કારણોસર પોતાની જીવન લીલા સંકેલી લઇ જીવનને અલવિદા કરી હતી.

બીજા બનાવ સંદર્ભે ઘોઘંબા તાલુકાના રવેરી ગામે રહેતા રમણ મોહનભાઈ રાઠવા એ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી એક અઠવાડિયા પહેલા એક બજાજ કંપનીની પલ્સર મોટર સાઇકલના ચાલકે પોતાની બાઇક બેફામ હંકારી લાવી રોડ ઉપર ચાલતા જઈ રહેલા મડિયા મોહનભાઈ રાઠવાને અડફેટે લેતા માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ એક અઠવાડિયાની ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. જ્યારે બાઈક ચાલક પોતાની બાઇક લઇ નાસી ગયો હતો.