મોરબી2 કલાક પહેલા
- કૉપી લિંક

મોરબી શહેરના લીલાપર રોડ પર આવેલા પેપરમિલમાં ભીષણ આગ ફાટી નીકળતા રવિવારે સાંજથી મોરબી અને રાજકોટની ફાયર ટીમો સતત દોડધામ કરી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી હતી અને સોમવારે સાંજે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી
રાજકોટ અને મોરબીની પાંચ ટીમોએ મળીને આગ પર કાબુ મેળવ્યો
મોરબીના લીલાપર રોડ પર આવેલ સોમનાથ પેપરમિલમાં રવિવારે સાંજના સુમારે આગ ફાટી નીકળતા મોરબીના 02 અને રાજકોટનું 01 એમ કુલ 03 ફાયર ટીમો દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યા હતા. જોકે પેપરમિલ ફેકટરીના ગ્રાઉન્ડમાં પડેલ રો મટીરીયલ્સની ગાંસડીમાં આગ લાગી હોય જેથી આગ વિકરાળ બની હતી અને મોડી રાત્રી સુધી આગ પર કાબુ મેળવી શકાયો ના હતો અને સોમવારે રાજકોટ અને મોરબીથી વધુ ટીમો બોલાવી ફાયરની કુલ 05 ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે સવારથી પ્રયત્ન ચાલુ રાખવામાં આવ્યા હતા અને સોમવારે મોડી સાંજે આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
મોરબી અને રાજકોટની 05 ટીમોએ મળીને 24 કલાક કરતા વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. તો ફેકટરીના ગ્રાઉન્ડમાં પડેલા રો મટીરીયલ્સની ગાંસડીઓ બળીને ખાખ થવા પામી હતી. જેથી મોટું નુકશાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, જોકે હાલ નુકશાનીનો આંક સ્પષ્ટ થયો નથી.