પંચમહાલ (ગોધરા)37 મિનિટ પહેલા
- કૉપી લિંક

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારીયાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યો તથા જિલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન, ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી. ચુડાસમાએ ગત તથા અગાઉની મિટિંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલી કામગીરીની પ્રગતિ, એક્શન ટેકન રીપોર્ટ, જે તે કચેરીને સીધી મળેલી પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો-સિધ્ધીઓ, લોકાભીમુખ વહીવટ, નાગરીક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે તેમણે સ્વાગત સપ્તાહ અંતર્ગત ગ્રામ્ય લેવલે લોકોના વિવિધ પ્રશ્નોને સ્વીકારી આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, નિમીષા સુથાર અને ફતેહસિંહ ચૌહાણ દ્વારા ગત વિવિધ પ્રશ્નો બાબતે વિવિધ ખાતાઓએ કરેલી કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં અગાઉના વીજળી, બેંક, પેન્શન અને જમીનને લગતા પ્રશ્નો બાબતે થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કામિની સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
