ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કુલમાં મોંધાભાવે પુસ્તકો ખરીદવા વાલીઓ પર દબાણ, માર્કેટ કરતાં 3-4 ગણા ભાવ વસૂલે છે | Parents pressured to buy books and notebooks from Calorex Skulma book stall in Ghatlodia | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

સ્કૂલનું કામ શિક્ષણ પૂરુ પાડવાનું છે પરંતુ, સ્કૂલોએ હવે શિક્ષણને વેપાર બનાવી દીધો છે. સ્કુલો પુસ્તક વિક્રેતાઓ સાથે મળીને પુસ્તકોનો વેપલો કરી રહી હોવાનુ સામે આવ્યુ છે. ઘાટલોડિયા ખાતે આવેલી કેલોરેક્સ પબ્લિક સ્કુલમાં મળતીયા પાસેથી જ બુક્સ નોટબુક અને અન્ય સ્ટેશનરી ખરીદવા માટે આગ્રહ કરાતો હોવાનો આક્ષેપ વાલીએ કર્યો છે.

3 થી 4 ગણા પૈસા વસૂલી રહ્યા છે
વાલીએ આક્ષેપ કર્યો કે, ‘જે ચીજવસ્તુ માર્કેટમાં ઓછા ભાવે મળી રહી છે, તે જ ચીજવસ્તુ સ્કુલમાંથી મોંધા ભાવે ખરીદવા માટે વાલી પર દબાણ કરવામા આવે છે. જે 100 પાનાની નોટબુકનો ભાવ માર્કેટમાં 25 રૂપિયા છે તે જ નોટબુક સ્કુલમાંથી 65 રૂપિયામા વેચાણ કરવામા આવી રહ્યુ છે. આ સિવાય 200 પાનાની નોટબુકનો ભાવ માર્કેટમાં 35 થી 55 રૂપિયામાં મળી રહી છે, તેના માટે સ્કુલમાંથી 90 રૂપિયા વસુલવામા આવી રહ્યા છે એટલે બહાર કરતા સ્કૂલમાં 3 થી 4 ગણા પૈસા વસુલવામાં આવી રહ્યા છે.

વાલીઓએ પુસ્તકો માટે જ 7 હજાર રૂપિયા ખર્ચવા પડે છે
માર્કેટમાં મળતી સસ્તી વસ્તુ વાલીઓ મળતીયા પાસેથી મોંધાભાવે ખરીદવા મજબુર કરવામાં આવી રહ્યા છે. માર્કેટમાં 25 થી 30 રૂપિયામા મળતી 100 પાનાની નોટબુક મળતીયા 65માં વેચે છે. માર્કેટમાં 35થી 60માં મળતી નોટબુક મળતીયા 90 રૂપિયામાં વેચે છે. NCERT ઉપરાંત ખાનગી પ્રકાશનો ખરીદવા પણ વાલી પર દબાણ ગુજરાતી ભાષાની જ 3-3 પુસ્તકો વાલીઓ પાસે મંગાવાય છે. ખાનગી પ્રકાશનો માટે પણ વાલી 225 થી 496 રૂપિયા ખર્ચવા મજબુર થયા છે. વાલીએ માત્ર પુસ્તકો માટે 7 હજાર રૂપિયા સુધી ખર્ચવા પડી રહ્યાં છે.

સ્કૂલનો સંપર્ક ન થયો
નોટબુક જ નહી પરંતુ, NCERTની ચોપડી ઉપરાંત ખાનગી પ્રકાશનોના પુસ્તકો પણ ખરીદવા માટે દબાણ કરવામા આવી રહ્યુ છે. સ્કુલ દ્વારા 250 રૂપિયાથી 496 રૂપિયા સુધીની ખાનગી પ્રકાશનની પુસ્તકો ખરીદવા માટે જણાવવામા આવે છે, જે ગેરવ્યાજબી છે. દિવ્યભાસ્કરે સ્કૂલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, સંપર્ક થઈ શક્યો ન હતો.

ફરજિયાત સ્કૂલમાંથી જ બુક ખરીદવાનો આગ્રહ
રાજીવ પટેલ નામના વાલીએ જણાવ્યું હતું કે, ‘મારો દીકરો 2 વર્ષથી સ્કૂલમાં ભણી રહયો છે. 2 વર્ષથી સ્કૂલ દ્વારા ફરજિયાત અંદરનાં બુક સેલર્સ પાસેથી જ બુક ખરીદવાનું કહ્યું છે. ગયા વર્ષના ચોપડા પડ્યા હોય છતાં ફરજિયાત આખો નવો સેટ જ આપવામાં આવે છે. અમારી પાસે જે બુક હતી તે પરત આપવા ગયા તો બુક પરત પણ ના લીધી. બજાર કરતા વધુ કિંમતમાં બુક આપવામાં આવે છે અને ફરજિયાત ત્યાથી જ ખરીદવા જણાવવામાં આવે છે.

‘કોઈપણ સ્કૂલ આ પ્રકારે પુસ્તક ખરીદવા દબાણ ના કરી શકે’ – DEO રોહિત ચૌધરી
આ અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘કોઈપણ સ્કૂલ આ પ્રકારે પુસ્તક ખરીદવા દબાણ ના કરી શકે. વાલી અમને ફરિયાદ કરશે તો અમે સ્કૂલ સામે કાર્યવાહી કરીશું. આ ઉપરાંત સ્કૂલોની ફરિયાદ માટે સારથી હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકશે, જેને આધારે પણ પણ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post