સાબરકાંઠા (હિંમતનગર)7 કલાક પહેલા
- કૉપી લિંક
એક લાખથી વધુ લાભાર્થીઓને મળ્યો લાભ…
સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા અંતર્ગત એક લાખથી વધુ લાભાર્થીઓને લાભ મળ્યો છે. ત્યારે ઉજ્જવલા યોજના થકી અંતરીયાળ વિસ્તારના ગામડાઓમાં પણ લોકોના ઘરોમાં અજવાળું પથરાયું છે.
કેન્દ્ર સરકારે અસુરક્ષિત ઇંધણનો ઉપયોગ કરતી ભારતની તમામ મહિલાઓને ઘરેલુ એલપીજી ગેસ પૂરો પાડવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અમલી બનાવી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં 1,27,015 લાભાર્થીઓને ગેસની બોટલનો લાભ અપાયો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ મહિલાઓ જે ઘરમાં રસોઈ બનાવવા માટે બળતણનો ઉપયોગ કરે છે. તે તેમના સ્વાસ્થ્ય અને તેમના બાળકો માટે હાનિકારક છે. તેથી તેઓએ લાકડાનો ઉપયોગ કરવાને બદલે એલપીજી ગેસનો ઉપયોગ કરવો જોઈએ જેથી બાળકો અને તેમના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય. મહિલાઓ અને બાળકોને સુરક્ષિત રાખવા ઉપરાંત આ યોજનાથી પર્યાવરણને પણ પ્રદૂષણ મુક્ત બનાવવામાં આવ્યું છે. ઈંધણમાંથી નીકળતો ધુમાડો માનવીની સાથે પર્યાવરણને પણ પ્રદૂષિત કરે છે. તેથી ગેસના ઉપયોગથી બંને સુરક્ષિત બન્યા છે. વર્તમાન સમયમાં લગભગ તમામ ઘરોમાં ગેસની સુવિધા છે. જેના કારણે મહિલાઓ સરળતાથી રસોઈ બનાવી શકે છે અને તેમને સબસીડીનો પણ લાભ મળી રહ્યો છે.
જિલ્લા કલેક્ટરને સન્માનિત કરાયા…
સાબરકાંઠા જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર એન.એન. દવેનું સોમવારે સમસ્ત બ્રહ્મ સમાજ સાબરકાંઠા હિંમતનગરના હોદ્દેદારો, ર્ડા. વિપુલ જાની, રાજુ ભટ્ટ, કલ્પેશ ત્રિવેદી (બંસી પેથોલોજી), હર્ષલ રાવલ, મહેન્દ્ર રાવલ, મનોજ પુરોહિત સહિતના હોદ્દેદારોએ સન્માન કર્યું હતું.
પ્રાંતિજ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા યોજાયા…
પ્રાંતિજ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાખરીયા બસ સ્ટેશન ખાતે સંકલ્પ સત્યાગ્રહ સપ્તાહ અંતર્ગત ધરણા યોજાવામાં આવ્યા હતા. તેમાં પ્રાંતિજ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાંતિજ કોંગ્રેસ સમિતિ પ્રમુખ કૌશિક પટેલ, વિરોધ પક્ષના નેતા પ્રભાતસિંહ સોલંકી, શહેર પ્રમુખ, પૂર્વ પ્રમુખ બહેચરસિંહ રાઠોડ તેમજ કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.
રૂ. 3 લાખનો પુરસ્કાર અપર્ણ…
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગ્રામ પંચાયતને મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ જિલ્લામાં પ્રથમ ક્રમ મળ્યો છે. ત્યારે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન વિપુલ પટેલના વરદહસ્તે તખતગઢ ગ્રામ પંચાયતના સરપંચ નિશાંત પટેલને રૂપિયા 3 લાખનો પુરસ્કાર રૂપે જિલ્લા કક્ષાએથી ચેક અપર્ણ કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા તખતગઢ ગ્રામ પંચાયતના સરપંચ નિશાંત પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ ગામની અસ્મિતા જળવાય તેમજ ગામના લોકો, ગામનુ યુવાધન, બાળકો ગામથી સુપરિચીત થાય અને તેના થકી ગ્રામ વિકાસ પામે તે મુજબની અસરકારક કામગીરી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે તેવો રાજ્ય સરકારને મુખ્ય ઉદ્દેશ છે. ત્યારે તખતગઢ ગ્રામ પંચાયત દ્વારા અસરકારક કામગીરી કરીને સમગ્ર જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જિલ્લા કક્ષાએથી પુરસ્કારરૂપે 3 લાખની રકમનો ચેક મળ્યો હતો. સ્વરાજ્યથી સુરાજ્ય તરફ પ્રયાણ કરી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ્ય નાગરિકોની સુવિધામાં વધારો કરાશે.