રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ભાદર નદીમાંથી એક અજાણ્યા પુરુષની તરતી હાલતમાં લાશ મળી આવી હતી. જે સંદર્ભે રાજકોટ એલસીબી દ્વારા હત્યાનો વણ ઉકેલાયેલો ગુનો શોધી કાઢવામાં આવ્યો છે. જેમાં મૃતક શીવાભાઈ ઘુંઘવાળાની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યામાં સામેલ મૃતકની પ્રેમિકા તેમજ તેના પતિ અને પતિના ભાઈની ધરપકડ કરવામાં આવી છે.
26 માર્ચે ભાદર નદીમાંથી યુવકની લાશ મળી
એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાના જણાવ્યા પ્રમાણે ગત 26 માર્ચના રોજ ભાદર નદીમાંથી તરતી હાલતમાં એક લાશ મળી આવી હતી. જે સંદર્ભે લાશને ફોરેન્સિક સાયન્સ વિભાગ મેડિકલ કોલેજ રાજકોટ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવતા મૃતક વ્યક્તિની ઉંમર આશરે 30થી 35 વર્ષની હોવાનું સામે આવ્યું હતું. તેમજ મૃતકને ગળાના ભાગે તથા પેટના ભાગે તેમજ તિક્ષણ હથિયાર વડે ઇજા થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. તો સાથે જ માથાના ભાગે હેમરેજ જેવી ઈજા થતાં વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
27 માર્ચે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો
મૃતકની ઓળખ થઇ ન હોવાના કારણે તેના વાલી વારસ મળી આવે તે સંદર્ભે મૃતક વ્યક્તિના સ્કેચ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ પણ કરવામાં આવી હતી. મૃતક વ્યક્તિના જમણા હાથના કાંડાની બાજુમાં અંગ્રેજીમાં SHIVA તથા VS ત્રોફાવેલા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે 27 તારીખના રોજ જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ipcની કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
મૃતક ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામનો વતની
સમગ્ર બનાવ સંદર્ભે ટેકનિકલ સોર્સ દ્વારા બનાવવાની જગ્યાએ શિવા નામની વ્યક્તિઓની હાજરી અંગે તપાસ કરવામાં આવતા મૃતક ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામનો વતની હોવાનું સામે આવ્યું હતું. બનાવ સંદર્ભે મૃતકના ભાઈ રામભાઈ ઘુંઘવાળાનો સંપર્ક સાધવામાં આવતા તે જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા મરણ જનારના શરીરે પહેરેલા કપડાં તેમજ તેની લાશના ફોટોગ્રાફ બતાવવામાં આવતા મરણ જનાર તેનો ભાઈ શિવા હોવાનું જણાવ્યું હતું.
મૃતકની પ્રેમ સંબંધમાં હત્યા
મરણજનારના ભાઈ રામભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, મૃતક શિવાને એકાદ વર્ષથી મધ્ય પ્રદેશની મહિલા રેશમાબેન ડાવર જે હાલ જામકંડોરણા તાલુકાના દૂધીવદર ગામ ખાતે રહે છે તેની સાથે પ્રેમ સંબંધ હતો. તેમજ એકાદ વર્ષ પૂર્વે જુનાગઢ બસ સ્ટેન્ડમાંથી લઇ રેશમાને શિવા પોતાની વાડીએ પણ લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જે બાબતનો ખાર રેશ્માના પતિ હતરીયા ડાવરને પણ હતો. જેથી ગત 22 તારીખના રોજ રાત્રિના સમયે પોતાની પત્ની રેશમાના માધ્યમથી ફોન કરીને શિવાને દુધીવદર ખાતે બોલાવ્યો હતો. ત્યારબાદ પોતાના ભાઈ મુકેશ ડાવર સાથે મળીને શિવાની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ મૃતકની લાશને ભાદર નદીમાં ફેંકી દીધાને આરોપીઓ દ્વારા કબુલાત આપવામાં આવી છે.
હાલ પોલીસે આરોપી હતરીયા ડાવર તેનો ભાઈ
મુકેશ ડાવર અને હતરીયાની પત્ની રેશ્મા ડાવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવતીકાલે 3 આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરી ઓળખપરેડ કરાવવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.

રાજકોટમાં છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા કટારિયા ઓટોમોબાઇલ્સ નામના શોરૂમમાં 10.71 લાખની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 3 મહિના કરતા વધુ સમયથી ફરાર આરોપી વિનોદ ચાવડાની રાજકોટ શહેર LCB ઝોન 2 ટિમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શો રૂમમાં જ નોકરી કરતા અને રૈયાધાર સ્લ્મ ક્વાર્ટરમાં રહેતા કેશિયરે વિનોદ નરશીભાઈ ચાવડાએ બે મહિનામાં 106 વાહન માલિકો પાસેથી રૂ.10,71,661 ઉઘરાવી રકમ પેઢીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાને બદલે બારોબાર ચાઉં કરી જતા રાજકોટ તાલુકા પોલીસે ડિસેમ્બર 2022 માં તેની સામે છેતરપિંડી અંગે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આજે 3 મહિના બાદ આરોપી પકડાતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં બે ચોરાઉ બાઈક સાથે એક આરોપીની ધરપકડ
રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા બે ચોરાઉ બાઈક સાથે એક આરોપીની ધરપકડ કરી છે. એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના રામનાથપરા વિસ્તારમાં જીતેશ ઉર્ફે જીતુ વાઘેલા (ઉ.વ.30) ચોરાઉ બાઈક સાથે ઉભો છે તેને અટકાવી પુછપરછ કરતા વાહન અંગે કોઈ કાગળ રજૂ ન કરી શકતા ચોરાઉ હોવાની કબૂલાત આપી હતી જેથી તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવતા તેને વધુ એક બાઈક ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે તેની પાસેથી બે ચોરાઉ બાઈક સહીત કુલ 45,000 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી અગાઉ રાજકોટ શહેર પોલીસ હાથે 4 વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.