રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થયા બાદ સોમવારથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થતાની સાથે જ પ્રથમ પરીક્ષાની અંદર જ એક સાથે 3-3 કોપી કેસ નોંધાયા હતા જે બાદ ગઈકાલે વધુ 3 કોપીકેસ બાદ આજે ફરી વધુ બે કોપીકેસ નોંધાયા છે. જેમાં મોરબીની નવયુગ કોલેજમાં બીબીએ સેમેસ્ટર 4 માં બે વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતા 17 એપ્રિલથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં બીએ બીકોમ સહીત અલગ અલગ 15 જેટલા કોર્ષના 42,000 જેટલા વિદ્યાર્થીઓની 119 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં આજે સતત બીજા દિવસે પરીક્ષામાં ગેરરીતિ બદલ બે વિદ્યાર્થી સામે કોપીકેસ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી વીરપર ખાતે નવયુગ કોલેજમાં આજે બીબીએ સેમેસ્ટર 4 માં માર્કેટિંગ વિષયમાં કાપલી સાથે પરીક્ષામાં ચોરી કરતા ઓબ્ઝર્વર દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા જેની સામે કોપીકેસ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પરીક્ષાના પ્રથમ દિવસે પણ એક સાથે 3-3 કોપીકેસ નોંધાયા હતા. જેમાં અમરેલીના સાવરકુંડલા ખાતે BSC સેમેસ્ટર 4 માં બે વિદ્યાર્થી જયારે ભાયાવદર ખાતે BCA સેમેસ્ટર 4 માં એક વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરીતિ આચરતા હોવાનું સામે આવતા તેમની સામે કોપી કેસ કાર્યવાહી કરવામાં આવી હતી જયારે ગઈકાલે ત્રીજા દિવસની પરીક્ષા દરમિયાન પણ અમરેલીના લાઠી ખાતે 3 કોપીકેસ નોંધાયા હતા જેની સામે પણ કોપીકેસ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની પરીક્ષા દરમિયાન ઓનલાઇન CCTV ફૂટેજ પરીક્ષા દરમિયાન જોઈ શકાતા ન હતા જે આ વખતે ચાલુ કરી દેવામાં આવતા પરીક્ષા દરમિયાન ઓનલાઇન લાઈવ CCTV પરીક્ષાના જોઈ શકાય તે માટે વ્યવસ્થા યુનિવર્સીટી દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવી છે.