જુનાગઢ3 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
જૂનાગઢ જિલ્લાની 400 જેટલી ખાનગી શાળાઓમાં 1684 જગ્યામાં નબળા અને વંચિત જૂથના બાળકોને નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મળશે. જીલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લાની 400 જેટલી ખાનગી શાળામાં 1684 જગ્યામાં નબળા અને વંચિત જૂથના બાળકોને નવા શૈક્ષણિક વર્ષ 2023 – 2024 માટે પ્રવેશ મળશે.
બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકારની કલમ 12(1)C હેઠળ અંતર્ગત નબળા અને વંચિત જૂથોના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. જે મુજબ જૂનાગઢમાં નબળા અને વંચિત જૂથોના બાળકોને 25 ટકા મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 માં જૂન-2023 થી વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
જે બાળકોને 1 જુન 2023 ના રોજ છ વર્ષ પૂર્ણ થતા હોય અને ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-1 માં અભ્યાસ ન કરેલો હોય તે આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે. આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈટ પર તારીખ 10/4/2023 થી તારીખ 22/4/2023 દરમિયાન ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
શૈક્ષણિક વર્ષ 2023-2024 માં જૂનાગઢ જિલ્લાની અંદાજે 400 જેટલી ખાનગી પ્રાથમિક શાળામાં ૨૫ ટકા મુજબ 1684 જેટલી જગ્યા ઉપલબ્ધ છે. આ પ્રવેશ બાબતે વાલીઓને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણ સમિતિ જૂનાગઢ ખાતે હેલ્પ સેન્ટર અને હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા હેલ્પ લાઈન નંબર 0285 -299045 પર સંપર્ક કરવા જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.