પંચમહાલ (ગોધરા)3 કલાક પહેલા
- કૉપી લિંક
ગોધરા શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં ધારાસભ્ય સીકે રાઉલજીના હસ્તે 5 કરોડ ઉપરાંતના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગાર્ડન ડેવલપમેન્ટ કામનું ખાતમુહુર્ત, નવીન રસ્તાઓના કામનું ખાતમુહુર્ત તેમજ નવીન સર્કલ અને અટલ ઉદ્યાનમાં રમતગમત માટેના સાધનોના લોકાર્પણના કામનો સમાવેશ થાય છે.

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં આજે ચાર જેટલા વિકાસકાર્યોના કામોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગોધરા નગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ઠ મુક્તિધામ ખાતે ગાર્ડન ડેવલોપમેન્ટના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરમાં આવેલ એકમાત્ર મુક્તિધામનો વિકાસ થાય તે આશયે અમૃત યોજના-2 અને સ્વેપ-1ની ગ્રાન્ટમાંથી રૂ 50 લાખ જેટલી માતબર રકમ ગાર્ડન ડેવલોપમેન્ટના કામ અર્થે મંજૂર થઈ હતી. જેનું આજે ધારાસભ્ય સીકે રાઉલજીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સાથે જ ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલા નવીન પુષ્ટિમાર્ગ સર્કલનું ધારાસભ્યની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરમાં આવેલા વિવિધ વિસ્તારોમાં રૂ. 5 કરોડના ખર્ચે તૈયાર થનારા નવીન આરસીસી રસ્તાઓના કામનું પણ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બીજી તરફ ગોધરા શહેરમાં આવેલા એકમાત્ર અટલ ઉદ્યાનમાં લાંબા સમયથી બાળકોને રમતગમતના સાધનોનો અભાવ જોવા મળતો હતો. ત્યારે ગોધરા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ 29.90 લાખના ખર્ચે રમતગમતના સાધનોનું નવીનીકરણ કરવામા આવ્યું છે. જેનું પણ આજે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આમ આજે એક જ દિવસમાં ગોધરા ધારાસભ્યના હસ્તે રૂ 5.50 કરોડ ઉપરાંતના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને લઇને ગોધરાના શહેરીજનોની સુખાકારીમાં વધારો થશે. આ પ્રસંગે ગોધરા નગરપાલીકાના વિવિધ વોર્ડ સભ્યો અને નગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



