અમદાવાદના સીજી રોડ પર 50 લાખ ભરેલી બેગ ઝૂંટવી બે લૂંટારું ફરાર, બાઈક પર આવ્યાં ને લૂંટ | Two robbers ran away after snatching a bag full of 50 lakhs on CG road, came on a bike and robbed | Times Of Ahmedabad

અમદાવાદ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના સીજી રોડ પરના લાલ બંગલા પાસે આજે સાંજના સમયે રૂ. 50 લાખની ચીલઝડપ કરીને બે શખસ ફરાર થઈ ગયા હતા. બાઈક પર આવેલા બે શખસે એકટીવા પર જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ. 50 લાખ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા.

આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા એક કરોડ લઇને નીકળ્યો હતો. એક પેઢીમાં 50 લાખ આપી દીધા હતા અને બીજી પેઢીમાં આપવા જતો હતો. ત્યારે આ લૂંટની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં નવરંગપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. નવરંગપુરા પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને બાઈકસવાર લૂંટારોની તપાસ શરૂ કરી છે.

ઈસ્કોનથી આંગડિયું લઈને કર્મી નીકળ્યો હતો
નારણપુરા પ્રતિક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા વિરેન્દ્રકુમાર દવે આર.કે. આંગડીયા પેઢીમાં નોકરી કરે છે. શુક્રવારે પેઢીમાં હાજર હતા, ત્યારે તેમના મેનેજર રાકેશભાઈએ જણાવ્યુ હતુ કે, નવરંગપુરા સીજી રોડ આવેલી ઈસ્કોન આર્કેટની આઆશીલ આંગડીયા પેઢીમાંથી રૂ.1 કરોડ લઈને રૂ.50 લાખ વિ.પટેલ આંગડીયા પેઢીમાં આપવાના છે અને બીજા રૂ.50 લાખ આપણી પેઢીમાં લાવવા છે. જેથી વિરેન્દ્રકુમાર એક્ટિવા લઈને ઈસ્કોન ખાતે આવેલી આંગડિયા પેઢીમાં ગયા હતા. જ્યાંથી રૂ.1 કરોડ લઈને રૂ.50 લાખ વિ.પટેલ આંગડિયા પેઢીમાં આપ્યા હતા. બાકીના રૂ.50 લાખ ભરેલ થેલો એક્ટિવા પર બેસીને નવરંગપુરા જઈ રહ્યા હતા.

એક્ટિવાની આગળ મૂકેલા રૂ.50 લાખની બેગ લઈ ફરાર
આંગડિયા કર્મી સી.જી.રોડ પર લાલ બંગલા પાસે પહોંચ્યો હતો ત્યારે એક બાઈક પર આવેલા બે શખસોએ એક્ટિવા પાસે આવ્યા હતા અને એક્ટિવાની આગળ મૂકેલા રૂ.50 લાખ ભરેલ બેગની ચીલઝડપ કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે વિરેન્દ્રકુમારે તેમની આંગડિયા પેઢીમાં કામ કરતા મેનેજર રાકેશભાઈને જાણ કરી હતી. બાદમાં વિરેન્દ્રકુમારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે શખસોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post