500એ પહોંચેલા કેળાંના ભાવ સપ્તાહમાં 225ની નીચે પહોંચ્યા | 500, banana prices fell below 225 during the week | Times Of Ahmedabad

જબુગામ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બોડેલી તાલુકામાં કેળાંની ખેતી કરતા ખેડૂતોને આર્થિક નુકસાન
  • જબુગામ સહિતના તાલુકાના અનેક ગામોમાં કેળાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે

છોટાઉદેપુર જિલ્લાના કેળાં કિંગ ગણાતા બોડેલીતાલુકાના જબુગામ, ચલામલી, સાલપુરા, નવાટિમ્બરવા, કોસીંદ્રા, માંકણી, ચાચક, મોડાસર સહિતના ગામોમાં મોટાપાયે બાગાયતી પાકમાં કેળાનું વાવેતર મોટા પ્રમાણમાં કરાય છે. રોકડીયા પાક તરીકે કેળાંનો પાક 9 મહિને તૈયાર થતાં માર્ચના છેલ્લા સપ્તાહમાં કટિંગ શરૂ થાય છે.

જે જૂન મહિના સુધી ચાલે છે. બજારમાં વેપારીઓ હાલ છૂટક કેળા પ્રતિકિલો 50 થી 60 રૂપિયામાં વેચે છે. દર વર્ષની જેમ ખેડૂતોને નવ મહિને કેળાનું કટિંગ શરૂ થાય ત્યારે વેપારીઓ દ્વારા એકલ દોકલ ખેડૂતોને છોડી ભાવ તળિયે બેસાડી દઈને ખેડૂતો પાસેથી ઓછા ભાવે કેળા ખરીદી અન્ય રાજ્યોના જિલ્લાના વેપારીઓને ઉંચા ભાવે આપી તગડી કમાણી કરી રહ્યા છે એવા આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે.

કેળાંનો ઓછો ભાવ મળતાં ખેડૂતોએ કેળના પાકમાં કરેલ મોંઘા ભાવના ખેડ, ખાતર, દવા, ટીસ્યુ રોપ, પાણી, મજૂરીનો તોતિંગ ખર્ચ કરતાં ઓછો ભાવ મળતાં ખેડૂતોના માથે દેવું વધતાં તે નાસીપાસ થઇ જતાં દેવાના ડુંગરો નીચે દબાયો છે. હાલ બોડેલી એપીએમસીની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.

મત માગવા ગામે ગામ ફરી ખેડૂતોના મત માંગી તેમને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.પરંતુ દર વર્ષે ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે પડતી મુશ્કેલી અંગે કોઈ બોલવા કે ખેડૂતોને પૂછવા તૈયાર નથી. બાગાયતી પાકો પકવતા ખેડૂતો માટે પોષણક્ષમ ભાવ મળી રહે તે અંગે કોઈ યોજના આજદિન સુધી બનાવી નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં તે પાયમાલી તરફ ધકેલાયો છે.

હાલ ખેડૂતોના કેળના પાકનો ભાવ રૂપિયા 500 થી ગગડીને 225 થતાં ખેડૂતોને મોટું આર્થિક નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે. કેળાંનો પાક વર્ષોવર્ષ જતાં ખેડૂતોને ભાવમાં રડાવી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર બાગાયતી પાકોમાં ટેકાનો ભાવ જાહેર કરી ખેડૂતોની સમસ્યાઓને દૂર કરે. હવે જોવું એ રહ્યું કે ખેડૂતોની આવક બમણી થાય તેવા પ્રયત્નો લોકજન પ્રતિનિધિ દ્વારા હાથ ધરાય છે કે કેમ? હાલ તો કેળાના પાકનો ભાવ તળિયે બેસી જતા ખેડૂતોના માથે આર્થિક સંકટ ઘેરાયું છે.

છૂટક ખરીદનાર, ખેડૂતોને આર્થિક નુકસાની થઇ છે
હાલમાં કેળાનો ભાવ ગગડીને તળિયે પહોંચતાં ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે અચાનક માગમાં ઘટાડો થવાને કારણે કે પછી અન્ય કારણોસર ભાવ ઘટયા છે. પરંતુ છુટક વેપારીઓ દ્વારા કિલો કેળાં રૂપિયા 50થી 60ના ભાવે વેચાય છે. જેમાં ઘણો તફાવત જોવા મળે છે. છેવટે છૂટક ખરીદનાર અને ખેડૂતોને આર્થિક નુકસાની છે. – આશિષ દેશાઇ, ખેડૂત આગેવાન, જબુગામ

અચાનક કેળાંના ભાવ 50 %થી નીચે જતાં નુકસાન
હાલમાં મોંઘા ભાવના ટીસ્યુના રોપા, ખાતર, પાણી, દવા, મોંઘી મજૂરી સહિત વીજ ધાંધિયા વચ્ચે કેળાંની ખેતી કરવામાં આવે છે. સમયાંતરે ભાવમાં વધઘટ થતી રહે છે પરંતુ અચાનક જ મણ કેળાંના ભાવ પચાસ ટકાથી નીચે જતાં ખેડૂતોને આર્થિક નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે. – યોગેન્દ્રસિંહ વરણામીયા, ખેડૂત

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم